આંતરમનના આટાપાટા:બિથોવન: સ્પંદનોમાંથી સર્જાયેલું અમર સંગીત

Magazine6/9/2026, 8:59:28 PM
આંતરમનના આટાપાટા:બિથોવન: સ્પંદનોમાંથી સર્જાયેલું અમર સંગીત
ડૉ. જય નારાયણ વ્યાસ લુડવિગ વાન બિથોવને વિશ્વવિખ્યાત સિમ્ફનીના રચયિતા તરીકે પોતાનું નામ વિશ્વના સંગીત ચાહકોના હૃદયમાં સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. જોકે, તેના પર તકદીરનો ક્રૂર પંજો ભીંસાઈ રહ્યો હતો. ધીરે-ધીરે બિથોવનની શ્રવણશક્તિ જવાબ દઈ રહી હતી. તે સંપૂર્ણપણે બહેરો થઈ જાય અને કશું જ સાંભળી ન શકે, તે આડે હવે બહુ લાંબો સમય નહોતો. આ રોગની શરૂઆત થઈ ત્યારે તેના કાનમાં સતત ઘંટડીઓ વાગતી હોય તેવો અવાજ સંભળાવા લાગ્યો. વર્ષો વીતતાં ગયાં તેમ બહારનો અવાજ સંભળાવવાનું ઓછું થતું ગયું. એક તરફ આગળ વધતો રોગ અને બીજી તરફ તેની કારકિર્દી મધ્યાહ્ન તરફ જઈ રહી હતી. તેને બીજા લોકો સાથે વાત કરવા માટે ‘કન્વર્સેશન નોટબુક’નો ઉપયોગ કરવો પડતો હતો, જેમાં લોકો સવાલો લખતા અને તે વાંચીને જવાબ આપતો. માત્ર 32 વર્ષની ઉંમરે તે સાવ ભાંગી પડ્યો. તેણે મનોમન નક્કી કર્યું કે પોતાની અંદર સંગ્રહાયેલું ઉત્કૃષ્ટ જ્ઞાન જ્યાં સુધી તે દુનિયાને આપી ન દે, ત્યાં સુધી તે મૃત્યુને નહીં ભેટે. આ નિશ્ચય સાથે તેણે ફરી કામ કરવાનું શરૂ કર્યું. જેમ-જેમ તેની શ્રવણશક્તિ ઓછી થતી ગઈ, તેમ-જેમ તેનું સંગીત વધુ જોશીલું અને ઊંડું બનતું ગયું. હવે તે પોતાનું સંગીત કાનથી નહીં, પણ મગજથી સાંભળતો હતો. પિયાનોનાં સ્પંદનો દ્વારા તે સૂરને અનુભવી શકતો હતો. બહેરાશને કારણે સર્જાયેલી સંપૂર્ણ શાંતિના વાતાવરણમાં તે પોતાની શ્રેષ્ઠ ધૂન તૈયાર કરતો. બરાબર આ જ સમયે એક અશક્ય લાગતી ઘટના ઘટી રહી હતી. તે પોતાની ‘નવમી સિમ્ફની’ની તરજ બનાવી રહ્યો હતો. તેણે આ સિમ્ફની લખવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં તો તે સંપૂર્ણપણે બહેરો થઈ ચૂક્યો હતો. આમ છતાં, તેણે અત્યંત શક્તિશાળી અને ઐતિહાસિક સિમ્ફની રચી, જેના અંતિમ શબ્દો હતા ‘Ode to Joy.’ આ એક એવી કૃતિ હતી જે માનવ આશા, એકતા અને વિજયનું પ્રતીક બની. વર્ષ 1824માં વિયેના ખાતે તેનો પ્રીમિયર શો યોજાયો. બિથોવન સ્ટેજ પર હાજર હતો અને પોતાની યાદશક્તિ તથા આંતરિક સૂઝથી આ ભવ્ય સિમ્ફનીનું સંચાલન કરી રહ્યો હતો. ઓર્કેસ્ટ્રા કે ગાયકો શું વગાડી કે ગાઈ રહ્યા હતા તે તેને સંભળાતું નહોતું, છતાં તેના મનમાં દરેક સૂર સ્પષ્ટ હતો. જેવી પ્રસ્તુતિ પૂરી થઈ કે તરત જ આખું ઓડિટોરિયમ જાણે જીવંત બનીને સમુદ્રની જેમ ઘૂઘવી ઊઠ્યું! ઓડિટોરિયમમાં હાજર દરેક વ્યક્તિ બિથોવનને ‘સ્ટેન્ડિંગ ઓવેશન’ આપી વધાવી રહી હતી, પણ બિથોવન તો પ્રેક્ષકો તરફ પીઠ ફેરવીને શાંત ઊભો હતો. તેને તાળીઓનો ગડગડાટ સંભળાતો નહોતો. જ્યારે એક ગાયિકાએ તેને પકડીને પ્રેક્ષકો તરફ ફેરવ્યો, ત્યારે તેણે જોયું કે લોકો હર્ષનાં આંસુ સાથે તેને અભિનંદન આપી રહ્યા હતા. દુનિયાને પોતાની સર્વોત્તમ ભેટ ‘ધ નાઇન્થ સિમ્ફની’ આપનાર આ મહાન કલાકાર માટે કરુણતા એ હતી કે તે પોતાની જ આ ઐતિહાસિક સફળતાનો અવાજ સાંભળી શકતો નહોતો. તેના કાનના ‘એન્ટેના’ ભલે બ્લોક થઈ ગયા હતા, પણ તેણે જગતને જે અદભુત રચના આપી તે તેના નામને ‘યાવચ્ચંદ્ર દિવાકરૌ’ (જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી) અમર કરી ગઈ. કુદરતનો સૌથી મોટો અભિશપ્ત વિરોધાભાસ એ હતો કે જેણે દુનિયાને સૌથી મધુર સંગીત આપ્યું, તેના નસીબમાં એ સંગીતની ગુંજ સાંભળવાનું સુખ લખાયું નહોતું. ઘણાંને પ્રશ્ન થાય કે જે સાંભળી ન શકે તે સંગીત કેવી રીતે લખી શકે? બિથોવન બાળપણથી સંગીત સાથે જોડાયેલો હતો, તેથી તેના મગજમાં દરેક સૂર અને વાદ્યનો અવાજ સ્પષ્ટ હતો. તે કાગળ પર જે લખતો તે તેને તેના મનમાં સંભળાતું હતું. એવું કહેવાય છે કે તે પિયાનોના પાયા કાપી નાખતો અને પિયાનોને જમીન પર રાખતો, જેથી જ્યારે તે વગાડે ત્યારે જમીન પર થતી ધ્રુજારી દ્વારા સૂર અનુભવી શકે. ક્યારેક તે મોંમાં એક લાકડી રાખીને તેનો બીજો છેડો પિયાનો પર અડાડતો, જેથી અવાજના તરંગો તેના દાંત અને હાડકાં દ્વારા અનુભવી શકાય. બિથોવને એકવાર કહ્યું હતું: ‘સંગીત એવું હોવું જોઈએ કે પુરુષના હૃદયમાંથી અગ્નિ પ્રગટી ઊઠે અને સ્ત્રીની આંખોમાં આંસુ આવી જાય.’ બિથોવનનું જીવન એ માત્ર એક સંગીતકારની સફર નથી, પરંતુ શારીરિક મર્યાદાઓ અને નસીબની ક્રૂરતા સામે માનવીય ઇચ્છાશક્તિના પ્રચંડ વિજયની અમર ગાથા છે. કુદરતે ભલે તેના કાન બંધ કરી દીધા, પણ તેના આંતરિક આત્માના સૂર અને પિયાનોનાં સ્પંદનોને તે રોકી શકી નહીં. જ્યારે કળા ઝનૂન બની જાય, ત્યારે બહેરાશની ગાઢ શાંતિ પણ વિશ્વની સૌથી શક્તિશાળી ધૂનમાં પરિવર્તિત થઈ શકે છે. બિથોવને સાબિત કર્યું કે સાચું સંગીત કાનની ક્ષમતાથી ઘણું પરે, સીધું હૃદય અને મગજની ઊંડાઈમાંથી જન્મે છે.
Read Original Article →