ઓફબીટ:આત્માના વતનમાં
હતાશાને માપ અને આકાર હોય છે. ક્યાંક પહોંચી ન શકાયાનો રંજ હોય છે. એવું પણ હોય કે, મંજિલ ખૂબ દૂર હોય, આપણને એમ લાગે કે આપણે આપણા ધ્યેયને સાર્થક નહીં કરી શકીએ. જે વ્યક્તિનો સાથ આપણને મળવાનો હતો એ જ આપણને નિરાશ કરે. આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ આપણને આપણી જ જાતથી સભાન કરે, ત્યારે એટલું જ યાદ રાખવું જોઈએ કે દુનિયામાં બધાં જ આપણને હતાશ કરી શકે છે. વસ્તુઓ અને વ્યક્તિઓ જેનો આપણી સાથે સંબંધ છે એ બધાં જ આપણને હતાશ કરી શકે છે. પરંતુ આપણો ઈશ્વર આપણને ક્યારેય ‘હતાશ’ નથી કરતો. કાલે કદાચ પાણી ખૂટી જાય, સૂરજ ઊગવાનું ભૂલી જાય, વૃક્ષો છાંયડો આપવાનું બંધ કરે છતાં પણ આપણે આનંદ કરતા હોઈશું, કારણ કે ઈશ્વરનું સાંન્નિધ્ય આપણને ક્યારેય ‘હતાશ’ નહીં થવા દે.
આપણે ત્યાં કહેવાયું છે કે ‘લાલચ’ લોભનું મૂળ છે. પૈસાના કારણે ઘણાં ન કરવાનાં કામો આપણે કરતાં હોઇએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો મૂળમાં ‘લાલચ’ હોય છે. પૈસા જ સાચી અને ખોટી વાત કે વસ્તુનું ઉદભવસ્થાન છે. લાલચ આપણને અને આપણે જીવને મુશ્કેલીમાં મૂકીએ છીએ. હોય એના કરતાં વધારે મેળવવાની લાલસામાં આપણે જે છે તે પણ ગુમાવી દેતાં હોઇએ છીએ! લાલચ માયાવી સ્વરૂપ છે. લાલચુ માણસો પોતાની પાસે હોય છતાં પણ ‘નથી’ એની ચિંતામાં જે છે તે ગુમાવી બેસતા હોય છે. ઉદાર માણસ ચિંતા કર્યા વગર જીવે છે. ઈશ્વરને સમર્પિત થઈ જીવે છે. ઉદાર માણસને ખોવાનો ડર કે આપવાનું દુઃખ હોતું નથી. ઉદાર માણસને ખબર છે કે ઈશ્વરને આપવા માટે તેની પાસે ઘણુંબધું છે, જેની શરૂઆત આશીર્વાદથી થતી હોય છે. લાલચુ માણસોના હિસ્સામાં અંતે તો પસ્તાવો જ બચે છે.
દુશ્મન આપણા જીવનમાં ક્યારથી જન્મે છે? જે લોકો આપણા વિચારો સાથે સહમત નથી થતા એમનું વર્તન જીવવાનાં આપણાં આવર્તન કરતાં જુદી રીતભાત ધરાવે છે. ત્યારથી આપણે એમ સમજીએ છીએ, સ્વીકારી લઇએ છીએ કે- ‘આ આપણો દુશ્મન છે.’ અને પછી નિરંતર આપણી પ્રાર્થનાઓ એમને મા’ત કરી દેવાની શક્તિઓ માટે ખર્ચી નાખીએ છીએ. પ્રાર્થના કહે છે ઉગ્ર મન હંમેશાં હાનિ પહોંચાડે છે. સામેવાળાને ધ્યાનમાં રાખીને જીવવું કે દુશ્મન બનાવીને દાઢ દુઃખાડવી એના કરતાં આપણે માણસ છીએ અને સામેની વ્યક્તિનો માણસ તરીકે સ્વીકાર કરીએ એ સાચી પ્રાર્થના.
નિષ્ફળતા તુરંતમાં સફળતા સાથે સંતોષને લઈને આપણા હૃદયમાં ઘર કરી જશે. સમજણ, જીવવા માટે આ બધું પચાવવા માટે ‘દોરીસંચાર’ કરે છે. પ્રાર્થના એમાં વધુ ઘનિષ્ઠ અને વિશિષ્ટ ભૂમિકા ઉત્પન્ન કરે છે. સફળતાનાં પુસ્તકો લખાય છે અને નિષ્ફળતાની જિંદગીઓ જીવાય છે, દરેક વિષય પર સમય-સમય પર સફળતાનાં સમીકરણ આંકવામાં આવે છે અને નિષ્ફળતા ઘેરી વળે છે. ઘણાં બધાં મહાન વ્યક્તિત્વોએ નિષ્ફળતાનો સામનો કરેલો છે માટે જ તેઓ સફળ થયાં છે. નિષ્ફળતાથી હારી કે પરવારી જવાની જરૂર નથી. પરંતુ ઈશ્વરની પ્રાર્થના દ્વારા, ઈશ્વરને કહેણ મોકલાવવાનું છે કે આવી પડેલી નિષ્ફળતાઓમાંથી અમને ઉગારવાનું શરૂ કરો. વ્યક્તિ નિષ્ફળ જઈ શકે છે, વ્યક્તિનો પ્રેમ ક્યારેય નિષ્ફળ જતો નથી. નિષ્ફળતાથી સફળતા મળે ત્યારે જ તેના સાચા સ્વાદનો અહેસાસ થાય છે. આપણે અહંકારથી છકી જતા નથી એનો આનંદ આપણામાં જ ‘આપણું’ ગૌરવ વધારતો હોય છે.
જિંદગીભર તૂટી ગયેલા સંબંધોનો સામનો કરવાનો હોય છે. પરિસ્થિતિ બદલાશે એવી આશામાં જીવવાનું હોય છે. ક્યારેક ભૂતકાળમાં બન્યું હતું એવું ફરીથી બનશે એવો ભય લાગે છે! નિશ્ચય થઈ ગયેલો ‘સંબંધ’ ફરીથી સક્રિય નહીં થાય એની ખાતરી થવા લાગે છે. સંબંધને નિષ્ક્રિય બનાવવા માટે બંને પક્ષે આટલા સક્ષમ કેવી રીતે થઈ જવાયું? ત્રાહિત વ્યક્તિઓને વચ્ચે આવવા દઈને એવી ઘટનાઓ કેમ ઘટવા દીધી જે દર્દ પહોંચાડે? બીજાને દુઃખ પહોંચાડવાની આદત વ્યસન કેવી રીતે બની જાય છે? ઈશ્વર સંબંધોથી લઇને જીવન સુધીનો ખ્યાલ રાખતા હોય છે. કેટલીક વાર બધું રાતોરાત પાર નથી પડતું હોતું. એને સમય આપવો પડે છે. ઈશ્વર સામેની બીજી બાજુ છે, એ આવા સમયે આપણને ચૂપ કરીને એની પ્રીતથી સંબંધોની બાજીને સંભાળી લેતી હોય છે.
ખરાબ વાતો ભૂલી જવામાં સારી વાતોનો સાર છે. સ્વજનો, જેમની ઉપર આપણે વિશ્વાસ રાખ્યો છે એ લોકો જ આપણને દગો આપી રહ્યા હોય એવું લાગે છે. હજુ એ પાકું નથી થયું કે ‘દગો’ જ છે. આ નિરાશા આપણને હતાશ કરે છે. મિત્રો પીઠ પર ખંજર ભોંકે છે ત્યારે દુઃખનો અતિરેક થઈ જાય છે. જાતને સલામત રાખવામાં ગુસ્સાનો સહારો લેવો પડે છે. દર્દ વેઠી શકવાની અશક્તિ આવી જાય છે. આવું બને ત્યારે ધારદાર શબ્દોનો પ્રયોગ ન કરવો, મારામારી ન કરવી, મિત્રો ઉપર માત્ર ‘ઉપકાર’ જ કરવો એવી મન:સ્થિતિએ મને પહોંચાડ. દગો દેનારને પણ પ્રેમથી જવાબ આપવાનું – બોલાવવાનું ઈશ્વર પાસેથી શીખવું જોઈએ. ઑન ધ બીટ્સ
मा नो रीरिषो मा परा दा:
અમારું અનિષ્ટ ન કરશો, અમને પ્રતિકૂળ ન થશો.
Read Original Article →