આંતરમનના આટાપાટા:વાત મહાન વૈજ્ઞાનિક અને એના પુત્રની

Magazine5/27/2026, 12:35:00 AM
આંતરમનના આટાપાટા:વાત મહાન વૈજ્ઞાનિક અને એના પુત્રની
ડૉ. જય નારાયણ વ્યાસ લ્બર્ટ આઈન્સ્ટાઈન એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમનાં સંશોધનોએ માનવજાતને પ્રકાશ, સમય અને ગુરુત્વાકર્ષણ જેવા જટિલ ક્ષેત્રોની ઊંડી સમજ પૂરી પાડી છે. આ પાયાનાં સંશોધનોને કારણે જ આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી માંડીને અવકાશ વિજ્ઞાન સુધીનાં ક્ષેત્રોને સમજી શક્યાં છીએ અને સદીઓથી અશક્ય લાગતા પ્રશ્નોના ઉકેલ મેળવી શક્યાં છીએ, પણ આ તો સિક્કાની માત્ર એક જ બાજુ થઈ. આ મહાન વૈજ્ઞાનિકને ‘એડ્યુઆર્ડ’ નામનો એક પુત્ર હતો. આખા બ્રહ્માંડની અટપટી ગૂંચ ઉકેલનાર આઈન્સ્ટાઈન, પોતાના જ પુત્ર સાથેનું વૈચારિક અને ભાવનાત્મક અંતર દૂર કરવામાં અસફળ રહ્યા હતા. એડ્યુઆર્ડ અત્યંત સંવેદનશીલ હોવાની સાથે-સાથે પ્રખર બુદ્ધિમત્તા ધરાવતો હતો. આ છોકરાને કવિતાઓ બહુ ગમતી. આ ઉપરાંત, તેને પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર ફ્રેડરિક શોપાનની ધૂન પિયાનો પર વગાડવી ખૂબ ગમતી. (ફ્રેન્ચ કે પૉલિશ ભાષામાં આનો ઉચ્ચાર ‘શૉ-પૅન’ થાય છે). ફ્રેડરિક શોપાન ‘પિયાનોના કવિ’ તરીકે જાણીતા છે અને સામાન્ય પિયાનો વગાડવા કરતાં તેમની ધૂન વગાડવી ખૂબ મુશ્કેલ છે. આ પ્રકારનું સંગીત સામાન્ય રીતે ‘કેન્ડલ લાઈટ’ એટલે કે મીણબત્તીના અજવાળે થતી કોઈ ઉજવણી કે રાત્રિભોજનના સમય સાથે સંકળાયેલું હોય છે. આઈન્સ્ટાઈનનો આ નાનો દીકરો આવા પિયાનો વાદનમાં નિષ્ણાત હતો. તે પોતાના સંવેદનશીલ સ્વભાવને કારણે આ ધૂન ખૂબ જ હૃદયસ્પર્શી રીતે વગાડતો. આઈન્સ્ટાઈન તેને વહાલથી ‘ટેટે’ (Tete) કહીને બોલાવતા. જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે આઈન્સ્ટાઈનના જીવનમાં એક ધરતીકંપ આવ્યો અને તેમનું લગ્નજીવન તૂટીને વિખરાઈ ગયું. આ ઘટના પછી આઈન્સ્ટાઈન વર્તમાન કરતાં ભૂતકાળમાં વધુ જીવવા લાગ્યા. પરિણામે, તેઓ પોતાના વહાલસોયા દીકરાને પિતા તરીકેનું નામ તો આપી શક્યા, પણ પિતા તરીકેની સંવેદનાઓ કે લાગણીઓ આપી ન શક્યા. લગ્નજીવનમાં ભંગાણ પડ્યા પછી પુત્ર સાથેના તેમના સંબંધો સાવ શુષ્ક બની ગયા. એડ્યુઆર્ડ મોટો થયો, પણ પિતા તરફથી લાગણીના પ્રચંડ અભાવ વચ્ચે ઉછરેલો આ યુવાન માનસિક રીતે તૂટી ગયો અને ‘સ્કીઝોફ્રેનિયા’ નામના ગંભીર માનસિક રોગનો શિકાર બન્યો. ‘કોઈ મને સતત જોઈ રહ્યું છે’, ‘હું પોતે ભગવાન છું’, અથવા ‘બધા લોકો મારી વિરુદ્ધ છે’ જેવી અતાર્કિક માન્યતા તેના મનમાં ઘર કરી જાય છે. બીમારી વધતાં એડ્યુઆર્ડને ઝ્યુરિકમાં સારવાર હેઠળ રાખવો પડ્યો. બીજી તરફ, દુનિયાની નજરમાં આઈન્સ્ટાઈન એક અત્યંત સફળ અને વિશ્વવિખ્યાત વ્યક્તિ બની ચૂક્યા હતા. આઈન્સ્ટાઈન અમેરિકાના પ્રિન્સટનમાં રહેતા હતા અને એડ્યુઆર્ડની સારવાર તેમજ અન્ય ખર્ચ માટે નિયમિત પૈસા અને ક્યારેક પત્રો મોકલતા, પરંતુ તેઓ પોતાના પુત્રને રૂબરૂ મળવા ફરી ક્યારેય ન જઈ શક્યા. વર્ષો વીતતાં ગયાં અને આઈન્સ્ટાઈન આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમના અવસાન પછી, જૂના કાગળોની ગોઠવણી દરમિયાન એક પત્ર મળ્યો. આ પત્ર આઈન્સ્ટાઈને પોતાના પુત્રને લખ્યો હતો, પણ તેઓ તેને ક્યારેય પોસ્ટ કરી શક્યા નહોતા. જ્યારે એડ્યુઆર્ડ નાનો હતો અને પિયાનો વગાડતો હતો, તે સમયને યાદ કરીને આઈન્સ્ટાઈને આ પત્રમાં એક હૃદયસ્પર્શી પંક્તિ લખી હતી: ‘હું તારી સાથે વધારે સમય રહી શક્યો હોત, પણ ત્યારે હું મારા વિચારો પાછળ ગાંડો થઈને દોડતો રહ્યો. આ સમય મારે વાસ્તવમાં તને આપવો જોઈતો હતો.’ આઈન્સ્ટાઈનના દિલની આ વેદના પુત્રને સમય ન આપી શક્યાનો પસ્તાવો વ્યક્ત કરતી હતી, પરંતુ આ પત્ર ક્યારેય એડ્યુઆર્ડ સુધી પહોંચી શક્યો નહીં. છતાં, જીવનના અંતિમ તબક્કે પણ એડ્યુઆર્ડ પોતાની પથારીની બાજુમાં પિતાનો ફોટો રાખતો હતો. જ્યારે આઈન્સ્ટાઈનના અવસાનના સમાચાર એડ્યુઆર્ડને આપવામાં આવ્યા, ત્યારે તે લાંબા સમય સુધી એકદમ શાંત થઈને બેસી રહ્યો. ત્યારબાદ તે ધીમેથી ઊભો થયો, ક્લિનિકના કોમન રૂમમાં ગયો અને પિયાનો પાસે જઈને ફરીથી ‘શોપાન’ વગાડવા લાગ્યો. શું આ માત્ર આઈન્સ્ટાઈનની જ વાર્તા છે? જવાબ છે, ના. ઘણીવાર જે શબ્દો આપણે કોઈને કહેવા હોય છે, તે આપણે કહી નથી શકતા. કોઈને ફોન કરવો હોય છે પણ રહી જાય છે. જીવનની મોટામાં મોટી કમનસીબી કે અફસોસ એ નથી હોતો કે આપણે શું કર્યું, પણ ખરો અફસોસ એ વાતનો રહી જાય છે કે જે સમયે જે કહેવું જોઈતું હતું, તે આપણે કહી શક્યા નહીં. જો આ ક્ષણ વીતી ગઈ અને એ માણસ દુનિયામાંથી ચાલ્યો ગયો, તો તમારી એ લાગણી કાયમ માટે અધૂરી રહી જશે. કાશ! આઈન્સ્ટાઈન એડ્યુઆર્ડને પેલો પત્ર સમયસર પોસ્ટ કરી શક્યા હોત!
Read Original Article →