સહજ સંવાદ:અજાણ ખૂણે રચાતી આપણી સાંસ્કૃતિક ઘટનાઓ

Magazine4/22/2026, 12:35:00 AM
સહજ સંવાદ:અજાણ ખૂણે રચાતી આપણી સાંસ્કૃતિક ઘટનાઓ
ક દાચ તે અખબારોનાં પાને બહુ ઓછી જગ્યા રોકતી હશે, કદાચ તે થોડાંક લોકોની વચ્ચે સીમિત થઈ જતી હશે, કદાચ તેનું એટલું યે સદભાગ્ય નહિ રહેતું હોય. આટલી ભીડ અને આવી પરિસ્થિતિની વચ્ચે આવાં સંશોધનના અસ્મિતા કાર્યની નિયતિ પ્રજા માટે ખુલ્લી હવાની બારીઓને બંધ કરી દેતી હોય છે. .. પણ તો યે આશાનાં કિરણો માટે આશાનાં કારણો પણ છે. પશ્ચિમ અમદાવાદના એક સુંદર સુઘડ નિવાસે અધ્વર્યુ પરિવાર રહે છે. સમગ્ર પરિવારના વટવૃક્ષ વૈદેહી પાર્થિવભાઈ અધ્વર્યુએ એક ગ્રંથ હાથમાં મૂક્યો. દેશ-ખ્યાત પ્રકાશક (અને તેથી વધુ વર્ષોથી સમગ્ર રીતે સાંસ્કૃતિક પ્રતિનિધિ રહેલા) ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત શ્રીમદ ભાગવતપુરાણની શ્રીધરી ભાષ્ય ગ્રંથ હતો! પહેલી જ વાર ગુજરાતીમાં અનુવાદ, અને તે પણ આ શ્રેષ્ઠી પરિવારના વૈદેહી અધ્વર્યુ દ્વારા. બેશક, આ અનુવાદનું કામ લાંબા સમય સુધી ચાલ્યું હશે, સંસ્કૃત વિદ્વાન ડૉ. લક્ષ્મણ જોશીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હશે, (તેમણે પણ ગુજરાતને શાંકરભાષ્યનો સંપૂર્ણ અનુવાદ આપ્યો છે). શ્રીધર સ્વામી 800થી વધુ વર્ષ પૂર્વે થઈ ગયા. ગુજરાતમાં સંસ્કૃત એ અભ્યાસનો વિષય છે, યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે. કેટલીક પાઠશાળાઓ પણ છે, જેમાં ભાગવત વિદ્યાપીઠ અને પેટલાદમાં ડાહ્યાભાઇ શાસ્ત્રીની પાઠશાળા જાણીતી સંસ્થાઓ છે. પારડીમાં સ્વ. પંડિત સાતવલેકરજી દ્વારા સ્થાપિત વેદ અભ્યાસ કેન્દ્ર ચાલે છે, જેમાં ભગીરથ દેસાઈ સમર્પિત છે, અગાઉ વસંતરાવ ચિપલોણકર આ કાર્ય કરતા હતા. એ યાદ રાખવા જેવું છે કે પંડિતજીને ગાંધી-હત્યા દરમિયાન મહારાષ્ટ્રમાં આ સંશોધનનું ઐતિહાસિક કામ છોડીને પારડી આવવું પડ્યું હતું. કે. કા. શાસ્ત્રી તો હવે રહ્યા નથી પણ તેમના ગ્રંથો સંશોધનકાર્યનો ખજાનો છે, સાહિત્ય અકાદમીએ મારા અધ્યક્ષકાળ દરમિયાન મદનમોહન માલવિયાના માર્ગદર્શનમાં ત્યાંના અધ્યાપક ડૉ. રામદાસ ગૌડ દ્વારા પ્રકાશિત ‘હિન્દુત્વ’ ગ્રંથ દુર્લભ હતો તેને શોધીને ફરીવાર પ્રકાશિત કર્યો; તે હિન્દુત્વને જાણવા માટેનો વિશ્વકોષ છે. આચાર્ય વિષ્ણુદેવ પંડિતનું પણ ગુજરાતમાં સંસ્કૃત સાહિત્યથી પરિચિત કરાવવાનું કામ મહત્ત્વનું રહ્યું. ડૉ. વિજય પંડ્યા તો હજુ રામાયણના દુર્લભ સાહિત્યનું સંશોધન કરી રહ્યા છે. તેમણે આદિકાવ્ય વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનું પડકારરૂપ કામ કરી આપ્યું છે. અમદાવાદના તિલક (જૂનું નામ રિલીફ) માર્ગ પર સ્ટેશન તરફ જતાં ભીડભાડ વચ્ચે, એક પોળ આવે છે, દોશીની પોળ. સાંકડી શેરી કરતાં પણ સાંકડી પોળમાં સામસામે અથડાય એવી રીતે વાહનો દોડે છે. ફૂટપાથ વળી કેવી? બંને તરફ જૂનાં અને નવાં મકાનો છે. કોઈને અંદાજ ના આવે કે અહીં એક ખૂણે ગોસ્વામી હવેલી આવી છે. બહારથી અંદાજ ના આવે પણ અંદર જાઓ એટલે વૈષ્ણવી માહોલ જોવા મળે. જૂની મહેલાત, રાસ, ભજન, ધોળ, શણગાર, આરતી, આખ્યાન. 500 વર્ષ જૂના આ આસ્થા-સ્થાનમાં કોઈ સમયે આપણો ભક્ત કવિ દયારામ ઝાંઝ પખવાજની થાપ સાથે નટવરપ્રભુનો ધોળ ગાતો હશે, ત્યારે તેની તન્મયતા કેવી હશે? યોગાનુયોગ અત્યારે 250 વર્ષ પૂર્વે જન્મેલા દયારામનું સ્મૃતિ પર્વ ચાલ્યું, તેને નામ અપાયું- દયાપર્વ. ગુજરાતી સાહિત્યમાં દયારામને યાદ કરવાનું આ એકલ કામ કરનાર અહીંની જ્યોતિષ્પીઠના ગોસ્વામી રણછોડરાય અર્થાત આભરણાચાર્ય છે. વયોવૃદ્ધ થવાને તેમને ઘણી વાર છે, પણ કામ મુખ્યત્વે સંશોધન, લેખન અને પર્વનું કરે છે. જેને કારણે હવેલી ભક્તિ ઉપરાંત વ્યાપક ફલક પર સક્રિય છે. પોતે ગુજરાત યુનિવર્સિટીમાં Ph.D. કર્યું, ગીત-સંગીતની શિક્ષા મેળવી. શ્રીમદ વલ્લભાચાર્યની 16મી પેઢીના આચાર્ય છે. ખડખડાટ હસી શકે છે, પુષ્ટિમાર્ગ સિવાયની પણ ચર્ચા કરે. સંગીત નિષ્ણાત છે. માંડ 32 વર્ષ થયા છે, તેમણે વ્રજ, સંસ્કૃત, ગુજરાતી અને બહુવિધ ભાષાઓમાં 22,000થી વધુ પદ રચ્યા. ઇતિહાસના વિદ્યાર્થી તરીકે મને એ વાતમાં રસ પડ્યો કે છેક દક્ષિણ ભારતમાં જઈને લુપ્ત થઈ ગયેલી મહાપ્રભુની ચાર બેઠકો શોધી કાઢી. તેમના કેટલાંક પુસ્તકો ગુજરાતી-સંસ્કૃતમાં એવી વિશેષતા ધરાવે છે કે અત્યાર સુધીમાં તેવું કાર્ય થયું જ નથી. એક ગ્રંથનું નામ છે, ‘રામવલ્લભ.’ સામાન્ય છાપ એવી કે વૈષ્ણવ હવેલી અને તેના ભક્તોના આરાધ્ય તો વિવિધ સ્વરૂપે શ્રીકૃષ્ણ જ હોય, પણ એવું નથી. તેનું કારણ પણ લેખક કવિ રણછોડલાલજીએ પ્રસ્તાવનામાં બતાવ્યું કે શ્રીમદ વલ્લભાચાર્ય દ્વારા કથિત શ્રીરામ વિશે નામ આપ્યું છે- સેવ્ય. શ્રીરામ પણ એક અવતાર કાર્ય છે. પુરુષોત્તમ છે. સામાન્ય વિભૂતિ નથી. પુષ્ટિમાર્ગ પણ શ્રીરામથી રામવલ્લભ સુધીની કેડી કંડારે છે, શ્રીરામમાં વલ્લભત્વે નજરમાં રાખીને આ ગ્રંથમાં શ્રીરામવલ્લભસ્તોત્ર પ્રસ્તુત થયું છે. સંસ્કૃત અને અંગ્રેજી બંને ભાષાઓનો સમુચિત ઉપયોગ કરીને 108 નામ-સ્તોત્ર રચવાનું કવિ-કર્મ અહીં, અમદાવાદના એક ખૂણે આવેલી હવેલીમાં થાય તો તેનાથી સુપરિચિત થવું જોઈએ એટલું જ નહીં, સંસ્કૃત-ગુજરાતી સંસ્થાઓએ અને યુનિવર્સિટીઓએ આ ગ્રંથ વિશે ચર્ચા, પરિસંવાદનું આયોજન કરવું જોઈએ. આ ક્ષણે મનમાં આવે છે કે રણછોડલાલજીનું રામવલ્લભ અને વિજયભાઇનું રામાયણ વિષયક લેખન-સંશોધન-અનુવાદ વિશે એક સંયુક્ત ગોષ્ઠી થવી જોઈએ. આવું જ એક કામ વનવાસી ભાષામાં રામાયણ અને કચ્છી બોલીમાં સચિત્ર ‘રામરાન્ધ’ તેના વિશે પણ વ્યાપક ગોષ્ઠી થઈ શકે. આને માટે જેમ રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક ઇચ્છાશક્તિની જરૂર છે, તેમ સાંસ્કૃતિક ઈચ્છાશક્તિ પણ હોવી જોઈએ.
Read Original Article →