વિશ્વ સાઈકલ દિવસ:એ દેશ જ્યાં સાઈકલ ચલાવવાના પૈસા મળે છે!
થોડા સમય પહેલાં દેશના વડાપ્રધાને નાગરિકોને અપીલ કરતા કહેલું કે પર્યાવરણને બચાવવા, ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા કાર કે બાઈકને બદલે મેટ્રો કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. આપણે પણ જાણીએ છીએ કે તેમણે જે કહ્યું તે આજના સમયની જરૂરિયાત છે. અને આ જ વિચારને એક ડગલું આગળ લઈ જઈએ અને તમારે કાર મૂકીને સાઈકલ લઈને ઓફિસ જવાનું થાય અને કંપની સામેથી એના પૈસા આપે તો?
એક મિનિટ માટે કદાચ તમને મજાક લાગે, પણ આ કોઈ કલ્પના નથી. યુરોપના કેટલાક દેશોમાં આ હકીકત છે. અને આ ક્રાંતિની આગેવાની બેલ્જિયમ અને નેધરલેન્ડ્ જેવા વિકસિત અને પર્યાવરણપ્રેમી દેશો કરી રહ્યા છે. અહીં મનોરંજન માટે કોઈ સાઈકલ નથી ચલાવતું, પણ કમાણીનો મોટો સ્ત્રોત છે. આ દેશોની સરકાર અને કોર્પોરેટ કંપનીઓએ સાથે મળીને એક અદભુત સ્કીમ શરૂ કરી છે. જો કોઈ કર્મચારી કાર કે બાઇક વાપરવાનું છોડીને સાઈકલ પર ઓફિસ આવે, તો કંપની તેને કિલોમીટરના હિસાબે ખાસ બાઈસિકલ એલાઉન્સ આપે છે.
બેલ્જિયમમાં આ કમાણી સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી છે. ધારો કે એક કર્મચારી રોજનો 15થી 20 કિલોમીટરનો પ્રવાસ સાઈકલ પર કરે, તો મહિનાના અંતે તેના પગાર ઉપરાંત એક મોટી રકમ માત્ર સાઈકલિંગ બોનસ તરીકે જમા થાય . આનાથી કર્મચારીના પેટ્રોલ-ડીઝલના પૈસા તો બચે જ છે, સાથે તેના સ્વાસ્થ્ય પાછળ થતો મેડિકલ ખર્ચ પણ ઘટી જાય છે. પ્રદૂષણ ઘટે અને જિમમાં જવાની જરૂર ન પડે. આ દેશોમાં સરકાર અને ખાનગી કંપનીઓ સંયુક્ત રીતે કર્મચારીઓને સાઈકલ વાપરવા માટે પ્રોત્સાહિત કરે છે.
નેધરલેન્ડ તો દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં નાગરિકો કરતાં સાઈકલની સંખ્યા વધારે છે. અહીંની વસ્તી લગભગ 1.8 કરોડ છે, પણ સાઈકલની સંખ્યા લગભગ 2.4 કરોડથી પણ વધારે છે. એટલે સમજો ને સરેરાશ દરેક વ્યક્તિ પાસે એકથી વધારે સાઈકલ છે. પાટનગર એમ્સ્ટર્ડમમાં તો 60 ટકાથી પણ વધુ લોકો રોજિંદો પ્રવાસ સાઈકલથી જ કરે છે. ઘણી વાર વડાપ્રધાન કે મંત્રીઓ પણ સંસદ ભવન સાઈકલ પર જતા જોવા મળે છે. અહીં સાઈકલ એ કોઈ સામાન્ય સાધન નહીં, પણ હાઈ-ક્લાસ લાઈફસ્ટાઈલ અને ગ્રીન પ્લેનેટ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે.
પર્યાવરણ બચાવવાની મોટી-મોટી વાતો તો આપણે કરીએ છીએ, પણ સાઈકલ આ દિશામાં સૌથી મોટું અને સસ્તું હથિયાર ગણાય. એક સામાન્ય કાર જેટલી જગ્યા રોકે છે, તેટલી જગ્યામાં આરામથી પાંચથી છ સાઈકલ પાર્ક થઈ શકે છે. જો શહેરોના લોકો ટૂંકા અંતર માટે સાઈકલનો ઉપયોગ કરવા માંડે તો ટ્રાફિકજામની સમસ્યા અને પાર્કિંગના કારણે કપાતાં વૃક્ષો આપોઆપ બચી જાય.
Read Original Article →