સહજ સંવાદ:બંગાળ અને ગુજરાત: ચૂંટણીએ બદલ્યો કેનવાસ!

Magazine5/6/2026, 12:35:00 AM
સહજ સંવાદ:બંગાળ અને ગુજરાત: ચૂંટણીએ બદલ્યો કેનવાસ!
ચોથી મેના દિવસે બંગાળ વિધાનસભાની ચૂંટણીનું વિસ્ફોટક પરિણામ અને પહેલી મેના દિવસે ગુજરાત રાજ્ય સરકારની સ્થાપનાની ઉજવણી; દેખીતી રીતે તો આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી, પણ બંગાળની ચૂંટણી દરમિયાન માત્ર રાજકીય નહીં, સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોની જે વાતો થઈ, તેની ભૂમિકા અને તેનું અર્થઘટન સમજવા જેવું છે. તૃણમૂલ કોંગ્રેસના નિશાન પર આમ તો ચૂંટણી પંચ, મતદારોની ચકાસણી અને નાગરિકોની નોંધણી જેવા વિષયો તો હતા જ, પણ તેનો મુખ્ય ઇરાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા. તેમાં બીજા ગુજરાતી રાજકારણી અમિત શાહનો ઉમેરો થયો. વિરોધ પક્ષો કોઈ પણ ભોગે આ બંને સત્તા પર ન હોય એવો ઇરાદો રાખે છે. બંગાળમાં વળી સાવ અલગ લાગે તેવી, પણ જમાનાજૂની ‘કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય’નો શોરબકોર શરૂ થયો. ચૂંટણી પંચ, મતદાતા તપાસણી અને કેન્દ્રીય પોલીસનો ઉપયોગ વગેરે મુદ્દાઓ પ્રચારમાં ઉઠાવવામાં આવ્યા. ભાજપ હિન્દુ-મુસ્લિમ ભાગલા પાડીને મત મેળવવા માંગે છે એમ કહેવાયું. સામસામી તલવારો મતદાન સુધી ચમકતી રહી. મુખ્યમંત્રીનું વલણ જોઈને એક મુસ્લિમ નેતાએ તો બાબરી મસ્જિદ ફરી ઊભી કરવાનું એલાન કરી દીધું અને ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું. જેઓ અયોધ્યા-ઘટના પછી સમસમીને બેઠા હતા તેમને તક મળી ગઈ. બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસા અને આગના બનાવો રોજના થઈ ગયા. બંગાળ અને બંગાળીનો સ્વભાવ થોડો અલગ છે. તેઓ સાહિત્ય, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્યનીતિમાં બીજી પ્રજાથી અલગ અને વિશેષ છે એવી બંગાળીઓની માન્યતા છે. બંગાળ પ્રત્યેની તેમની ચાહના કઈ આજકાલની વાત નથી, અનેક ઐતિહાસિક ઘટનાઓ તેની સાક્ષી છે. વાસ્તવિકતા તો એ હતી કે સમગ્ર બંગાળે સ્વાધીનતા માટે આહુતિ આપી હતી. આપી દેવાયેલા ભાગમાં ચટગાંવમાં માસ્ટરદા સૂર્યસેનના નેતૃત્વ હેઠળ જાલાલાબાદ સહિતનો જે રણસંગ્રામ થયો, તેનાથી બ્રિટિશ સત્તાના પાયા હચમચી ગયા હતા. સૂર્યસેન સહિત અનેક ક્રાંતિકારીઓ હુતાત્મા થયા. પ્રીતિલતા વડ્ડેદાર નામના ક્રાંતિકારી યુદ્ધ મોરચે શહીદ થયા. સૂર્યસેન અને બીજાઓને ફાંસી મળી. આ ચટગાંવની એક બીજી ઐતિહાસિક વિશેષતા એ છે કે બર્મામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ ઇમ્ફાલના મોરચે આગળ વધીને ચટગાંવ પહોંચવા માંગતી હતી. એકવાર જો બંગાળમાં પ્રવેશ થઈ જાય તો સ્વાધીનતા જંગ ચારેતરફ વિસ્તરે અને બંગાળ, ઉત્તરપ્રદેશ, બિહાર સુધીની જનતા સ્વયં બ્રિટિશ સત્તાને સમાપ્ત કરે એવી યોજના હતી. જોકે આ વ્યૂહરચના જાપાનના પરાજય પછી સફળ ના થઈ, પણ બંગાળનો પ્રભાવ જુઓ, બહુ સમય સુધી તે પશ્ચિમ પાકિસ્તાનને સહન કરી શક્યું નહીં. ઉર્દૂને બદલે બંગાળી ભાષાનો આગ્રહ રાખતાં આંદોલનોમાં યુવાનો શહીદ થયા. વિશ્વ માતૃભાષા દિવસ આ આંદોલનનું જ પરિણામ છે. રવીન્દ્રનાથ ટાગોરનું ગીત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બન્યું. કાઝી નઝરૂલ ઇસ્લામ જેવા રાષ્ટ્રભક્ત કવિ લોકપ્રિય રહ્યા, શરદબાબુ બંગાળના કથા-સમ્રાટ રહ્યા અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ’ રાષ્ટ્રનો પ્રાણસ્વર બન્યું. સમગ્ર બંગાળની સૌથી મોટી વિશેષતા ક્રાંતિ માટેના સંગ્રામની છે. ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ જે બેરકપુર સ્થાને છેલ્લું પ્રચાર ભાષણ કર્યું, ત્યાં 1857નો પ્રથમ ક્રાંતિકારી મંગલ પાંડે હુતાત્મા બન્યો હતો. બંગાળથી જ 1857 પછી બીજો સંઘર્ષ આયોજિત કરવાનું કાર્ય રાસબિહારી બોઝે કર્યું હતું અને દેશવ્યાપી ‘ગદર’ની આંધી જગવી હતી. જિંદગીના છેલ્લા પડાવે તેમણે ટોક્યોમાં આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી અને બીજા બંગ મહાનાયક સુભાષચંદ્ર બોઝને જર્મનીથી બોલાવીને નેતૃત્વ સોંપ્યું. છેક ઇમ્ફાલ અને આંદામાન સુધીના પ્રદેશમાં 1943માં જ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો. 1905માં અરવિંદ ઘોષે વડોદરાથી ‘ભવાની મંદિર’ પુસ્તિકા લખી, જેના પરથી પ્રખ્યાત બંગાળી ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોરે ભારતમાતાનું ચિત્ર દોર્યું. ભગિની નિવેદિતાએ બંગાળમાં ચેતનાનું કાર્ય કર્યું. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ બંગાળના શક્તિ-સૂર્યો છે. આ યાદી ઘણી લાંબી થાય તેવું બંગાળનું મહત્વ છે, પણ વર્તમાન ચૂંટણીના રાજકારણમાં માનસિક રીતે ઘવાયેલા મુખ્યમંત્રીએ ‘બદલાવ નહીં, બદલો’ની ભૂમિકા પર વાત લાવીને મૂકી. એક આંતરરાષ્ટ્રીય વિદ્વાને તો ત્યાં સુધી કહ્યું કે બંગાળમાં શક્તિની પૂજા છે, શ્રી રામની નહીં. એક મહિલા રાજનેતાએ કહ્યું કે બંગાળે સ્વાતંત્ર્ય જંગમાં વધુ મહત્વનો ભાગ ભજવ્યો છે, ગુજરાતે નહીં. ઇતિહાસના અજ્ઞાનમાંથી આવો અભિપ્રાય પેદા થયો છે. 1857 થી 1945 સુધીમાં ગુજરાતે સશસ્ત્ર અને અસહકાર-અહિંસા બંનેમાં સક્રિય ભાગ લીધો છે. એકલા ગાંધી કે સરદાર નહીં, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા, વડોદરામાં અરવિંદ ઘોષ, હરિપુરા રાષ્ટ્રીય અધિવેશનમાં નેતાજીનું સભાપતિ હોવું, આઝાદ હિન્દ ફોજમાં ગુજરાતીઓનું પ્રદાન - આ બધામાંથી એકાદ વિગત પણ જો યાદ હોત તો આવું નિવેદન ન આવત. પરંતુ વર્તમાન રાજકારણ એ હવે રાજનીતિ નથી રહી, માત્ર ‘કારણ’ છે, ‘નીતિ’ નથી! આ તો ક્રિયા-પ્રતિક્રિયામાંથી જન્મેલી છીછરી માનસિકતા છે. બંગાળમાં અગાઉ કોંગ્રેસ સત્તા પર હતી, વિધાનચંદ્ર રાય જેવા મુખ્યમંત્રી હતા, પણ આ પક્ષ હારી ગયો અને ડાબેરી મોરચો આવ્યો. તે પણ ગયો અને કોંગ્રેસમાંથી અલગ પડેલા તૃણમૂળ કોંગ્રેસના મમતાજીએ સત્તા સંભાળી. કોઈ વિકલ્પ નહોતો એટલે લાંબા સમય સુધી રાજકાજ ચલાવ્યું, પણ સત્તાના અહંકાર માટે આપણા કવિની આ પંક્તિઓ સચોટ બોધપાઠ આપે તેવી છે: ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, તેથી જ શાણા માણસો લેશ પણ ફુલાતા નથી!’
Read Original Article →