આજ-કાલ:ગાયબ વડાપ્રધાનનું સમુદ્રમાં દફન રહસ્ય!
અમેરિકાના રાષ્ટ્રપતિ નોબેલ પીસ પ્રાઇઝ માટેની બૂમાબૂમ, ટેરિફ-ટેરિફના કોલાહલ અને રોજેરોજ નિતનવા દાવા ઉપરાંત, જેમના પર સૌથી વધુ વાર ગોળીબાર અથવા અનેક હુમલા થયા હોય એવા નેતા તરીકેય યાદ રહેશે. સત્તાધીશ રાષ્ટ્રપ્રમુખો અને સરકારના વડાઓની હત્યાનો લાંબો ઇતિહાસ છે. આપણા ભારતનાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, પાકિસ્તાનના બેનઝિર ભુટ્ટો, બાંગ્લાદેશના શેખ મુજીબર રહેમાન અને અમેરિકાના જ્હોન એફ. કેનેડી તરત યાદ આવે, પણ યાદીમાં અન્ય નામોય છે.
રાષ્ટ્રીય વડાના કમોતના મામલામાં ઓસ્ટ્રેલિયાના હેરોલ્ડ હોલ્ટની તોલે કોઈ ન આવે. જેટલું અણધાર્યું ને આંચકાજનક, એટલું જ ભેદભરમથી ભરપૂર. 17 ડિસેમ્બર 1967ના રોજ ઓસ્ટ્રેલિયાના આ 17મા વડાપ્રધાન વિક્ટોરિયાના પોર્ટસિયા નજીક સમુદ્રમાં મિત્રો સાથે તરવા ગયા હતા. આપણા કોઈ વડાપ્રધાન આવું કરી શકે? બિચારાને રાતદિવસ દેશસેવા કરવામાંથી ઘડીની નવરાશ મળે તો આવું વિચારે ને?
એ દિવસે બપોરે 12:20 કલાકે કેટલાક ખાસ મિત્રો અને બોડીગાર્ડ્સ સાથે હોલ્ટ દરિયામાં ગયા. આગળ-પાછળ કડક સુરક્ષા હોવાની જ, કારણ કે તેઓ આખા દેશના સૌથી શક્તિશાળી નેતા હતા. આમાં કંઈ નવું કે અજુગતું નહોતું. હોલ્ટ પોતે શાનદાર તરવૈયા હતા, પરંતુ એ દિવસે સમુદ્ર કંઈક અલગ જ મિજાજમાં જોશ બતાવતો હતો. મોજાં ખૂબ ઊંચાં અને ખતરનાક રીતે ઊઠી રહ્યાં હતાં. દોસ્તોએ વાર્યા પણ ખરા કે ‘હવે આગળ વધવાનું રહેવા દો’, પરંતુ રોકાઈ જાય એ બીજા! ચેતવણી અવગણીને તેઓ ઊંડાં પાણી તરફ આગળ વધ્યા.
કિનારે ઊભેલા લોકો વડાપ્રધાનને જોઈ રહ્યા હતા કે અચાનક પાણીમાં એક વિશાળ મોજું ઊઠ્યું અને એ મોજું જ્યારે પાછું ફર્યું, ત્યારે વડાપ્રધાન ક્યાંય નહોતા! સમુદ્ર એકદમ ખાલી અને સામાન્યવત્ હતો, જાણે કંઈ બન્યું જ ન હોય! એવા નેતા કે જેની સુરક્ષામાં પરિંદો પણ પાંખ ન મારી શકે, તે અચાનક મોજાંઓની વચ્ચે ગાયબ થઈ ગયા.
જોતજોતામાં આખા દેશમાં હાઈ એલર્ટ જાહેર થઈ ગયું. આકાશ હેલિકોપ્ટરના અવાજથી ગુંજી ઊઠ્યું. નૌકાદળના ગોતાખોરો સમુદ્રમાં ઊતરી ગયા. પોલીસ, સેના અને ગુપ્તચર એજન્સીઓએ સમુદ્રનો ચપ્પેચપ્પો તપાસી લીધો. આવા વ્યાપક સર્ચ ઓપરેશન છતાં હોલ્ટની લાશ, કપડાં કે એક વાળ સુધ્ધાં મળ્યાં નહીં. સમુદ્ર એક જીવતા-જાગતા વડાપ્રધાનને કોઈ પુરાવો છોડ્યા વગર સંપૂર્ણ રીતે ગળી ગયો હતો, કાયમ માટે.
આટલા મોટા નેતાની અણધારી ચિરવિદાય બાદ કોઈ નામોનિશાન ન મળતાં આખી દુનિયા સસ્પેન્સમાં ગરકાવ થઈ ગઈ. એક પછી એક ખૌફનાક થિયરીઓ સામે આવી અને ભેદભરમનો માહોલ રચાવા માંડ્યો. કોઈનું માનવું હતું કે ચીની સબમરીન સમુદ્રની નીચે પહેલેથી લાગ જોઈને બેઠી હતી ને તેણે ચૂપચાપ પાણીની અંદર જ હોલ્ટને કિડનેપ કરી લીધા. દાવો તો એવોય થયો હતો કે અમેરિકન ગુપ્તચર એજન્સી સી.આઈ.એ. જ તેમના ગાયબ થવા પાછળ છે, કારણ કે તેઓ એવું કોઈ અકળ રહસ્ય કે રાજ જાણતા હતા જેને બહાર આવતું રોકવાનું હતું.
આનાથી તદ્દન વિરોધી વાતોય ઊડી હતી; દાખલા તરીકે, હેરોલ્ડ હોલ્ટે પોતે જ પોતાની મોતનું નાટક રચ્યું હતું! વડાપ્રધાનનો કોઈ ભયાનક ખૂંખાર શાર્ક શિકાર કરી ગઈ, ત્યાં સુધીની વાતો પણ વહેતી થઈ હતી. પરંતુ ‘વીજળી’ તરીકે ઓળખાતા કમનસીબ જહાજ ‘વૈતરણા’ની જેમ દરિયાએ હેરોલ્ડ હોલ્ટના ક્યારેય કોઈ સગડ કે અંશ ન જ આપ્યા.
તેમના મૃત્યુમાં સંભવિતપણે અમુક પરિબળો જવાબદાર મનાયાં હતાં. ઘટનાસ્થળવાળો બીચ તોફાની સમુદ્ર, તેજ પવનો અને જોરદાર રિપ ટાઈડ્સ માટે જાણીતો છે. દરિયાકિનારે પાણીના મજબૂત અને સાંકડા પ્રવાહને રિપ ટાઈડ્સ, રિપ કરંટ કે ‘ફાડી ભરતી’ કહેવાય છે. આમાં પ્રવાહ દરિયાની અંદરની તરફ ખૂબ જ ઝડપે ખેંચાઈ જાય છે. તે સામાન્ય રીતે કલાકના 2થી 3 માઈલની ઝડપે વહે છે, પરંતુ તોફાની વાતાવરણમાં તેની ઝડપ વધુ હોય છે. આ સિવાય હોલ્ટની શારીરિક મર્યાદાઓ પણ જીવલેણ બની હોઈ શકે. તેમનો ખભો થોડા સમય અગાઉ જ ઊખડી ગયો હતો, જેથી તોફાની પાણીમાં તરવું અત્યંત જોખમી ગણાય.
જોકે, 2005માં ‘વિક્ટોરિયન સ્ટેટ કોરોનર’ની સત્તાવાર તપાસના નિષ્કર્ષ મુજબ તેઓ ડૂબી ગયા હતા. પછી સરકારે તેમની યાદમાં એક સ્મારક બનાવ્યું. એ સ્મારક હતું- એક સ્વિમિંગ પુલ! જે માણસ પાણીમાં ડૂબીને રહસ્યમય રીતે હંમેશાં માટે ગાયબ થઈ ગયો, એ જ વ્યક્તિના નામ પર દેશે ‘હેરોલ્ડ હોલ્ટ મેમોરિયલ સ્વિમિંગ સેન્ટર’ બનાવ્યું, બોલો!
આ મોત દુનિયાના ઇતિહાસના સૌથી ખૌફનાક અને વણઉકલ્યાં રહસ્યોમાંનું એક છે. એ સમુદ્રમાં મોજાં આજે પણ એ જ રીતે ઊછળે છે, પરંતુ એ દિવસે ખરેખર શું થયું હતું, તે ઊંડાં કાળાં પાણીમાં દાયકાઓ બાદ પણ દફન છે. ઓનલાઇન-ઓફલાઇન
‘ટોની, કોઈ વડાપ્રધાન દરિયામાં ડૂબી જાય અથવા શાર્કનો ભોગ બને એની શક્યતા કેટલી હશે?’
- હેરોલ્ડ હોલ્ટ (પોતાના રહસ્યમય મોત અગાઉ ઉચ્ચારેલા શબ્દો!)
Read Original Article →