બુધવારની બપોરે:સામે આખલો ઊભો છે
કબૂલ કે, મને આખલા, પાડા અને બળદિયામાં સમજણ પડતી નથી. એ પણ ખબર કે, હિંદુઓ ગાયને માતા કહે છે, પણ બળદને ફાધર નથી કહેતા. સ્કૂલમાં હતો ત્યારે શિક્ષક મારું હોમવર્ક જોઈને કહેતા, ‘સાવ બળદિયા જેવો છો!’ મને એ ત્રણે પ્રજાતિઓનો નામ પૂરતો ય અનુભવ કે જાણકારી નહિ, એટલે હું એવો અર્થ કાઢતો કે, ‘સાહેબ છે તો પશુপ্রেપ્રેમી!’
આમ તો, ગધેડા કરતાં બળદ સાથે સરખામણી ખાસ કંઈ અપમાનજનક ન કહેવાય! બીજાને માટે ‘બળદિયો’ શબ્દપ્રયોગ કેટલાક લોકો કરતા હોય છે. મેં ત્યાં સુધી નરી આંખે બળદિયો જોયો નહોતો, એટલે એટલી ખબર કે, કોઈ પણ નામની પાછળ ‘ઈયા’ શબ્દ ઉમેરાય, એમાં ગાળનો ભાવ હોય છે, સન્માનનો નહિ! જેમ કે, મને કોઈ ‘અશોકિયો’ કહીને બોલાવે, તો સમજી જાઉં કે ‘ભાઈને મારા માટે કોઈ સન્માનભાવ નથી.’
અલબત્ત, ગાય હોય કે બળદ. બન્ને અહિંસક પશુઓ છે. લેવાદેવા વગરની દુશ્મની આપણી સાથે કરે નહિ! તમે શાંત ચરતી ગાયને હલાડો કરો તો જ ગોથું મારે. એમાં ય બિચારી પાંચ-છ ગોથાં તો હવામાં મારે! પણ સાંભળ્યું છે કે, એક વાર તમે કોઈ ગાયને વતાવી, તો એ ભૂલતી નથી ને બીજી વાર ત્યાંથી નીકળો, એટલે શીંગડાં ઉલાળવા આવે જ!
મૂળભૂત રીતે હું પશુপ্রেપ્રેમી નથી. ગમે તેટલું વહાલ ઉભરાતું હોય તો ય બિલાડીને બચ્ચીઓ ભરવા ન જાઉં!
એક દોસ્તે ઘરમાં કૂતરું પાળ્યું હતું, પોમેરેનિયન! જઈએ એટલે ‘હુડૂઉઉઉ....૫’ કરતું સીધું આપણા ખોળામાં કૂદકો મારીને બેસે. હું તરત પગ ઊંચા કરી લઉં, પણ એમાં તો એનો કમ્ફર્ટ-ઝોન શરૂ થાય આ રીતે કૂદકો મારીને તો ડિમ્પલ કાપડીયા ય ખોળામાં બેસે એ ન ગમે! (એ તો પછી મોટું મન અને મોટો ખોળો રાખીને ચલાવી લઈએ!...આ તો એક વાત થાય છે!) ‘એ કંઈ નહિ કરે....ડરો નહિ…’ એવું એ ડોગીના માલિકો આશ્વાસન આપે, પણ મારા ખોળામાં એના વાળ, વાળ અને વાળ જ! ખંખેરો એમ વધતા જાય!
ઈન ફેક્ટ, મરી ક્યાં જવાય છે કે, આવા કૂતરાવાળા ઘેર જઈએ, એટલે નેચરલી બધું ધ્યાન એમના ‘ડોગી’ ઉપર રહેવાનું! (ભૂલમાંથી ય એને કૂતરો, કૂતરી કે કૂતરું ન કહેવાય...નામ ન આવડતું હોય તો ‘ડોગી’ બોલો! એમના કૂતરાને કૂતરો કહીએ તો એ લોકોને
ખોટું લાગે. આપણા સંસ્કાર પર ડાઉટો આવે.
તમને બધાને અનુભવ હશે કે, આવા ઘેર મહેમાન થઈને જઈએ એટલે આપણું ધ્યાન, ફફડાટ અને વાતોનો વિષય એમના ડોગી ઉપર જ હોય! ‘ના ના...ડરશો નહિ! એ નહિ કરડે! સિમ્પુ… બેટા અંકલને હેરાન નહિ કરવાના… આવતું’લે મારું દીકુ....આવતું લે...!’
આ એમણે મને કીધું કે એમના ડોગીને, એ એટલે ન સમજાયું કે, મારા કરતાં વધુ ધ્યાન, વહાલ અને દેખરેખ આ સિમ્પુડા ઉપર હતી. ધાર્યાં કરતાં વહેલા ઊભા થયા પછી અમને વળાવવા ય સિમ્પુડો હાજર! ‘અંકલને ટાટા કરો, બેટુ!’
એમને મનુષ્યસ્વરૂપે બે બાળકો પણ હતાં, પણ આ સિમ્પુને ‘બેટા’ કીધું, એટલે મારે ન છૂટકે એમની વાઈફ તરફ જોવું પડ્યું!
મારે સામે પાર ઊભેલા આખલા સામે ય સતત જોવું પડતું હતું કે, ઓળખાણ-બોળખાણ કે કોઈ દુશ્મનાવટ વગર એ મને ગોથે ચઢાવશે તો? એ ક્યારેક મારી સામે જોઈ લેતો હતો અને જેટલી વાર નજરથી નજર મળે, મને ધ્રાસકા પડે! એ મારાથી સહેજ પણ બીતો નહોતો, પણ સમાજમાં રહેવું હોય તો મારે બીવું પડે! જોકે, આટલાં વર્ષોમાં હું જાણી ગયો છું કે, મારાથી કોઈ બીતું નથી! મને તો હવે બીજાથી બીવાની હૉબી થઈ ગઈ છે!
દરમ્યાનમાં આખલામાં થોડી માનવતા....આઈ મીન, ‘આખલતા’ પ્રગટી અને મારી સામે જોવાને બદલે ફૂટપાથવાળી ભીંત સામે જોવા માંડ્યો. (એને ય ખબર પડી ગઈ’તી કે, મારામાં જોવા જેવું કંઈ નથી...હે રામ!) આવામાં તાબડતોબ ડિસિઝન લઈ લેવાનું હોય અને નીકળી જવાનું હોય, એટલે એની નજર ચૂકાવીને મેં ફૂટપાથ છોડી. આપણને ખબર નહિ કે, એ આખલાને એક ભાઈ પણ હશે. સામે બીજો તૈયાર જ ઊભો હતો. પહેલાવાળા કરતાં વધુ હૅન્ડસમ, ખડતલ અને લુચ્ચો હતો.
હું પ્યોર મૅથ્સનો માણસ, એટલે રિસ્ક લેવાને બદલે ત્યાં જ ઊભાં ઊભાં ગણતરી કરી લીધી તો એ મારાથી 33’-7’’ દૂર ઊભો હતો. થોડું ઘણું
જ્યોતિષ જાણું એટલે ખ્યાલ આવ્યો કે, એનો શુક્ર બહુ પાવરફુલ હશે. ઓફ કોર્સ, મારી પાંસળીઓ એના શુક્ર જેટલી પાવરફુલ નહોતી, પણ… એ વાતની એને જાણ થવા ન દેવાય ને? જેટલી બાકી રહી હતી એટલી બુદ્ધિ વાપરીને મેં ત્યાંથી ચૂપચાપ છટકવાનો નિર્ણય લઈ લીધો.
હું ચોક્કસપણે સફળ થયો, પણ પેલો પીછો કરે છે કે નહિ, એ જોવામાં સીધો ભીંત સાથે ભટકાયો! તેર ટાંકા અને લગભગ અઢી લીટર લોહી...! સિક્સર
- ક્યાં રહો છો?
- કાંકરીયા.
- બહાર કે અંદર?
Read Original Article →