રેઈનબો:મધમાખીની મધુર યાત્રા: કુછ મીઠા હો જાયે
રક્ષા શુક્લ એ ક ઝાડ નીચે માનવીઓએ મધપૂડો જોયો અને મધમાખીઓને ઉડાડી બધું મધ લઈ લીધું, પણ મધપૂડો તોડ્યાની બીજી જ ક્ષણે મધમાખીઓ પાછી તેમના કામમાં લાગી ગઈ. આ જોઈ બીજી ડાળ પર રહેતી ચકલીને ખૂબ દુઃખ થયું અને એક મધમાખીને પૂછ્યું કે ‘તમે ખૂબ મહેનત કરીને મધ બનાવો છો અને માણસ તમારું મધ ચોરી કરી જાય છે! દુઃખ નથી થતું?’
મધમાખીએ કહ્યું કે ‘માણસ મધ ચોરી કરી શકે છે પણ મધ બનાવવાની કલાનો કસબ તો ચોરી શકતા નથી ને?’
કોઈ તમારો સામાન કે વસ્તુ ચોરી શકે છે, પણ તમારું કૌશલ્ય કે હુન્નર ચોરી શકતું નથી. માટે સમય ગુમાવ્યા વગર તમારા એ હાથવગા હુન્નર પર સમય આપો.
અમેરિકન પ્રોફેશનલ બેઝબોલ પ્લેયર જ્યોર્જ હર્મન રૂથ કહે છે કે ‘It’s hard to beat a person who never gives up.’ જગતની કડવાશ જીરવી બીજાને મીઠા કરે તે મધમાખી. ‘મધુવન’ શબ્દનો અર્થ વૃંદાવન થાય છે, જે શ્રીકૃષ્ણના સમયથી જાણીતા મથુરાના મુલકનું યમુનાના કિનારા ઉપરનું એક વન છે. પૌરાણિક સમયમાં મધમાખીઓનો ઉપયોગ સરહદ સુરક્ષામાં પણ કરવામાં આવ્યો છે.
હિંદુ ધર્મમાં પવિત્ર ગણાતી મધમાખીઓને પૌરાણિક કથાઓમાં જાદુઈ, દૈવી અને શુકનિયાળ જીવો તરીકે દર્શાવવામાં આવી છે. મધને દૈવી ભેટ રૂપે અને મધમાખીઓને ‘ઉદ્ધવ ગીતા’માં પ્રકૃતિના ગુરુ તરીકે પણ જોવામાં આવે છે, જે ફૂલોનાં મધુર અમૃત તરફ તેને દોરે છે. પ્રેમ અને વસંત ઋતુના પ્રતીક તરીકે, કામદેવનું ધનુષ્ય મધમાખીઓનું બનેલું માનવામાં આવે છે. વસંતઋતુમાં મધમાખીઓના ગુંજારવને પ્રેમ અને સંવનનની ઝંખના ઉશ્કેરતો શૃંગારિક અવાજ માનવામાં આવે છે.
દેવી ભાગવત પુરાણમાં ‘ભ્રમરી’ નામની શક્તિદેવીને મધમાખીઓની દેવી તરીકે વર્ણવવામાં આવી છે. ઋગ્વેદના ઋષિઓ પણ પોતાની જાતને મધમાખીઓ સાથે સરખાવે છે. જેમ મધમાખીઓ વિવિધ ફૂલોમાંથી રસ એકત્રિત કરીને મધ બનાવે છે, તેમ ઋષિઓ વિવિધ જ્ઞાન અને અનુભવોમાંથી મંત્ર-જ્ઞાનનું સંકલન કરે છે.
ગ્રીસની પ્રાચીન કળા અથવા પુરાતત્ત્વના સંદર્ભમાં ‘પાંખવાળી મધમાખી દેવી’નો ઉલ્લેખ જોવા મળે છે. મુખ્યત્વે પ્રાચીન ગ્રીસના ઇતિહાસના પાયાના પથ્થરો સમાન માયસેનિયન અથવા ક્રીટન સંસ્કૃતિના ખોદકામ દરમિયાન સોનાની તક્તીઓ પર મધમાખી મળી આવી હતી. પ્રાચીન ગ્રીસમાં મધમાખીને અમરત્વ, શુદ્ધતા અને દેવીનું પ્રતીક માનવામાં આવતું હતું.
મધને દેવતાઓનો ખોરાક માનવામાં આવતો. પાંખોવાળી સ્ત્રી આકૃતિ, જેને ‘મધમાખી દેવી’ તરીકે ઓળખવામાં આવતી તે પ્રકૃતિ અને ફળદ્રુપતાની દેવીનું સ્વરૂપ મનાતું. મધમાખીના પરોપકારી જીવનમાંથી મળતો બોધ મકરંદ દવેની એક લઘુકથામાં સરસ રીતે સમજાવાયો છે.
એક મધમાખીએ અનેક વાર આંટાફેરા કરી, કેટલીયે વાર સામા પવને પાંખો વીંઝી, મધ માટે દૂર-દૂરના વગડાનાં વિવિધ ફૂલો સુધી ઘૂમી વળી. મધનું ટીપું-ટીપું લઈ સાથીઓ સાથે મધપૂડો ભરવા લાગી. ત્યાં એક મધ પાડનારો આવી પહોંચ્યો અને ધુમાડો કર્યો. મધમાખીઓ ગૂંગળાઈ ઊઠી. મધપૂડો છોડી તેમને નાસી જવું પડ્યું.
મધમાખી ઉદાસ બની એક ભાંગીતૂટી બારી પર બેઠી. તેણે અંદર નજર કરી તો એક મા પોતાના માંદા બાળકને ટીપે-ટીપે મધ ચટાડતી હતી. બાળકના માંદલા, ફિક્કા મોં પર ફૂલ જેવું સ્મિત ફરકતું હતું. મધમાખીના ઉદાસ ચહેરા પર આનંદની લહેરખી ફરકી ગઈ. તે ઊઠી, તે ઊડી અને પાંખોનો ઝણકાર કરતી મધ એકઠું કરવા ફૂલે-ફૂલે ફરવા લાગી.
જ્યારે માણસ દુઃખમાં હોય ત્યારે તેને પ્રકૃતિનાં સુંદર તત્ત્વો પણ ત્રાસદાયક લાગે છે. અજ્ઞાત કવિ લિખિત ફાગુ કાવ્ય ‘વસંતવિલાસ’માં કવિ મધમાખી કે ચંદ્ર જેવા પ્રકૃતિનાં તત્ત્વોને સંબોધીને પોતાના હૃદયની વ્યથા અને વિરહ વ્યક્ત કરે છે. ઊંડી વિરહવેદના અનુભવતા કવિ પ્રકૃતિ સાથે સંવાદ કરતા કહે છે કે ‘તું ચાલી જા, મધમાખી! કૃપા કરીને અમને એકલા છોડી દે. અમારું શરીર એક અંશે સડી ગયું છે અને તું
મારા શરીરને શા માટે ત્રાસ આપે છે, ઓ ચંદ્ર! આપણી બંને પાસે, ચોક્કસપણે, સમાધાન કરવા માટે કોઈ જૂનો
હિસાબ નથી.’
સમૂહજીવનના સેંકડો લાભોનું સૌથી મોટું અને સચોટ ઉદાહરણ મધમાખી છે. સંતાનોને પતંગિયાં જેવાં કોમળ બનાવવાને બદલે મધમાખી જેવાં મજબૂત બનાવજો. મધ એ મહેનતનું પ્રતીક છે અને મહેનત હંમેશાં મીઠી હોય છે. મધનું સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.
બાઈબલમાં જણાવ્યા પ્રમાણે એક સૈનિક યુદ્ધમાંથી થાકીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં મધ ખાતાં જ એના શરીરમાં અજબ સ્ફૂર્તિનો સંચાર થયો. વિશ્વમાં સૌથી મોટા મધ ઉત્પાદક દેશોમાં એક અમેરિકા પણ છે. એકલા ફ્લોરિડામાં વર્ષે લગભગ 1,00,00,000 (એક કરોડ) કિલોથી વધુ મધનો વપરાશ છે.
પૃથ્વી પર નાનામાં નાના જીવનું અતિ મહત્ત્વ છે. એક નાનકડા જીવનો પણ નાશ થતાં આખી પૃથ્વીનું ઈકોલોજીકલ બેલેન્સ ખોરવાઈ જાય છે. તેમના દ્વારા થતું પરાગનયન ખેતી અને ફળો માટે અત્યંત જરૂરી છે. શિયાળા જેવી ઋતુમાં ફૂલો ઓછાં ઊગે ત્યારે મધમાખીઓને તેમણે કરેલો સંગ્રહ ખૂબ ઉપયોગી નીવડે છે.
સંગ્રહની ટેવ એ લોભવૃત્તિ નથી, પરંતુ મુશ્કેલીમાં ‘સંઘરેલી ચપટી ધૂળ પણ કામ લાગે’ એ કહેવતની યાદ અપાવે છે. જોકે વધારે પડતી ઠંડી હોય ત્યારે મધમાખીઓ મૃત્યુ પામતી હોય છે. કર્મઠ મધમાખીની શારીરિક રચના, સંદેશાવ્યવહારની પદ્ધતિ અને મધપૂડાની કાર્યપદ્ધતિ બધું જ અદભુત હોય છે. માતાના હૃદય પછીની મીઠાશ મધપૂડામાં વસે છે. ઇતિ
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે?
Read Original Article →