આઠમી અજાયબી:બેગુનકોદર : બંગાળના આ રેલવે સ્ટેશને પ્રેતાત્માનો વાસ છે?
માયા ભદૌરિયા પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો ગરમાવો શાંત થયો નથી. ઠેર-ઠેર હજુ પણ હાર-જીતની ગણતરીઓ અને નેતાઓએ આપેલા વિકાસના વાયદાઓની ચર્ચાઓ ચોમેર ગુંજી રહી છે. ત્યાં આ જ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક એવું સ્થળ છે, જ્યાં ગમે તેટલો રાજકીય શોરબકોર હોય, પણ વર્ષો જૂનો એક ડર લોકોમાં જીવી રહ્યો છે. સ્થળ છે બેગુનકોદર રેલવે સ્ટેશન. ચૂંટણી ટાણે પણ અહીં વિકાસની વાતો નહીં પણ વર્ષો જૂના એ ભયની વાતો ચર્ચાતી હતી. ભારતનાં ટોપ-10 હોન્ટેડ સ્ટેશનની યાદીમાં બેગુનકોદરનો પણ સમાવેશ થાય છે. સ્ટેશનનો સુવર્ણકાળ
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના જાલદા બ્લોકમાં બેગુનકોદર ગામ છે. આ વિસ્તાર પહાડો અને જંગલોથી ઘેરાયેલો છે. એક સમયે અહીં ‘બેગુન’ (રીંગણ)ની ખેતી પુષ્કળ થતી હતી. સ્થાનિક બોલીમાં ‘કોદર’ એટલે વસ્તી કે રહેઠાણ. એના આધારે આ જગ્યાનું નામ બેગુનકોદર પડ્યું. બેગુનકોદર સ્ટેશનની સ્થાપના 1960માં થઈ. એના નિર્માણમાં સંતાલની રાણી શ્રીમતી લાચન કુમારીનું મહત્ત્વનું યોગદાન હતું. 1967માં હોન્ટેડ જાહેર થયું
સ્ટેશન શરૂ થયું ત્યારે બધું સામાન્ય હતું, પણ 1967ની એક સાંજે બધું બદલાઈ ગયું. સ્ટેશન માસ્તરે રેલવેના પાટા પર એક સ્ત્રીને સફેદ સાડીમાં નાચતાં જોઈ. એ જ રાત્રે તેમનું અને તેમના પરિવારનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. એક રસપ્રદ વાત એવી પણ છે કે તે સમયે લોકો એવું માનતાં હતાં કે જે કોઈ નવો સ્ટેશન માસ્ટર ત્યાં આવે, તે થોડા જ દિવસોમાં કાં તો નોકરી છોડી દેતો અથવા તેની લાશ ટ્રેક પરથી મળતી. 1967માં આ સ્ટેશન બંધ થયું તે રેલવેના સત્તાવાર દસ્તાવેજોમાં નોંધાયેલું છે, પણ હોન્ટેડ જાહેર લોકોએ કર્યું. રેલવે તેને સત્તાવાર રીતે પેસેન્જરની અછત કે ઓપરેશનલ કારણો જ ગણાવે છે. મમતા બેનર્જીએ ફરીથી શરૂ કરાવ્યું
1967માં સ્ટેશન બંધ કર્યા પછી 42 વર્ષ સુધી તે ખંડેર હાલતમાં જ રહ્યું. 2009માં મમતા બેનર્જી રેલવે મંત્રી બન્યાં અને તેમણે તે ફરીથી શરૂ કરાવ્યું. જોકે, તે હાલ્ટ સ્ટેશન તરીકે ચાલુ રહ્યું. હાલ્ટ સ્ટેશન એટલે એવું નાનું સ્ટેશન જ્યાં માત્ર પેસેન્જર ટ્રેનો ખૂબ જ ઓછા સમય માટે ઊભી રહે છે અને ત્યાં સિગ્નલ કે કાયમી સ્ટેશન માસ્તર જેવી કોઈ સુવિધાઓ હોતી નથી. જોકે હાલ્ટ સ્ટેશન તરીકે ચાલુ કર્યા બાદ પણ તેની સાથે કેટલાક વણલખેલા નિયમોનું પાલન થાય છે, જેને કારણે લોકો સાંજ પછી ત્યાં રોકાતા નથી. હજુ આજે પણ અહીં કોઈ રેલવે ક્વાર્ટર નથી. કર્મચારીઓ પણ દૂરના ગામથી આવે છે અને સૂર્યાસ્ત પહેલાં ટિકિટ બારી બંધ કરીને અહીંથી જતા રહે છે. હાલ પણ એ અદૃશ્ય શક્તિનો ભય લોકોમાં અકબંધ છે. પેરાનોર્મલ તપાસમાં શું થયું?
એક જાણીતી ન્યૂઝચેનલની ટીમે અહીં આખી રાત વિતાવી ત્યારે તેમને પણ કેટલાક ચોંકાવનારા અનુભવો થયો. એ રાત્રે ટીમના સભ્યોને રાત્રે સ્ત્રીઓનો વાત કરવાનો અવાજ સંભળાયો હતો. નવાઈ તો એ પણ બની કે પેરાનોર્મલ એક્સપર્ટે કેમેરામાં એક સફેદ આકૃતિ દેખાઈ હોવાનો દાવો કર્યો. એમ તો સ્થાનિક યુટ્યુબર્સનું પણ એવું કહેવું છે કે તેઓ લોકો ત્યાં શૂટિંગ કરે છે, ત્યારે અચાનક કેમેરાના સેન્સર એવા પોઈન્ટ પર ફોકસ કરે છે જ્યાં કોઈ હોતું જ નથી. આ ઘટના સાબિત કરે છે કે કેવી રીતે લોકોના ડરનો ફાયદો ઉઠાવીને ગુનાખોરી કરવામાં આવે છે. ડાર્ક ટુરિઝમનું નવું હોટસ્પોટ
બેગુનકોદર સ્ટેશન હવે માત્ર ડરનું પ્રતીક નથી રહ્યું, પણ ડાર્ક ટુરિઝમ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ભારતભરમાંથી પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર્સ, ઘોસ્ટ હન્ટર્સ અને સાહસિક યુવાનો અહીં આધુનિક સાધનો જેવાં કે EMF મીટર, નાઇટ વિઝન કેમેરા સાથે રાત્રિ રોકાણના પ્લાન બનાવે છે. સોશિયલ મીડિયાના યુગમાં યુટ્યુબર્સ માટે આ સ્થળ કન્ટેન્ટનું હોટસ્પોટ બની ગયું છે, જ્યાં તેઓ રહસ્યમયી અવાજો અને પડછાયાઓને કેદ કરવાનો દાવો કરે છે.
રસપ્રદ વાત એ છે કે, જે ડરને કારણે લોકો આ સ્ટેશનથી દૂર ભાગતા હતા, તે જ ડર હવે સ્થાનિક અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. આસપાસનાં ગામડાંમાં હોમ-સ્ટે અને ગાઈડ્સની માંગ વધી છે. જેઓ પ્રવાસીઓને સ્ટેશનની જૂની વાર્તાઓ મસાલેદાર રીતે સંભળાવે છે. આમ, બેગુનકોદર અંધશ્રદ્ધા, વિજ્ઞાન અને પ્રવાસન વચ્ચે એક એવી કડી બની ગયું છે જેને ઉકેલવાની ઉત્સુકતા દરેક પ્રવાસીમાં જોવા મળે છે.
Read Original Article →