પ્રસંગકથા:કલાપારખુ કૃષ્ણકુમાર સિંહજી
નટવર આહલપરા કૃષ્ણકુમાર સિંહજીની કલાદૃષ્ટિ કલાકારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ નીવડી છે. કૃષ્ણકુમાર સિંહજી ફૂલો જેવા કોમળ હતા. તેથી જ તેમણે ભાવનગરની મધ્યે તળાવમાં જેમ ફૂલો શોભે તેમ શોભતા ટાઉનહોલને કલાકારો અને કલાની કદરદાન પ્રજા માટે ભેટ ધર્યો હતો.
એક પ્રશ્ન થાય છે કે, ભાવનગરને ટાઉનહોલ ભેટ મળ્યો ન હોત તો? ઉત્તરમાં કહી શકાય કે, તો દેશ-વિદેશમાં ભાવનગરના કલાકારો, સાહિત્યકારો પોતપોતાનાં ક્ષેત્રમાં ટોચ સુધી પહોંચ્યા છે તે ન પહોંચ્યા હોત. જે રાજા ભજનો સાંભળવામાં તરબોળ થઈ જતા હોય, નૃત્યકારો, ચિત્રકારો, ભવાઈવેશના કલાકારો, સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે દેશ-વિદેશમાંથી તજજ્ઞોને બોલાવી માર્ગદર્શન, તાલીમ મળે તેવી વ્યવસ્થા કરતા હોય તેવા પુણ્યશ્લોક, પ્રાત: સ્મરણીય અને નેકનામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની વંદના કરીએ તેટલી ઓછી છે.
ટાઉનહોલના વિશાળ મંચ ઉપરથી રજૂ થયેલા યાદગાર, પ્રેરક અને સંવેદનથી ભરપૂર પ્રસંગો યાદ આવે છે. જાણીતા ભજનિક સ્વ. પ્રાણલાલ વ્યાસે 40 વર્ષ પહેલાં પોતાનું ભજન ગાયું તે પહેલાં ગદગદ સ્વરે કહ્યું હતું કે ‘મારા વહાલા દર્શકમિત્રો, આજે અમે સૌ કલાકારો મંચ ઉપર છીએ તેનો સંપૂર્ણ શ્રેય કૃષ્ણકુમાર સિંહજીની કલાપ્રીતિને જાય છે. એમનો અમારા પ્રત્યેનો સ્નેહભાવ હતો ત્યારે અમે વિશાળ ટાઉનહોલના મંચ ઉપરથી અવારનવાર રજૂ થઈને ભજનને ભક્તિભાવથી આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી છીએ અને અમે અને આપ સૌ ભજનમાં તલ્લીન થઈએ છીએ. ધજા ક્યારે ફરકે? જ્યારે તેનો પાયો મજબૂત હોય. અમારી ધજા ફરકી રહી છે તેના પાયામાં કૃષ્ણકુમાર સિંહજીનો કલા પ્રેમ છે.’
કૃષ્ણનગર સંસ્કાર મંડળ અને કૃષ્ણનગર એવન્યુ મિત્ર મંડળના મંચ ઉપરથી નવરાત્રિ, જન્માષ્ટમીના કાર્યક્રમ રજૂ કરતાં પહેલાં કલાકારો કૃષ્ણકુમાર સિંહજીની સ્મરણ વંદના કર્યા બાદ જ કાર્યક્રમ રજૂ કરતા હતા. સ્વ. દિવાળીબેન ભીલ તો એકવાર...
કૃષ્ણનગર સંસ્કાર મંડળના મંચ પરથી ભજન રજૂ કરતી વખતે રડી પડ્યાં હતાં અને ભાવથી બોલ્યાં હતાં, ‘કૃષ્ણકુમાર સિંહજી તો આપણા માવતર છે. એમના ઋણ તો આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ. એમના થકી તો અમને આટલી લોકચાહના, પુરસ્કાર, સન્માન, એવોર્ડ મળતાં રહે છે અને અમે દેશ-વિદેશ સુધી પહોંચી શક્યાં છીએ. ટાઉનહોલની પણ આપણે જાળવણી કરતા રહીએ.’
જ્યારે કલાકારોને દર્શકો તાળીઓના ગડગડાટથી બિરદાવતા ત્યારે કલાકારો કહેતા કે ‘અમને પછી બિરદાવો, પહેલાં કૃષ્ણકુમાર સિંહજીને વંદન કરીએ અને ત્યારબાદ અમારું સન્માન કરો.’
‘મારી પ્રજાનું કલ્યાણ થજો’ એવું સંબોધન કરનાર કૃષ્ણકુમાર સિંહજી ખરા અર્થમાં કલાપારખુ હતા.
Read Original Article →