આઠમી અજાયબી:બલુચિસ્તાનમાં 6150 દિવસથી ચાલતું આંદોલન

Magazine5/6/2026, 12:35:00 AM
આઠમી અજાયબી:બલુચિસ્તાનમાં 6150 દિવસથી ચાલતું આંદોલન
માયા ભદૌરિયા ફિ લ્મી પડદે બલોચ પ્રજાનો સંઘર્ષ ‘ધુરંધર’માં તો આપણે સૌએ જોયો, પણ પડદા પર દેખાતો આ સંઘર્ષ હકીકતમાં કેટલો ભયાનક અને હૃદયદ્રાવક છે તેનો જીવંત પુરાવો બલુચિસ્તાનના ક્વેટાના રસ્તાઓ પર 16 વર્ષથી ચાલી રહેલું આંદોલન છે. આ આંદોલનમાં એક આખી પેઢી યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં આવી ગઈ, પણ તેમની આંખોમાં રહેલી પ્રતીક્ષાનો અંત હજુ પણ આવ્યો નથી. ન્યાયની આશામાં 6150 દિવસ સુધી ફૂટપાથ પર બેસવું પડે ત્યારે તે ન્યાયતંત્ર અને લોકશાહીની નિષ્ફળતા નહીં તો શું છે? ક્વેટા પ્રેસ ક્લબની બહાર ‘વોઈસ ફોર બલોચ મિસિંગ પર્સન્સ’ - VBMP દ્વારા ચલાવાતો વિરોધ કેમ્પ આજે વિશ્વના સૌથી લાંબા અહિંસક આંદોલોમાંનું એક બન્યું છે. આંદોલન કેમ કરવું પડ્યું? આ આંદોલન ‘એન્ફોર્સ્ડ ડિસપરિયન્સ’ એટલે કે બળજબરીપૂર્વક ગુમ કરવા અને રાજ્ય દ્વારા કરવામાં આવતા માનવ અધિકારોના ઉલ્લંઘન વિરુદ્ધ શરૂ કરવું પડ્યું. વર્ષો પહેલાં બલુચિસ્તાનના યુવાનો, પત્રકારો અને વિદ્યાર્થીઓ અચાનક ગાયબ થવા માંડ્યા. એ સમયે તેમના પરિવારોએ ન્યાય મેળવવા અવાજ ઉઠાવ્યો. પણ એ પછી આ લડત એટલી ઉગ્ર બની કે ગુમ થયેલા લોકોના વિકૃત મૃતદેહો નિર્જન સ્થળો પરથી મળવા લાગ્યા, જેને ‘કિલ એન્ડ ડમ્પ’ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. આ કેમ્પમાં સતત વિવિધ સામાજિક કાર્યકર્તાઓ, બુદ્ધિજીવીઓ અને સામાન્ય નાગરિકો જોડાઈ રહ્યા છે, જેઓ ગુમ થયેલા લોકોના પરિવારો સાથે ઊભા છે. ગુમ કરનારા કોણ છે? બલુચિસ્તાનના લોકો અને નેતાઓ માને છે કે પાકિસ્તાની આર્મી અને આઈ.એસ.આઈ. (ISI) જેવી સુરક્ષા એજન્સીઓ કોઈ પણ વોરંટ કે કાયદાકીય પ્રક્રિયા બલોચ લોકોને ઉપાડી જાય છે. ઘણીવાર પત્રકારો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, વકીલો અને સામાજિક કાર્યકર્તાઓને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે. તેમને આતંકવાદ વિરોધી કાયદાના બહાને અટકાયતમાં લઈને અજ્ઞાત સ્થળોએ રાખવામાં આવે છે. તેમની સાથે અમાનવીય વર્તન અને શારીરિક શોષણ કરવામાં આવે છે. ગુમ કરવા પાછળનું કારણ? મુખ્ય કારણ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ અને સૈન્ય દ્વારા રાજ્ય સુરક્ષાના બહાને ચલાવવામાં આવતું દમન છે. ખરેખર તો આ લોકોનો ઉદ્દેશ્ય તો એવો જ છે કે બલુચિસ્તાનની આઝાદી કે પોતાના અધિકારો માટે જે લોકો અવાજ ઉઠાવે. જેમકે, વિદ્યાર્થીઓ, પત્રકારો કે કાર્યકર્તાઓ હોય, એમને ડરાવી, ધમકાવીને એમનો અવાજ દબાવી દેવાનો તેમનો મૂળ હેતુ છે. પાકિસ્તાની સત્તા સામે ઊઠતા રાજકીય અસંતોષને ડામી દેવા અને આ પ્રદેશમાં કેન્દ્રીય વર્ચસ્વ જાળવી રાખવા માટે ‘એન્ફોર્સ્ડ ડિસપરિયન્સ’ અને ‘કિલ એન્ડ ડમ્પ’ જેવી અમાનવીય નીતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય, બલુચિસ્તાન ગેસ અને ખનીજ સંપત્તિથી ભરપૂર છે છતાં ત્યાંના લોકો ગરીબીનો સામનો કરી રહ્યાં છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર જેવી આર્થિક યોજનાઓના વિરોધને કચડી નાખવા અને કુદરતી સંપત્તિ પર નિયંત્રણ મેળવવા માટે પણ લશ્કરી દળો આવાં ન્યાયતંત્ર બહારનાં પગલાં ભરે છે. એમાં પણ ‘કિલ એન્ડ ડમ્પ’ (હત્યા કરી મૃતદેહ ફેંકી દેવો) પોલિસીએ ભયનો માહોલ બનાવ્યો છે. ગુમ થયેલા વ્યક્તિઓના મૃતદેહો નિર્જન વિસ્તારોમાંથી મળી રહ્યા છે. આમ થવાથી રાજ્યની સંસ્થાઓ પ્રત્યે લોકોમાં ગંભીર અવિશ્વાસ ઊભો થયો છે. ‘કિલ એન્ડ ડમ્પ’ પોલિસીનો આતંક આ કોઈ સત્તાવાર સરકારી નીતિ નથી. આ પ્રથા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બલુચિસ્તાનના લોકોમાં ભય પેદા કરવાનો છે. પહેલો તબક્કો (બળજબરીપૂર્વક ઉપાડી જવા): સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈ પણ વ્યક્તિ (મોટેભાગે બલોચ રાષ્ટ્રવાદીઓ, વિદ્યાર્થીઓ કે કાર્યકર્તાઓ) ને કોઈ પણ વોરંટ કે આરોપ વગર અટકાયતમાં લેવામાં આવે છે. બીજો તબક્કો (યાતના અને પૂછપરછ): ગુમ થયેલી વ્યક્તિને અજ્ઞાત સ્થળોએ રાખીને તેના પર અમાનવીય શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવે છે. ત્રીજો તબક્કો (હત્યા): તે વ્યક્તિની કોઈ જરૂર રહેતી નથી અથવા તેને ડરાવવાનો હેતુ પૂરો થઈ જાય છે, ત્યારે ન્યાયિક પ્રક્રિયાને બદલે તેની ગુપ્ત રીતે હત્યા કરી દેવામાં આવે છે. ચોથો તબક્કો (મૃતદેહ ફેંકી દેવો): હત્યા કર્યા બાદ તે વ્યક્તિના ક્ષત-વિક્ષત મૃતદેહને કોઈ નિર્જન વિસ્તાર, પહાડોની ખીણ કે રસ્તાની આસપાસ ફેંકી દેવામાં આવે છે. ઘણીવાર મૃતદેહ પર જુલમનાં નિશાન હોય છે જેથી સમાજમાં ફફડાટ ફેલાય અને અન્ય લોકો અવાજ ઉઠાવતા ડરે. કોણ છે મહરંગ બલોચ? મહરંગ બલોચ આજે બલુચિસ્તાનના અધિકારો માટેનો સૌથી મોટો ચહેરો છે. મહરંગના જીવનમાં વળાંક આવ્યો 2009માં. તેમના પિતાને સુરક્ષા એજન્સીઓ ઉઠાવી ગઈ. તે સમયે માત્ર 16 વર્ષની મહરંગે પિતાની મુક્તિ માટે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. કમનસીબે, 2011માં તેમના પિતાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો. તેમના શરીર ઉપર અસહ્ય જુલમનાં નિશાન હતાં. આ આઘાતજનક ઘટનાએ મહરંગને અતૂટ મનોબળ પૂરું પાડ્યું અને તેમણે અન્યાય સામે લડવાનો નિર્ણય કર્યો. પારિવારિક મુશ્કેલીઓ અને સતત સંઘર્ષ છતાં તેમણે પોતાનું શિક્ષણ અટકાવ્યું નહીં. તેમણે બોલાન મેડિકલ કોલેજ, ક્વેટામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યો અને ડોક્ટરની પદવી મેળવી. તેમના નેતૃત્વમાં થયેલી લોન્ગ માર્ચ અને ઇસ્લામાબાદ સુધીની પદયાત્રાએ પાકિસ્તાન સરકારને હચમચાવી દીધી હતી. આજે મહરંગ બલોચ માત્ર એક નેતા નથી, પરંતુ તે બલુચિસ્તાનની હજારો મહિલાઓ અને યુવાઓ માટે પ્રતિકારનું જીવંત પ્રતીક બની ગયાં છે. અન્ય કેટલીક ઐતિહાસિક લડતો ભોપાલ ગેસ કાંડ (ભારત): 1984ની વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાના પીડિતો 41 વર્ષથી ન્યાય અને વળતર માટે લડી રહ્યા છે. ગ્રાન્ડમધર્સ ઓફ પ્લાઝા ડી મેયો (આર્જેન્ટિના): સૈન્ય શાસનમાં ગુમ થયેલાં સ્વજનોને શોધવા મહિલાઓ 45 વર્ષથી સફેદ રૂમાલ બાંધી વિરોધ કરે છે. કાશ્મીરી પંડિતોનું વિસ્થાપન (ભારત): 1990માં રાતોરાત ઘર છોડવા મજબૂર બનેલા લાખો પંડિતો 36 વર્ષથી માતૃભૂમિ પર પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. શ્રીલંકન સિવિલ વોર મિસિંગ પર્સન્સ: શ્રીલંકામાં લિટ્ટે (LTTE) અને સરકાર વચ્ચેના યુદ્ધ બાદ હજારો તમિલ લોકો ગુમ થયા હતા. તેમના પરિવારો આજે પણ શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતોમાં રોડ પર બેસીને ‘વ્હેર આર ધે?’નાં પોસ્ટરો સાથે પ્રદર્શન કરે છે.
Read Original Article →