ઓક્સિજન:ખુશીઓભર્યું ખિસ્સું
‘લો, આ કાગળ ખિસ્સામાં મૂકી દો, અને સાચવી રાખજો.’
શહેરના સૌથી મોટા મોલની બહાર એ બેઠો હતો. ઉંમર મારા જેટલી, પચાસેક. તેની પાસે એક થેલો હતો જેમાં સ્કેચ બુક, પેન્સિલ, પીંછી અને રંગો હતાં. તે ચિત્રકાર હતો. લોકોને ચિત્રો દોરી આપતો, કોઈ પણ જાતના વળતર વગર. પહેરવેશ જોતાં તો લાગ્યું કે તે આર્થિક રીતે સદ્ધર હશે. શોખથી ચિત્રો દોરે છે. મને રસ પડ્યો એટલે જરા નજીક જઈ ઊભો રહ્યો.
એક યુવતી આવી અને ચિત્ર દોરી આપવા કહ્યું. તેણે પૂછ્યું, ‘તને શું જોઈને સૌથી વધુ ખુશી મળે?’ અને આ પ્રશ્ન એ સહુને પૂછતો, કારણ કે તે એ વિષયનું ચિત્ર દોરતો. સહુનાં ખુશીનાં કારણો અલગ અલગ હતાં. સંતાનનો ચહેરો, ફૂલ, નદી, માતા, ભગવાન, કાર્ટૂન, કલાકાર, ક્રિકેટર. લોકો જે કહે તે એ દોરી આપતો. પછી ચિત્રનું કાગળ વાળીને ખિસ્સામાં કે પર્સમાં મુકાવી કહેતો, ‘આને હંમેશાં સાચવીને રાખજો. જ્યારે ‘લો’ ફિલ કરો, પીડા થાય, કઈં ગમે નહીં ત્યારે તમારા ખુશીના આ કારણને જોશો તો ખુશી પાછી આવી જશે. ’
મને એની વાત ગમી ગઈ. હું પણ એની પાસે ચિત્ર દોરાવવા ગયો. એની સામે બેઠો ત્યારે મારું ધ્યાન ગયું કે ડાબા હાથે ચિત્ર દોરતા એ કલાકારનો જમણો હાથ કાંડાથી કપાયેલો હતો. હું સ્તબ્ધ થઈ ગયો.
મારા ચહેરા ઉપરની પીડા જોઈ એ બોલ્યો, ‘આ મોલની સામે જ મારો અકસ્માત થયો હતો. કાંડુ ગુમાવવાથી જીવન હારી ગયાની હતાશા હતી ત્યારે મારી પત્નીએ સમજાવ્યું કે
આ તો કાંડુ ચૂકવીને નવું જીવન મેળવવાની ખુશી છે. બસ, ત્યારથી મેં નક્કી કર્યું કે હું ખુશી વહેંચું.’ હું અહોભાવથી તેને જોઈ રહ્યો.
તેણે પૂછ્યું કે એ શેનું ચિત્ર બનાવે? મારો અહોભાવ બોલ્યો, ‘તમારું.’ કારણ કે, એ અજાણ્યા ચિત્રકાર પાસેથી હું શીખ્યો કે એક વાર નિર્ણય લઈએ કે ‘ખુશ રહેવું છે’ તો કોઈ પરિસ્થિતિ પીડા નહીં આપી શકે.
Read Original Article →