બ્લેક એન્ડ વ્હાઈટ:બાબાઓનું ભૌતિક સામ્રાજ્ય: આસ્થા કે અંધાપો?

Magazine5/20/2026, 12:35:00 AM
બ્લેક એન્ડ વ્હાઈટ:બાબાઓનું ભૌતિક સામ્રાજ્ય: આસ્થા કે અંધાપો?
થોડા મહિના અગાઉ ચેન્નાઈ પોલીસે એક ‘બાબા’ની ધરપકડ કરી. તે ‘આધ્યાત્મિક ગુરુ’એ અનેક ‘ભક્તો’ પાસેથી પૈસા પડાવી લીધા હતા. અને એવા ભક્તોની ફરિયાદને આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. તેણે નવેમ્બર 2023થી જાન્યુઆરી 2025 વચ્ચે 72 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર રમા સુબ્રમણિયન પાસેથી કુલ 44 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પછી તેમને જ્ઞાન લાધ્યું કે આ ‘બાબો’ બેવકૂફ બનાવી ગયો છે એટલે ‘ગુરુ’ વિરુદ્ધ પોલીસ સમક્ષ ફરિયાદ કરી. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે પોતાને ‘આધ્યાત્મિક ગુરુ’ ગણાવતો શ્રીનિવાસન વિવિધ રાજકીય પક્ષોના મોટા નેતાઓ સાથે તસવીરો પડાવીને પછી એ તસવીરોના આધારે તેમની સાથે ઓળખાણનો દાવો કરીને લોકોને છેતરતો હતો. કેટલાય ફાઇવ સ્ટાર બાવાઓએ અબજો રૂપિયાનું આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું હોય છે, પણ તેઓ લોકોને એવો ઉપદેશ આપતા રહે છે કે ‘પૈસો તો હાથનો મેલ છે’, ‘આ સંસાર અસાર છે.’ ચેન્નાઈના ‘ગુરુ’નો કિસ્સો વાંચીને મને સંત અમિતાભનું ‘આધ્યાત્મ નવનીત’ પુસ્તક યાદ આવી ગયું. ‘આધ્યાત્મ નવનીત’ પુસ્તકમાં સંત અમિતાભે એવી વાતો લખી છે કે જે લગભગ તમામ ધર્મગુરુઓને કે સો-કોલ્ડ બાવાઓ, બાબાઓ, બાપુઓ, સ્વામીઓ, મહારાજો, મૌલવીઓ કે બીજા પાદરીઓ કોઈને પણ ન ગમે. અમિતાભજીએ એ પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે: ‘આત્માની પૂજા જ ભગવાનની પૂજા છે’ (સંત અમિતાભને વાંચો તો લાગે કે તેઓ કદાચ અખાની ભાષાનો ઉપયોગ જ કરી રહ્યા છે). એ પ્રકરણમાં તેમણે લખ્યું છે: ‘જે વ્યક્તિ ખરેખર પૂજ્ય હોય તે પોતાને પૂજ્ય નથી માનતી અને જે માણસ પોતાને પૂજ્ય માનતો હોય તે પૂજ્ય હોતો નથી. પૂજ્ય વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે કોઈ તેની પૂજા કરે અને જે કોઈ પોતાની પૂજા કરે એવી અપેક્ષા રાખે છે તે વ્યક્તિ પૂજય નથી હોતી. પોતાને પૂજ્ય માની બેસવું અને લોકો પોતાની પૂજા કરે એવી અપેક્ષા રાખવી એ પોતાના અહંકારનો વિસ્ફોટ છે.’ અમિતાભજીએ આગળ લખ્યું છે: ‘સચ્ચાઈ એ છે કે આત્મા પૂજ્ય છે અને એના સ્વભાવની અનુભૂતિમાં રહેવું એ આત્માની પૂજા છે. આત્મા સ્વયં ભગવાન છે. એટલે આત્માની પૂજા ભગવાનની પૂજા છે. પૂજાનો ભાવ કોઈ પણ વ્યક્તિને પૂજ્ય નથી બનાવતો. પૂજાનો ભાવ છૂટે (કોઈ પોતાની પૂજા કરે એવી ઇચ્છા છૂટે) ત્યારે તે વ્યક્તિ પૂજય (પ્રવિત્ર) બને છે. પૂજા ન મળી એટલે કે લોકોએ પૂજા ન કરી તો નુકસાન નથી, પણ પૂજ્ય એટલે કે પવિત્ર ન બને તો હાનિ છે. જેની પૂજા થાય છે તે બધા પૂજ્ય છે એવું નથી, જેની પૂજા નથી થતી તે સૌ અપૂજ્ય છે એવું પણ નથી. પૂજા સાથે પૂજ્યતાનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.’ સંત અમિતાભની આ વાત જીવનમાં ઉતારવા જેવી છે. આપણે જીવનમાં તકલીફો આવે એટલે સહારો શોધતા હોઈએ છીએ. અને આવા સહારો આપવાનું કે આપણા સંકટ દૂર કરી દેવાનો ભ્રમ ઊભો કરનારા સો કોલ્ડ ધર્મગુરુઓ પૂજ્ય નથી હોતા. જે ગુરુ ભીતરથી કશુંક પામી ગયો છે તે કદાચ હિમાલય કે ગિરનારની તળેટીમાં અજ્ઞાત અવસ્થામાં જીવન વિતાવી દેશે. એવા ગુરુએ મુખ્ય પ્રધાન કે વડાપ્રધાનની સાથે પોતાના સંબંધો છે એ દર્શાવીને ભક્તોને આંજી નાખવાની કોશિશ કરવી પડતી નથી. કોઈનું નુકસાન કરવાનો વિચાર પણ સાચા આધ્યાત્મિક માણસના મનમાં આવી ન શકે. કોઈ પણ ધર્મનો ફાઈવસ્ટાર ધર્મગુરુ ખરેખર આધ્યાત્મિકતાની ઊંચાઈ સુધી પહોંચ્યો હોય તો તેણે અબજો રૂપિયાના આશ્રમો ઊભા ન કરવા પડે, પોતાનું શક્તિપ્રદર્શન ન કરવું પડે. અને કોઈ પણ પ્રકારનો બળપ્રયોગ કરવાનો તો તેને સપનેય વિચાર સુદ્ધાં ન આવે. આવા પાખંડી ધર્મગુરુઓ ઉપર અખાથી માંડીને અનેક સાચા માણસોએ શાબ્દિક પ્રહારો કર્યા છે. જે માણસ કશુંક અલૌકિક પામી ગયો હોય તેને ભૌતિકવાદ પ્રત્યે કોઈ પણ પ્રકારનું આકર્ષણ ન હોવું જોઈએ કે પોતાના મોટી સંખ્યામાં ભક્તો હોય એવું વળગણ પણ ન હોવું જોઈએ. આવા કેટલાક ધર્મગુરુઓ તો ચાર્ટર્ડ ફ્લાઈટમાં ફરતા હોય છે, તેમની આજુબાજુ કેટલાય ખેપાનીઓ ગોઠવાઈ ગયા હોય છે અને ક્યારેક તો એવું લાગે કે તેમનું તંત્ર અંડરવર્લ્ડની કોઈ ગેંગની જેમ ચાલતું હોય! કોઈ બાવો કે બાબો રેપ કે મર્ડર કેસમાં જેલભેગો થાય ત્યારે તેના ભક્તો ભાંગફોડ મચાવી દે, વાહનો સળગાવે કે બીજા કોઈ ગુનાઓ કરે એવી ઘટનાઓની આપણા દેશમાં નવાઈ નથી. મહામાનવ રજનીશને એક ધર્મગુરુ મળવા ગયા. તેમણે રજનીશને આંજી નાખવા માટે કહ્યું કે હું બહુ શ્રીમંત માણસ હતો, પણ મેં લાખો રૂપિયાને લાત મારી દીધી અને સંન્યાસ લઈ લીધો. એ ધર્મગુરુ રજનીશને કદાચ એવું કહેવા માગતા હતા કે, જુઓ હું તમારાથી મહાન છું. તમે એશોઆરામની જિંદગી જીવી છે, પણ મારી પાસે તો એશોઆરામની જિંદગી હતી એ પડતી મૂકીને મેં સંન્યાસી તરીકે જીવવાનું નક્કી કરી લીધું. એટલે એ ધર્મગુરુએ રજનીશને બે-ત્રણ વાર ભારપૂર્વક કહ્યું કે મેં લાખો રૂપિયાને લાત મારી દીધી. રજનીશ હસી પડ્યા. તેમણે એ ધર્મગુરુને સવાલ કર્યો કે, ‘તમે લાખો રૂપિયાને કયારે લાત મારી?’ પેલા ધર્મગુરુએ અભિમાનથી કહ્યું, ‘એ વાતને પચ્ચીસ વર્ષ તો થઈ ગયાં હશે.’ રજનીશે એ ધર્મગુરુને કહ્યું, ‘તો લાત બરાબર લાગી નથી. નહીં તો પચ્ચીસ વર્ષ સુધી એ લાત યાદ રાખવાની જરૂર નહોતી! જો ખરેખર લાત લાગી ગઈ હોત તો એને યાદ રાખવાની અને કોઈને કહેવાની જરૂર નહોતી. પણ તમારી એ લાત ખરેખર લાગી નહતી. તમારા રૂપિયા જતા રહ્યા પણ લાત વાગી શકી નથી. તમારી પાસે લાખો હશે એ વખતે તમને એ વાતની મજા આવતો હશે કે મારી પાસે લાખો રૂપિયા છે. આટલા બધા પૈસા મારી પાસે છે એટલે હું કંઈક વિશેષ છું. પછી તમે એ રૂપિયાનો ત્યાગ કર્યો ત્યારે તમને એ વાતથી મજા આવી હશે કે હું કંઈક છું કે મેં લાખો રૂપિયા જતા કરી દીધા.’ ‘આ ‘હું કંઈક છું’ એમાં બિલકુલ ફરક પડ્યો નથી. ઊલટું તમારો અહંકાર વધી ગયો છે. લાખો રૂપિયા હોય ત્યારે ઓછો અહંકાર હોય છે, કારણ કે રૂપિયા ક્યારેક છીનવાઈ પણ શકે છે. એટલે એ અહંકાર કાયમી નથી રહેતો પણ લાખો રૂપિયાનો ત્યાગ કરી દીધો એ અહંકાર કાયમી છે. એના કરતાં રૂપિયા હોય એનો અહંકાર સારો!’ જે પોતાને મહાન ગણાવે, પોતાના પાખંડ વિરુદ્ધ કોઈ કશું બોલે એ સાથે સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરવા માટે તલપાપડ બની જાય એવી છીછરી વ્યક્તિઓ કઈ રીતે આધ્યાત્મિક હોઈ શકે?
Read Original Article →