મેનેજમેન્ટની ABCD:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ABCD-2
બી.એન. દસ્તુર સીધી અને સાદી ભાષામાં AI ઉપર ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ.
AI માનવીની જેમ ‘વિચાર’ કરી શકતું નથી. લાગણીઓ ગેરહાજર. આસપાસ જે રંધાતું હોય એનાથી બેખબર.
AI પાસે માહિતી છે. એ માહિતીને પ્રોસેસ કરી સમસ્યાનાં સમાધાનો સૂચવે છે, સવાલોના જવાબ આપે છે, જરૂર પડે ત્યારે ભવિષ્યવાણી કરી શકે છે. એનામાં જેટલો વધારે ડેટા ભરો, તેમ એની કાર્યક્ષમતા વધે.
વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરી AIનાં વિવિધ મૉડલો તૈયાર કરવામાં આવે છે. આવી એક ટેક્નોલોજીનું નામ છે ‘મશીન લર્નિંગ.’
તમારી પાસે જે કમ્પ્યુટર છે એમાં જે કંઈ ભરેલું છે તેના નિયમો હોય છે. એ નિયમોમાં કંઈ આઘુંપાછું થાય તો કમ્પ્યુટર રઘવાયું થઈ જાય, રિસાઈ જાય. AI માટે પણ નિયમો હોય છે, પણ તફાવત એ છે કે AI, એનામાં ભરેલા આ નિયમોમાં ફેરફાર કરીને ઝડપથી શીખી લે છે. બધો આધાર છે AIમાં ભરેલા ડેટા ઉપર. સહેલાઈથી સમજી શકાય એવો દાખલો લઈએ.
ધારી લો કે આપણે એવો પ્રોગ્રામ ડિઝાઇન કરીએ જે પક્ષીઓને આઇડેન્ટિફાય કરી શકે.
આપણે કમ્પ્યુટરને ભાતભાતનાં 10 પક્ષીઓ બતાવી એને એવું શીખવીએ કે જેને બે પગ હોય, પીંછાં હોય, પાંખ હોય અને ચાંચ હોય તે ‘પક્ષી’ કહેવાય.
હવે કમ્પ્યુટરને એવું પક્ષી બતાવીએ જે એણે કદી જોયું ન હોય. કમ્પ્યુટર એને ઓળખી- પગ, પાંખ, પીંછાં, ચાંચ જોઈ નક્કી કરે કે આ પણ એક પક્ષી છે.
આ છે AIનું પ્રાથમિક મૉડલ.
હવે બતાવો એ કમ્પ્યુટરને પેંગ્વિન. તમને ખબર છે કે પેંગ્વિન પક્ષી છે, પણ AI કમ્પ્યુટરને એમાં પાંખ દેખાતી નથી. પેંગ્વિનની પાંખ દેખાય છે હાથ જેવી. કમ્પ્યુટર કહેશે ‘આ પક્ષી નથી.’
હવે આપણે પ્રોગ્રામમાં ફેરફાર કરી કમ્પ્યુટરને શીખવી દઈએ કે પેંગ્વિન પણ પક્ષી છે.
કમ્પ્યુટર શીખી જશે કે જે પાંખ જેવું દેખાતું નથી તે પણ પાંખ હોઈ શકે છે.
આપણે આવી ભૂલો સુધારતા રહીએ અને કમ્પ્યુટર વધારે સ્માર્ટ બનતું જાય. વિજ્ઞાનની ભાષામાં એ એના ‘ઇન્ટર્નલ પેરામીટર એડજસ્ટ’ કરે છે, કરતું રહે છે.
એક પ્રોગ્રામમાં કમ્પ્યુટરને કૂતરા અને વરુ વચ્ચેનો તફાવત શીખવવામાં આવ્યો. કમ્પ્યુટર કૂતરા અને વરુ વચ્ચેનો તફાવત સમજી ગયું, પણ એક ભૂલ વારંવાર કરતું રહ્યું- કૂતરાને વરુ બતાવતું રહ્યું.
કારણ તરત સમજાયું નહીં. પણ 15 દિવસની મહેનત બાદ ખબર પડી કે વરુના બૅકગ્રાઉન્ડમાં બરફ દેખાતો રહેતો.
કૂતરો બરફમાં ઊભો હોય તો કમ્પ્યુટર એને વરુનું લેબલ મારી દેતું.
એક કંપનીએ AI કમ્પ્યુટરને નોકરીના ઉમેદવારોનો રિઝ્યુમે-સી.વી.-બાયોડેટા વાંચતાં શીખવી દીધું અને કમ્પ્યુટરે યોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે શોર્ટ-લીસ્ટ કર્યા, પણ આ ઉમેદવારોમાં એક પણ સ્ત્રી ઉમેદવાર નહોતી.
કારણ?
કારણ કે ચંદ વર્ષો પહેલાં આ કંપની સ્ત્રી ઉમેદવારોને નાપસંદ કરતી. આવા ઇતિહાસને કમ્પ્યુટરે પકડી લીધો.
ફરી મળીએ ત્યારે ચર્ચા આગળ વધારીશું. થોરામાં ઘનું સમજી લેશો તો ઘનામાં ઘનું સમજાશે. (ક્રમશઃ)
Read Original Article →