સાયબર સિક્યુરિટી:એપલ વાપરો છો એટલે સલામત, એ ભ્રમ છે
કેવલ ઉમરેટિયા આ ઇફોનને દુનિયાના સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. સામાન્ય માન્યતા એવી છે કે આઇફોનને હેક કરવો કે તેમાં વાઈરસ નાખવો લગભગ અશક્ય છે. જો કે સાયબર ગઠિયાઓ ફોનને નહીં પણ મગજને હેક કરે છે. આજકાલ ભારતમાં આઇફોન યૂઝર્સને નિશાન બનાવતા ‘એપલ આઈડી ફિશિંગ સ્કેમ’નો પર્દાફાશ થયો છે. જેની ગંભીરતા જોતા ગૃહ મંત્રાલય (MHA) અંતર્ગત કામ કરતા ‘ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર- 14C દ્વારા એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. કેવી રીતે કામ કરે છે આ સ્કેમ?
એપલ આઈડી (Apple ID) એ આઇફોનની ચાવી છે. જેની સાથે તમારો ડેટા, ફોટા અને બેંક કાર્ડ્સ જોડાયેલાં હોય છે. ગઠિયાઓ આ જ ચાવી ચોરવાનો પ્રયત્ન કરે છે.
ડરામણો મેસેજ: આ છેતરપિંડીની શરૂઆત તમારા ફોન પર આવતા એક SMS, વોટ્સએપ કે ઇમેલથી થાય છે. આમાં તમને ડરાવવા માટે એવું લખવામાં આવે છે કે ‘સુરક્ષા કારણોસર તમારું એપલ આઈડી લૉક કરી દેવામાં આવ્યું છે’ અથવા ‘તમારા એપલ એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ડિવાઇસમાં લૉગ-ઇન થયું છે, તેને રોકવા માટે તરત જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.’
નકલી વેબસાઇટ: ઉતાવળ અને ડરમાં યૂઝર તે લિંક પર ક્લિક કરી બેસે છે. આ લિંક તમને એક એવી વેબસાઇટ પર લઈ જાય છે, જે બિલકુલ એપલની અસલી સત્તાવાર વેબસાઇટ જેવી જ દેખાય છે. તેમાં એપલનો લોગો અને ડિઝાઇન બધું જ અસલી જેવું જ હોય છે.
માહિતીની ચોરી: આ નકલી પેજ પર તમારી પાસે તમારું એપલ આઈડી (ઇમેલ) અને પાસવર્ડ નાંખવાનું કહેવામાં આવે છે. જેવી તમે તમારી માહિતી ત્યાં દાખલ કરો છો, તે સીધી જ હેકર્સના સર્વર પર પહોંચી જાય છે. પાસવર્ડ ચોરાઈ ગયા પછી શું?
હેકર્સ પાસે તમારો પાસવર્ડ આવતાની સાથે જ તેઓ તમારા આઇક્લાઉડ (iCloud)નો પૂરો કંટ્રોલ લઈ લે છે. ફોનમાં રહેલા તમારા અંગત ફોટા, વીડિયો, કોન્ટેક્ટ્સ અને અગત્યના દસ્તાવેજો તેમના હાથમાં આવી જાય છે, જેનો ઉપયોગ તેઓ તમને બ્લેકમેઈલ કરવા માટે કરી શકે છે.
જો તમારા એપલ એકાઉન્ટ કે એપલ પે (Apple Pay) સાથે તમારું ક્રેડિટ/ડેબિટ કાર્ડ જોડાયેલું હોય, તો તેઓ તમારા ખાતામાંથી મોટી રકમ ઉપાડી શકે છે. ઘણા કિસ્સાઓમાં હેકર્સ ‘ફાઇન્ડ માય’ ફીચરનો ઉપયોગ કરીને દૂર બેઠાં બેઠાં તમારો જ ફોન લૉક કરી દે છે અને તેને ખોલવા માટે પૈસાની માંગણી કરે છે. કેવી રીતે બચવું?
આઈફોનની સિક્યોરિટી ગમે તેટલી મજબૂત હોય, પણ જો તમે જાતે જ તમારા ઘરની ચાવી ચોરના હાથમાં આપી દો તો પછી તાળું શું કામનું? માટે આટલી બાબતો હંમેશાં ધ્યાનમાં રાખો,
એપલ ક્યારેય પણ SMS, ઈમેલ કે વોટ્સએપ દ્વારા લિંક મોકલીને તમારી પાસે તમારો પાસવર્ડ કે OTP નથી માંગતું. આવી કોઈ પણ લિંક આવે તો તેને તરત જ ડિલીટ કરી દો.
ઈમેલ કે મેસેજ મોકલનારનું એડ્રેસ ધ્યાનથી જુઓ. મોટેભાગે આ કોઈ સામાન્ય કે અજીબ નંબર/ઈમેલ પરથી આવે છે, નહીં કે સત્તાવાર ‘@apple.com’ પરથી.
જો તમને એવો મેસેજ આવે કે તમારું આઈડી લૉક થઈ ગયું છે કે કોઈ સમસ્યા છે, તો મેસેજની લિંક પર ક્લિક કરવાને બદલે સીધા તમારા આઇફોનના ‘Settings’માં જાઓ. જો ખરેખર કોઈ સમસ્યા હશે, તો તમને ત્યાં જ સીધું નોટિફિકેશન
દેખાઈ જશે.
તમારા એપલ એકાઉન્ટ માટે 2FA હંમેશાં ઑન રાખો. આનાથી જો હેકરને તમારો પાસવર્ડ મળી પણ જાય, તો પણ તેને લૉગ-ઇન કરવા માટે તમારા ફોન પર આવતા 6 આંકડાના કોડની જરૂર પડશે.
સાયબર ગઠિયાઓ આપણા ડર અને ઉતાવળનો જ ફાયદો ઉઠાવે છે. કોઈ પણ મેસેજ જોઈને ડરશો નહીં. જો દુર્ભાગ્યવશ તમે આવા કોઇ ફિશિંગ સ્કેમનો શિકાર બનો છો, તો તમારો એપલ આઈડી પાસવર્ડ તરત જ બદલી નાંખો અને મોડું કર્યા વગર રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો. યાદ રાખો કે સ્માર્ટફોન ભલે સ્માર્ટ હોય, પણ તેનો ઉપયોગ કરવામાં તમારે તેનાથી પણ વધુ સ્માર્ટ
બનવું પડશે!
Read Original Article →