ઈમિગ્રેશન:વિઝિટર વિઝા પર અમેરિકામાં કેટલું રોકાવા મળી શકે
રમેશ રાવલ સવાલ : મારો પુત્ર અમેરિકામાં H-1B વિઝા ઉપર કામ કરે છે. તેના લગ્ન આ વર્ષે જ નક્કી થયાં છે. તેની ભાવિ પત્નીને સાથે યુ.એસ. લઈ જવા માટે કયા વિઝા માટે પ્રોસેસ કરવા પડે? અને તેની પત્ની ત્યાં જઈને તરત જોબ કરી શકશે?
- જગદીશ પ્રજાપતિ, આણંદ
જવાબ: H-1B વિઝા ધારકના જીવનસાથીને અમેરિકા જવા માટે H-4 (ડિપેન્ડન્ટ) વિઝા મેળવવા પડે છે. જ્યાં સુધી જોબની વાત કરીએ, તો H-4 વિઝા ઉપર ત્યાં પહોંચતાની સાથે જ સીધી નોકરી કરી શકાતી નથી. જો તમારા પુત્રનું ગ્રીનકાર્ડ પ્રોસેસમાં હોય અને તેનું I-140 એપ્રૂવ થઈ ગયું હોય, તો જ તેની પત્ની H-4 EAD (એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ) એટલે કે વર્ક પરમિટ માટે અરજી કરી શકે છે. એપ્રૂવલ આવ્યા પછી જ તે ત્યાં કાયદેસર નોકરી કરી શકશે.
સવાલ : અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ઉપર માસ્ટર્સ પૂરું કર્યા પછી સ્ટેમ કોર્સવાળાને કેટલો સમય રોકાવા મળે છે? અત્યારે માર્કેટમાં જોબ મળવામાં તકલીફ છે, તો જો જોબ ન મળે તો કેટલા દિવસમાં ભારત પાછા આવવું પડે?
- નિસર્ગ મહેતા, અમદાવાદ
જવાબ: STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) ફિલ્ડના વિદ્યાર્થીઓને ભણતર પૂરું કર્યા પછી 1 વર્ષની નિયમિત OPT અને ત્યારબાદ 2 વર્ષનું એક્સટેન્શન એમ કુલ 3 વર્ષ સુધી OPT પર કામ કરવાની તક મળે છે. જો જોબ ન મળે, તો નિયમ મુજબ રેગ્યુલર OPT દરમિયાન વધુમાં વધુ 90 દિવસ અને STEM એક્સટેન્શન દરમિયાન વધારાના 60 દિવસથી વધુ બેરોજગાર રહી શકાતું નથી. જો આ સમયમર્યાદા પૂરી થઈ જાય અને નવું સ્ટેટસ ન મળે, તો ભારત પાછાં આવવું પડે છે.
સવાલ : અમે વિઝિટર વિઝા ઉપર અમેરિકા જઈ રહ્યાં છીએ. ત્યાં એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસર સામાન્ય રીતે કેટલા મહિનાના રોકાણની મંજૂરી આપે છે? શું અમે ત્યાં જઈને રોકાણ લંબાવી શકીએ?- મીનાબેન પટેલ, નવસારી
જવાબ: સામાન્ય રીતે, વિઝિટર વિઝા પર એરપોર્ટ પર ઉતરતી વખતે ઇમિગ્રેશન ઓફિસર મહત્તમ 6 મહિના સુધી રોકાવાની મંજૂરી આપે છે, પણ તે સંપૂર્ણપણે ઓફિસરના નિર્ણય પર જ આધાર રાખે છે. જો કોઈ વ્યાજબી કારણ હોય, તો તમે અમેરિકામાં રહીને કાયદેસર રીતે રોકાણ લંબાવવા માટે ‘એક્સટેન્શન ઓફ સ્ટેટસ’ (Form I-539) ફાઈલ કરી શકો છો. આ અરજી તમારો કરંટ સ્ટે સ્ટેટસ પૂરો થાય તેના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં થઈ જવી જોઈએ.
સવાલ : મેં તાજેતરમાં જ ડ્રોપબોક્સ દ્વારા મારા વિઝિટર વિઝા રિન્યુઅલ માટે અરજી કરી હતી, પણ મને કોન્સ્યુલેટમાંથી ‘221(g)’ની ગ્રીન સ્લિપ આપીને ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ બોલાવ્યો છે. શું મારા વિઝા રિજેક્ટ થઈ ગયા છે? મારે શું કરવું જોઈએ?
- હર્ષિલ શાહ, વડોદરા
જવાબ: ના, 221(g)નો અર્થ વિઝા રિજેક્શન નથી. તેનો અર્થ એ છે કે ઇમિગ્રેશન ઓફિસરને તમારી પ્રોફાઇલ અથવા દસ્તાવેજો ચકાસવા માટે વધારાની માહિતી અથવા તમારી સાથે રૂબરૂ વાતચીત કરવાની જરૂર છે. ડ્રોપબોક્સ સબમિશન પછી ઘણા કિસ્સાઓમાં આવી નોટિસ આવતી હોય છે. ગભરાવાની જરૂર નથી, કાપલીમાં દર્શાવેલા તમામ અસલી દસ્તાવેજો (જેમ કે સ્પોન્સરશિપ લેટર, આર્થિક સધ્ધરતાના પુરાવા વગેરે) સાથે રાખીને નક્કી કરેલી તારીખે કોન્સ્યુલેટ પહોંચી જવું અને ઓફિસરના સવાલોના સાચા જવાબો આપવા.
સવાલ : મારી પુત્રી અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર છે. શું તે ભારત રહેતા મારા 25 વર્ષના પરિણીત પૌત્ર માટે ગ્રીનકાર્ડની પિટિશન ફાઈલ કરી શકે? તેને અમેરિકા આવતા કેટલો સમય લાગશે?- કે. ડી. પટેલ, આણંદ
જવાબ: ના, કાયદા મુજબ ગ્રીનકાર્ડ ધારક વ્યક્તિ પોતાનાં પરિણીત સંતાનો માટે પિટિશન ફાઈલ કરી શકતા નથી. તમારી પુત્રી અત્યારે તેના પરિણીત પુત્ર માટે સ્પોન્સરશિપ મૂકી શકશે નહીં. જો તમારી પુત્રી અમેરિકાની સિટિઝન બને, ત્યાર પછી જ તે તેના પરિણીત પુત્ર અને તેની ફેમિલી માટે F-3 કેટેગરી હેઠળ પિટિશન કરી શકે છે.
સવાલ : હું યુ.એસ.માં H-1B વિઝા પર છું. મારી કંપનીમાં લે-ઓફ (છૂટા કરવા) ચાલી રહ્યા છે. જો કદાચ મારી જોબ જતી રહે, તો મારે તાત્કાલિક ભારત પાછાં આવી જવું પડે? કાયદેસર રીતે ત્યાં રોકાવા માટે મારી પાસે કેટલો સમય હોય?
- અમીષ શાહ, વડોદરા
જવાબ: જો H-1B વિઝા ધારકની નોકરી છૂટી જાય, તો યુ.એસ. ઇમિગ્રેશનના નિયમ મુજબ 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે (અથવા તમારા વિઝા ફોર્મ I-94 ની વેલિડિટી પૂરી થાય એ બેમાંથી જે વહેલું હોય તે). આ 60 દિવસ દરમિયાન તમારે ભારત પાછાં આવવાની જરૂર નથી. આ સમયગાળામાં તમે: 1. નવી નોકરી શોધીને H-1B ટ્રાન્સફર ફાઈલ કરી શકો છો. 2. તમારું સ્ટેટસ બદલીને વિઝિટર વિઝા (B1/B2) અથવા સ્ટુડન્ટ વિઝા (F-1)માં ચેન્જ ઓફ સ્ટેટસની અરજી કરી શકો છો કે જેથી લીગલ સ્ટેટસ જળવાઈ રહે.
સવાલ : અમેરિકાના વિઝિટર વિઝાના ઇન્ટરવ્યૂ વખતે ઓફિસર કઈ બાબતો ખાસ ચેક કરે છે? રિજેક્શનથી બચવા માટે અમારે કઈ મુખ્ય વાતનું ધ્યાન રાખવું જોઈએ?- નરેન્દ્રભાઈ ચોક્સી, અમદાવાદ
જવાબ: વિઝિટર વિઝાના ઇન્ટરવ્યૂમાં ઓફિસર મુખ્યત્વે ઇમિગ્રેશન એક્ટની કલમ 214(b) હેઠળ એ તપાસે છે કે અરજદાર અમેરિકા જઈને ત્યાં જ રોકાઈ તો નહીં જાય ને? વિઝા મેળવવા માટે તમારે મુખ્ય બે બાબતો સાબિત કરવી પડે: 1. મજબૂત હોમ ટાઈઝ (ભારત સાથેના આર્થિક અને પારિવારિક સંબંધો): તમારી પાસે ભારતમાં સ્થાવર મિલકત, સારો બિઝનેસ/નોકરી કે પરિવાર છે, જેથી તમે પાછાં આવશો જ. 2. મુલાકાતનો ચોક્કસ હેતુ અને આર્થિક સક્ષમતા: તમે ત્યાં
માત્ર ફરવા કે સગાને મળવા જાઓ છો અને ત્યાંનો તમામ ખર્ચ જાતે ઉપાડી
શકો છો.
Read Original Article →