ઓફબીટ:બેલેન્સ અને જાત સાથેની વફાદારી

Magazine5/13/2026, 12:35:00 AM
ઓફબીટ:બેલેન્સ અને જાત સાથેની વફાદારી
બે ‘મિસ-મેચ’ લાગતાં યુગલો પોતાની રીતે કેટલાં બેલેન્સિંગ અને પરફેક્ટ હોય છે એના જવાબો તો એ લોકો જ આપી શકે. ‘અર્ધનારેશ્વરનું’ સ્વરૂપ એ આવા બેલેન્સમાંથી જ જન્મ્યું હશે. નૃસિંહ અવતાર આવા બેલેન્સનું જ પ્રગટ સ્વરૂપ છે. જીવનની શાશ્વત રહેલી ક્ષણો જેને આપણે જીવનભર યાદ રાખીએ છીએ એ આવા બેલેન્સનું જ પરિણામ છે. પ્રત્યેક મનુષ્ય એના જીવનમાં બેલેન્સ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરતો જ હોય છે. એમાંથી જે જન્મે છે તે સફળતા છે. એમાંથી જે અનુભવાય છે તે સંતોષ છે. ધરમનો કાંટો એટલે જ જાણીતો છે. આપણે ત્યાં ન્યાયની દેવી આંખો બંધ રાખે છે, પણ એના ત્રાજવામાં ચુકાદાનું બેલેન્સ છે. ‘ત્રાજવું’ માત્ર વસ્તુઓને જ તોલવા માટે વપરાય એવું નથી. એ તો નરી આંખે દેખાતી સ્થૂળ ઘટના છે. ઈશ્વરે સમજણ સાથે પ્રત્યેક મનુષ્યને મનનું ત્રાજવું આપેલું છે જેમાં એ સમજ પ્રમાણે દુનિયાએ-સંબંધોએ લીધેલા શ્વાસ અને ઉચ્છવાસને તોળતો રહે છે. આપણે બે પગે ચાલીએ છીએ એમાં પણ બેલેન્સ છે. સમાંતરે આવેલાં આંખ-કાન-નાક અને જીભનું પણ બેલેન્સ છે. પથારીમાં સૂતી વખતે પડખાં ફરવાનું પણ બેલેન્સ હોય છે. એ નથી જળવાતું ત્યારે પથારીમાંથી નીચે પડી જવાય છે. બેલેન્સ મર્યાદામાં રહેતાં અને વિશેષતાને જીવતાં શીખવાડે છે. સમાજમાં બેલેન્સને ‘વ્યવહારુ’ અથવા તો ‘વ્યવહારિક’ વચ્ચે જોવામાં-ગણવામાં આવે છે. ‘સમય’ સારી અને સાચી વાતનો હંમેશાં રહેવાનો, પરંતુ સૌથી પહેલાં એ વ્યવહારુ વાતને અપનાવવાનો. સ્વબળે આગળ આવનારા પ્રત્યેક માણસને બેલેન્સના અનુભવની ખબર જ હશે. સુખ અને દુઃખનું પણ બેલેન્સ છે. પાપ અને પુણ્યનું પણ બેલેન્સ છે. રાગ અને દ્વેષને પણ બેલેન્સ કરવા પડે છે. હરીન્દ્ર દવેની બે પંક્તિઓ યાદ આવે છે: એક હસે, એક રડે, આંખ બે આપસમાં ચડભડે... આપણી વિસાત એટલી જ કે આપણે આપણી જાતને કાયમ માટે ગંભીરતાથી લઈએ છીએ. આપણું વજૂદ સચવાવું જ જોઈએ એવા પળેપળના સ્પષ્ટ ખ્યાલમાં આપણે રાચીએ છીએ. આપણને ખોટું એટલે જ લાગે છે કારણ કે દુનિયા આપણને પૂછતી નથી અથવા તો જેમાં આપણને પૂછવું જોઈએ એ બાબતમાં પૂછવાનું ભૂલી જાય છે. ચંચૂપાત આપણને બહુ ગમે છે. વલોપાત આપણી હૉબી છે. આપણે આપણા વિશે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવીએ છીએ. સફળ થવું અને સંતોષી હોઈને સફળ થવું એ બંને અલગ બાબત છે. આપણે આપણી જાતને વધારે પડતી સ્વીકારીએ છીએ. જાત સાથેની વફાદારી આજના સમયની સાચી મૈત્રી છે. એ હશે તો બીજા બધા જ સંબંધો આપણા ક્યારામાં માળીની માવજત વગર આપોઆપ ઊગી નીકળવાના. તમે જોજો, સામે ઊભેલા મોટા ભાગના પ્રશ્નો જાત સાથેની વફાદારીના અભાવે ઉપસ્થિત થયા હોય છે. આપણે આપણને પ્રેમ ખૂબ જ કરીએ છીએ, એટલે તો ઠંડીમાં સ્વેટર પહેરીએ છીએ, એટલે તો વરસાદમાં રેઈનકોટ પહેરીએ છીએ, એટલે તો ગરમીમાં સુતરાઉ કપડાં પહેરવાની મજા આવે છે. પરંતુ આપણે જાત સાથે વફાદારી નિભાવી હોત તો આપણને ઠંડીમાં સ્વેટર પહેરવાની સાથે સાથે બીજાની ઠંડી ઉડાડવા માટે તાપણું કરવાનો પણ વિચાર આવ્યો હોત. એકલા જ પલળવાથી બચવાની જગ્યાએ વરસતાં વરસાદમાં છત્રી ઉઘાડીને કોઈ ગમતી વ્યક્તિને છત્રીના ડંડાની બીજી બાજુની જગ્યા આપી શક્યા હોત! ક્યાંક ઉનાળામાં એ.સી. વસાવીને વાતાવરણને ઠંડું કરવાની સાથે સાથે અંત:કરણને ટાઢક આપી શક્યા હોત! જાત સાથેની વફાદારી કરતા જે માણસ ગભરાય છે એને પોતે કેટલો વેરાયેલો પડ્યો છે એનો અંદાજ હોય જ છે. એટલે તો બધે જ સારા સંબંધો હોય એવો માણસ જાહેરમાં બધાની વચ્ચે આવતા ગભરાય છે. આવે છે તો ભોંઠો પડતા એટલો અકળાય છે કે એની શરમથી એ પોતાના સાચા સંબંધોથી પણ ઉબાઈ જાય છે. વાત જેવી છીએ એવા સરળ, હોવા જોઈએ એવા નિખાલસ અને સામેવાળો કારણ વગર પણ પ્રેમ કરી શકે એવા પ્રમાણિક હોવા જોઈએ એની જ છે. જાત સાથેની વફાદારી દરેક બાબતમાં કામ આવવાની છે. કાર્યક્ષેત્ર એ નિમિત્ત છે. એના પાયામાં આપણા અંદરના માણસે સાંભળેલી જાત સાથેની વફાદારી જ હોવાની! ઑન ધ બીટ્સ સૂરજની જેમ સો સો કિરણમાં ઢળ્યાં તમે, મારી હરેક કલ્પનામાં નીકળ્યાં તમે. - શ્યામ સાધુ
Read Original Article →