આજકાલ:AI vs માનવીય મૂર્ખતા કોણ જીતશે?
એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પની રોજરોજની હરકતો ને નિવેદનો પજવે છે, તો બીજી તરફ વિજ્ઞાનની પ્રગતિ અચંબિત કરે છે. કેટલીક માનવીય વિદ્વતાથી મગજ બહેર મારી જાય છે, ત્યાં એક અમાનવીય સંપદા આપણા માથે ઢોલ-નગારાં વગાડવા માંડી છે.
હા, આ પેઢી- કદાચ આખરી-ગજબનાક વિરોધાભાસી દ્વંદ્વમાંથી ગુજરી રહી છે. એક તરફ સદીઓ પુરાણા માનવ સ્વભાવમાંથી ઉત્પન્ન થતી પ્રાકૃતિક મૂર્ખતા (Natural Stupidity) છે, અને બીજી તરફ ઝડપથી વિકસતી કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence) છે. તો બેઉ વચ્ચે તાલમેલ મેળવવો કેવી રીતે?
આ બંને એકબીજાથી તદ્દન વિપરીત છે: એક માનવીની મર્યાદા છે, તો બીજી સૌથી મોટી સિદ્ધિ. પણ વિશ્વ માટે ગંભીર પડકારો ઊભા કરવામાં બેઉનાં કામ સમાન છે. આપણે જાણીએ છીએ કે આ પ્રાકૃતિક મૂર્ખતા માનવજાતનો એક મૂળભૂત ભાગ છે. માણસે જન્મથી જ મર્યાદિત સમજશક્તિ, ભાવનાત્મકતા અને પૂર્વગ્રહો સાથે જીવન શરૂ કર્યું છે. ઘણીવાર આપણે તથ્યોની તપાસ કર્યા વગર મંતવ્યો બનાવી લઈએ છીએ, જૂની માન્યતાઓને અંધપણે અનુસરીએ છીએ અથવા ફક્ત ભાવનાના આધારે નિર્ણયો લઈએ છીએ.
આના દાખલા અનેક છે. અફવાઓમાં વિશ્વાસ મૂકવો, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને અવગણવો, અથવા સોશિયલ મીડિયા પર મળતી માહિતીની સચ્ચાઈ ચકાસ્યા વગર સ્વીકારવી અને તેને ફેલાવવી. આ માત્ર વ્યક્તિગત નુકસાન પૂરતું મર્યાદિત રહેતું નથી; તે સમાજમાં ગેરસમજ, વિભાજન અને ક્યારેક હિંસાનું નિમિત્ત પણ બની જાય છે. ‘મેરા ભારત મહાન’ જેવા વિવિધતાસભર દેશમાં અંધશ્રદ્ધા અને પૂર્વગ્રહો હજુ ઘણાં મજબૂત છે. આજેય આરોગ્યલક્ષી તકલીફો માટે ડૉક્ટર પાસે જવાને બદલે બાબા ને તાંત્રિકો પાસે દોડી જનારાં લોકો છે જ.
સોશિયલ મીડિયાનું વળગણ અને એના પર ફેલાતી અફવા કે ખોટી માહિતી માની લેવી- જેમ કે, બાળક ચોરી, મલીન ઇરાદા સાથેનાં ચરિત્ર હનન કે ધાર્મિક ઉશ્કેરણીને ચકાસ્યા વગર આગળ મોકલવી એ શું છે? આ સ્પષ્ટપણે તર્કશક્તિના અભાવ અને ભાવનાત્મક પ્રતિક્રિયાનાં માઠાં પરિણામ છે. મોટાભાગના મતદારો ઉમેદવારોની નીતિ, આયોજન, રોડ મેપ કે કામગીરી જોવાને બદલે જાતિ, ધર્મ કે ધૂર્તતાસભર ભાવનાત્મક ભાષણોના આધારે મત આપે છે. આ સિવાય પર્યાવરણનું મહત્ત્વ સમજવા છતાં એનો ખલાસ વાળી દેવો, આડેધડ પ્રદૂષણ ફેલાવવું કે જળ-વીજળીનો બેફામ બગાડ કરવો એ બધું પ્રાકૃતિક મૂર્ખતા જ ને?
અને હવે. કૃત્રિમ બુદ્ધિ. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવની અદભુત શોધ છે. આનાથી આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને દૈનિક જીવનમાં ઝડપી ને અણધારી સુવિધા શક્ય બનશે. AIમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ ને વિશ્લેષણ શક્ય છે, તે જટિલ સમસ્યાઓનો સત્વરે ઉકેલ આપી શકે. કહો કે માનવજીવનને આરામદાયક અને સરળ બનાવી શકે.
જોકે, આ ટેક્નોલોજીના ભાથામાં અલગ પડકારો અને નવી ચિંતાઓ પણ છે. તે અતિ-નિર્ભરતા ઊભી કરી શકે છે. નાની-મોટી સમસ્યા માટે AIની ગુલામીથી માનવીની વિચારશક્તિ ક્ષીણ થતી જવાની. અત્યારથી જ ‘વિચારવાનું’ બંધ અને ‘સર્ચ’ વધુ થાય છે. આની અસર માનવની સ્વતંત્ર સમજશક્તિ પર પડે છે. કૃત્રિમ બુદ્ધિથી ભ્રામક માહિતી અને પ્રચાર દ્વારા લોકો આસાનીથી ઉલ્લુ બનશે.
સૌથી ડરામણો મુદ્દો નૈતિકતા અને નિયંત્રણનો છે. AI શું કરી શકે અને શું કરવું જોઈએ, તેની વચ્ચેનો તફાવત પ્રાણ-પ્રશ્ન છે. યોગ્ય નિયમન વગર કલ્પના બહારની ભયંકર સમસ્યાઓ સર્જાવાની એ નક્કી છે. આ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. પ્રાકૃતિક મૂર્ખતા માનવની અંદરની નબળાઈ છે, તો કૃત્રિમ બુદ્ધિ એ નબળાઈને વધારવાની સાથે તેને સુધારવા પણ શક્તિમાન છે. આધાર એના પર છે કે કાળા (પ્લસ ધોળા) માથાનો માનવી કરવા-કરાવવા શું માગે છે? અણુ ઊર્જાનો શાંતિમયને બદલે મહાવિનાશક વપરાશ એની મેલી મથરાવટીનું ખોફનાક ઉદાહરણ છે. ઓનલાઇન-ઓફલાઇન
કૃત્રિમ બુદ્ધિમત્તા બનાવવાની સફળતા માનવ ઇતિહાસની સૌથી મોટી ઘટના હશે. દુર્ભાગ્યવશ તે છેલ્લી પણ બની શકે છે, જો આપણે તેની સાથે જોડાયેલાં જોખમોથી બચવાનો માર્ગ શીખી ન લઈએ તો.
- સ્ટીફન હોકિંગ (ખગોળશાસ્ત્રી, વિજ્ઞાની, લેખક)
Read Original Article →