બુધવારની બપોરે:અમદાવાદનાં થિએટરો-3

Magazine4/8/2026, 12:50:00 AM
બુધવારની બપોરે:અમદાવાદનાં થિએટરો-3
છેલ્લી બે ‘બુધવારની બપોરે’થી આપણે અમદાવાદના (હવે નહિ રહેલા) સિનેમાઓનાં આઇડેન્ટિટી-કાર્ડ્સ તપાસ્યાં હતાં. આજે છેલ્લો હપ્તો! ટીવી તો દૂર રહ્યું, નગરવાસીઓ પાસે મનોરંજનનું અન્ય કોઇ સ્થળ જ નહોતું, એટલે આનંદ-વિનોદનાં આ જ સ્થળો હતાં. સારા કહી શકાય એવા તો પૂરા શહેરમાં માંડ કોઇ આઠ-દસ સિનેમા હતા, પણ ગરીબનાં ઘર જેવાં આ થિએટરો માટે અમને કોઇ ફરિયાદ નહોતી. બાકી તો પૂરા ગુજરાતમાં આટલા ય ક્યાં હતાં? રોઝી ટૉકીઝ : અમારા જમાનામાં મોટાભાગના જુવાનીયાઓને તો એ ય ખ્યાલ પણ નહોતો શહેરમાં ક્યાંક રોઝી થિએટર પણ છે! રેલ્વે સ્ટેશનથી થોડું નજીક અને સારંગપુર કેરીપીઠાની સામે રોઝી હતી. ફિલ્મ ‘ગાઈડ’વાળી ‘રોઝી’ અને આ ‘રોઝી’માં તફાવત સુંદરતાનો જ હતો. સિનેમા તો અત્યંત પિટ-ક્લાસનું અને ફાટેલા લેંઘા અને ક્યારેક તો ઉઘાડા શરીરે પ્રેક્ષકો આપણી અગલબગલમાં બેઠા હોય! એલ.એન.ટૉકીઝ: થિએટર ભંગારમાં ગયે દસકાઓ થઇ ગયા, તો ય આજ સુધી આ ‘એલ’ અને ‘એન’ એટલે શું કોઇને ખબર નથી. ઘીકાંટાના મેઇન રોડથી ટિકિટબારી સુધી પહોંચવા થોડું ચાલવું પડતું અને ફિલ્મ ધમધમાટ હોય તો એટલું અંતરે ય જીવ મૂકીને દોડીને પૂરું કરવું પડતું. સમજ એ નહોતી પડતી કે, આ સિવાયના સિનેમાઓમાં ફિલ્મ ગમે તે આવે, ટિકિટમાં વપરાતા કાગળથી વધુ પતલો અને ફાલતુ કાગળ ટિકિટ ખિસ્સામાં મૂકતા ય ફાટી જાય એવો માંદલો! લક્ષ્મી ટૉકીઝ : આ તો કોઇ મંદિરમાં દેવ દર્શને આવ્યા હોઇએ એવા પહોળા દરવાજા ને કમ્પાઉન્ડ પણ મોટાં. વચ્ચેનો રસ્તો કાઢી નાંખો તો બિલકુલ અડીને પોલીસ-ચોકી એટલે કાલા બજારીયાઓ કોઇ ટેન્શન વગર અમારી પાસેથી વધારાનો પ્રસાદ લઇને ટિકિટો લાવી આપતા. એ વાત જુદી છે કે, અહીં બ્લેકમાં ટિકિટો લેવી પડે, એવી કોઇ ધાંસુ ફિલ્મો ય આવતી નહોતી. આ બન્ને સિનેમાઓની જીવાદોરી આજુબાજુનાં 3-4 થિએટરો હતી કે, ત્યાં ટિકિટ ન મળે તો અહીં ભરાતું જાય! ઓલમોસ્ટ ભિક્ષુક કંઠે ‘એક્સ્ટ્રા છે?’ એવી કવ્વાલીઓ આ થિએટરોમાં ન ગવાતી. પ્રકાશ ટૉકીઝ : રેલ્વે સ્ટેશનના સાયકલ-સ્ટેન્ડ કરતાં ય પ્રકાશનું સાયકલ-સ્ટેન્ડ વિરાટ હતું. આમાં કોઇ વ્યવસ્થા ન હોય. ભીંતે મુકાયેલી પહેલી સાયકલ ઉપર 175-મી કે 354-મી સાયકલ ઘસઘસાટ ઘોરતી હોય. એક વખત મૂકાઇ ગઇ એ મૂકાઇ ગઇ. અધવચ્ચે કાઢવી હોય તો શો પૂરો થાય ત્યાં સુધી બેસવું પડે! નવસર્જન થયા પછી આ સિનેમાએ શહેરવાસીઓને આનંદથી ચોંકાવી દીધા હતા. ફિલ્મ ‘પાકીઝા’ એક ભવ્ય અને ચમત્કૃતિવાળી ફિલ્મ હતી તો એને ભવ્યતાથી રજૂ કરવી પડે. પરસેવો લૂછવાના કાગળમાં બનતી અન્ય થિએટરોની ટિકિટોને બદલે ‘પાકીઝા’ સુંદર કાગળ પર રંગીન છપાઇ તો ઠીક, દરેક શો માટે અલગ અલગ ટિકિટો છપાવાઇ હતી. એનો પાનારોમિક સ્ક્રીન ઊડીને છાતીએ વળગતો હતો. આ જ મીનાકુમારીની ફિલ્મ ‘ચંદન કા પલના’ ય અમે અહીં જોઇ હતી. અજંતા-ઇલોરા : આશ્રમ રોડ પર એકલું અટુલું નટરાજ પડ્યું રહેતું હતું, તે એને કંપની આપવા આ બન્ને સિનેમાઓ ઉપરાંત શ્રી અને શિવ એકબીજાને અડીઅડીને સગા ભાઇઓની જેમ ગોઠવાયા હતા. સામે દીપાલી. અર્થાત, સાવ ટિકિટ વિના ઘેર પાછા જવું ન પડે! એમાં એક કિસ્સો યાદગાર બની ગયો. ફિલ્મ ‘કુરબાની’એ સિનેમાઓનાં કમ્પાઉન્ડો ભરચક કરી દીધાં હતાં. એ જમાનામાં ‘એક્સ્ટ્રા છે?’ ઓલમોસ્ટ ભિક્ષુક કંઠે અજાણ્યાને પૂછવું પડતું. ને એ જાણે કેમ પાલિતાણાનો ગઢ જીતી લાવ્યો હોય એમ આડું જોઇ જતો. હકીએ આવી માથાકૂટોમાં પડવાને બદલે સીધા ચોથા માળની લિફ્ટ પકડીને મૅનેજરની ઓફિસમાં પહોંચી ગઇ ને ઊભા શ્વાસે ઝડપ-ઝડપથી બોલી ગઇ, ‘સર, અમે ઇશ્ટ આફ્રિકાથી હાઇલા આવી છીં ને કાલની ફ્લાઇટમાં તો દેસમાં વયા જાવું છે...અમારે બસ ચાર જ ટિકટું જ જોઇં છી!’ પહેલાં તો પેલો ફ્લાઇટની ટિકિટ સમજ્યો હશે એટલે બહુ ફાલતુ અને મૌન સ્માઇલ આપ્યું. આ તો અહીં આખો સંવાદ લખ્યો, પણ મૅનેજરે એને અધવચ્ચે જ કાપીને કહી દીધું, ‘બેન તમારી બધી વાત સાચી, પણ શૉ હાઉસફૂલ છે ને મારી પાસે એકે ય ટિકિટ નથી.સૉરી!’ ‘મને ખબર છે, તમારા ખાનામાં એક્સ્ટ્રા તો પઈડી જ હોય....બસ, ચાર દઇ દીયો એટલે હાંઉ...!’ એ જ ‘કુરબાની’ જોઇને રાત્રે પાછા ફરતા મેં હકીને મોટી આશાઓ સાથે પૂછ્યું, ‘તું સાચ્ચે જ કાલે નાયરોબી પાછી જાય છે?’ એણે સાઇડમાં જોઇ તીખું હસતા કહ્યું, ‘તમે હાશ્યલેખક જ રિયા...પોતે તો કોક ‘દિ હસો…!’ શ્રી-શિવ-દીપાલી સિનેમા : અમદાવાદ શહેરની સિનેમા-સંસ્કૃતિ તદ્દન ખલાસ થઇ ચૂકી છે, ત્યારે સામાસામે આવેલા આ ત્રણે ય યુવાનીયાઓ હજી હેન્ડસમ લાગે છે અને સિનેમા જઇને ફિલ્મ જોવાના શોખીનોને ઉત્તમ ફિલ્મી આનંદ આપે છે. સિક્સર - બેન, તમારા અક્ષર બહુ સરસ છે! - ના રે ના....આ ફોર્મ તો તમારા ભ’ઈએ ભરી આપ્યું છે!
Read Original Article →