વસુંધરાના વહાલાં દવલાં:જોજો! તરસ છિપાવવા આવેલું પક્ષી, તડપીને મરી ન જાય

Magazine4/15/2026, 12:50:00 AM
વસુંધરાના વહાલાં દવલાં:જોજો! તરસ છિપાવવા આવેલું પક્ષી, તડપીને મરી ન જાય
ક્લાઈમેટ ચેન્જની અસર એ છે કે, ઉનાળાની શરૂઆત થઈ રહી છે, પણ માવઠું અને ઠંડી એપ્રિલમાં પણ અનુભવાય છે. બદલાતી ઋતુ વચ્ચે ગરમી વધતાં જેમ આપણે ફ્રીઝમાં મૂકેલી પાણીની બોટલની સંખ્યા વધી ગઈ છે. તેમ વન્યજીવોને પણ તરસ વધુ લાગે એ સ્વાભાવિક છે. જોકે, પક્ષીઓને આંતરડી ઠારવા કરાતા સારા કામની ભૂલ ઘણી વખતે માઠું પરિણામ લઈને આવે છે. અબોલ પક્ષીઓ માટે તરસ છીપાવવા છત કે આંગણામાં પાણીનું કુંડું રાખવું એ આપણા સંસ્કાર અને માનવતાનું પ્રતીક છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ જ સેવા ક્યારેક પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે? પક્ષીઓને પાણી પીવડાવવા કે બર્ડ ફીડરમાં ચણ નાખવામાં કરવામાં આવતી નાનકડી બેદરકારી તેમને ગંભીર બીમારીઓનો ભોગ બનાવી શકે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો, ખુલ્લા કુંડામાં લાંબો સમય ભરાઈ રહેલું પાણી બેક્ટેરિયા, ફૂગ અને મચ્છરોનું ઘર બની જાય છે. જ્યારે અનેક પક્ષીઓ એક જ કુંડામાં પાણી પીવે છે અથવા તેમાં સ્નાન કરે છે, ત્યારે તેમનાં ઉત્સર્ગ દ્રવ્યો અને પીંછાં દ્વારા ચેપ ફેલાય છે. જો કુંડું નિયમિત સાફ ન કરવામાં આવે, તો તેમાં શેવાળ જામી જાય છે, જે પક્ષીઓમાં પાચનતંત્રના રોગો અને ગંભીર ઈન્ફેક્શન અને એવિયન પોક્સ જેવા રોગ ફેલાવી શકે છે. જો કુંડામાં ભીનો ખોરાક કે ગંદકી પડી રહે, તો તેમાં ફૂગ લાગે છે જે પક્ષીઓના શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે. તો... ધરમ કરતાં ધાડ પડી જાય જીવદયા અને સેવાના ભાવથી આપણે પક્ષીઓ માટે કુંડામાં પાણી તો ભરી દઈએ છીએ, પણ તેને સમયાંતરે સાફ કરવાનું ભૂલી જઈએ છીએ. અને ડખો શરૂ થાય છે અહીંયાથી, પક્ષીઓ તે જ પાણીમાં સ્નાન કરે છે, ચાંચ સાફ કરે છે અને ક્યારેક તેમાં જ ચરક પણ કરે છે. લાંબો સમય ભરેલું રહેલું એ પાણી અને તેમાં ભળતી ગંદકી બેક્ટેરિયાનું ઘર બને છે, જે બાદમાં ત્યાં તરસ છીપાવવા આવતા અન્ય પક્ષીઓ માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. આપણી ભૂલનો ભોગ પક્ષી બને છે : સંશોધન બ્રિટિશ ટ્રસ્ટ ફોર ઓર્નિથોલોજી અને પલ્સ વન જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન ‘એપિડેમિયોલોજિકલ એવિડન્સ ધેટ ગાર્ડન બર્ડસ આર અ સોર્સ ઓફ હ્યુમન સાલ્મોનેલાલોસિસ’ મુજબ, પક્ષીઓમાં ફેલાતો ‘સાલ્મોનેલોસિસ’ અને ‘ટ્રાઇકોમોનોસિસ’ જેવો રોગ મુખ્યત્વે ગંદા પાણી અને વાસી ખોરાકને કારણે ફેલાય છે. જ્યારે પક્ષીઓ એક જ ગંદા કુંડામાંથી પાણી પીએ છે, ત્યારે આ સંક્રમણ એક પક્ષીમાંથી બીજા પક્ષીમાં ખૂબ ઝડપથી ફેલાય છે, જે ઘણીવાર પક્ષીઓનાં સામૂહિક મૃત્યુનું કારણ બને છે. પક્ષીઓનું ધ્યાન કેમ રાખવું? દરરોજ પાણી બદલો: કુંડામાં ભરેલું પાણી દરરોજ સવારે બદલવું જોઈએ. જૂનું પાણી ઢોળી દઈ, કુંડું બરાબર ઘસીને સાફ કર્યા પછી જ તેમાં નવું પાણી ભરવું. વાસણની સફાઈ: અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર પાણીના કુંડા અને ચણના પાત્રને સાબુ કે હળવા ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરો. યાદ રાખો કે સફાઈ કર્યા પછી તેને તડકામાં સૂકવવું જરૂરી છે જેથી બેક્ટેરિયા નાશ પામે. વાસી ખોરાક ટાળો: પક્ષીઓને ક્યારેય વાસી રોટલી કે ફૂગ વળેલી ચણ ન આપવી. ભીની થયેલી ચણ એસ્પેરેગિલ્લોસિસ નામની ફૂગને કારણે ઝેરી બની શકે છે. જેટલી જરૂર હોય તેટલી જ ચણ નાખવું જેથી તે પડી ન રહે. કુંડાનું સ્થાન: પાણીનું કુંડું એવી જગ્યાએ રાખો જ્યાં સીધો તડકો ઓછો આવતો હોય, જેથી પાણી ઠંડું રહે અને તેમાં શેવાળ ન વળે. આઇસોલેશન : જો તમને તમારા આંગણામાં કોઈ પક્ષી બીમાર અથવા સુસ્ત દેખાય, તો થોડા દિવસો માટે ચણ અને પાણી રાખવાનું બંધ કરો અથવા પાત્રની જગ્યા બદલી નાખો. તેનાથી બીમારી અન્ય પક્ષીઓમાં ફેલાતી અટકશે. આ રાખો ધ્યાન
Read Original Article →