આંતરમનના આટાપાટા:ઉમ્ર કી ઐસી કી તૈસી…
માણસ જન્મે છે, તે જાય છે- આ કુદરતનો અડગ નિયમ છે, પણ આ મુસાફરીમાં કેટલાંક જંક્શનો આવે છે. એમાં બાળપણ, યુવાવસ્થા, પરિપક્વતા, વાનપ્રસ્થાશ્રમ એટલે કે વનપ્રવેશ અને ઘડપણ પણ આવી જાય. દરેક અવસ્થાને એનું પોતાનું એક આગવું સૌંદર્ય હોય છે. તે વાત વૃદ્ધાવસ્થાને પણ લાગુ પડે છે. ઘડપણ એટલે અંતિમ વિદાયના પ્લેટફોર્મ પર બેસીને મોતના આગોશને સમાવી લે એવી ગાડી ક્યારે આવે એની પ્રતીક્ષા કરવાનો સમય નથી. માણસ વૃદ્ધાવસ્થા ગૌરવપૂર્ણ રીતે વિતાવી શકે છે.
ભારતીય સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશનાં પત્ની આજે 97 વર્ષની ઉંમરે સરસ મજાના નાસ્તા બનાવી વેચે છે. એટલા માટે નહીં કે એમને રૂપિયાની જરૂર છે; મા લક્ષ્મીના એમના આખા કુટુંબ પર ભરપૂર આશીર્વાદ છે અને આમ છતાંય પોતે પ્રવૃત્તિમય જીવન જીવીને કોઈકના ઉપયોગમાં આવી શકે એ હેતુથી આ માડી 97 વર્ષની ઉંમરે પણ ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યાં છે.
ઘણા લોકોને એ સમજ નથી પડતી કે, ઉંમર વધવી અને ઘરડાં થવું એ સહજ, કુદરતી પ્રક્રિયા છે. જોકે, તેનો સહજ સ્વીકાર કરી જીવતાં શીખવું પડે, જે સહજ નથી. ઘરથી માંડીને બહાર અનેક લોકો, ‘અરે! આ ઉંમરે શું દોડાદોડી માંડી છે? ભગવાનનું નામ લેવાની આ ઉંમર છે. જંજાળ છોડો. ઘડપણમાં આ બધું શોભતું નથી’ કહીને માનવ સંવેદનાઓ હચમચાવી નાખતા મળી જ રહે છે.
આ અઠવાડિયે બે પુસ્તકો વાંચવાનો મોકો મળ્યો. એક તો માત્ર 37 સ્લાઇડ ધરાવતું સુંદર મજાનું ઇલેક્ટ્રોનિક પ્રેઝન્ટેશન, લેખક મેહુલ ભટ્ટની વાતને સંપાદક તર્જની ઓઝા દ્વારા અત્યંત રુચિકર રીતે રજૂ કરવામાં આવ્યું. મેહુલભાઈ કહે છે કે: ‘સામાન્ય રીતે ઘરડાં થવાની બે અવસ્થા છે, એક શારીરિક અને બીજી માનસિક. શારીરિક અવસ્થાનો આધાર ઉંમર છે. કઈ ઉંમરે ઘરડા ગણાય તેનો આધાર સરેરાશ સ્વાસ્થ્ય અને સરેરાશ આયુષ્ય છે. આઝાદી સમયે સરેરાશ આયુષ્ય માત્ર 48 વર્ષ હતું. ત્યારે ઘડપણનો ડર 40 પહેલાં સતાવતો. હવે સરેરાશ આયુષ્ય લગભગ 75 વર્ષ છે તો ઘડપણ 60+ કે 65+ પર શરૂ થાય. સરકાર પણ સિનિયર સિટીઝનની વ્યાખ્યા 65 બાંધે છે. આ થઈ ઉંમરની વાત.’
આગળ એમણે માનસિક અવસ્થાની વાત કરતાં કહ્યું છે કે: ‘કેટલાક શારીરિક રોગો ઉંમર સાથે આવે છે જે શરીર નબળું કરે, જેવા કે મોતિયો, પ્રોસ્ટેટ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ વગેરે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે ઘરડું થતું શરીર અને તેની ચયાપચયની ક્રિયાઓ નિયમિત ખોરાકમાંથી પોષક દ્રવ્યો પૂરતા શોષી શકતું નથી, માટે ખામીઓ સર્જાય છે. પણ, માનસિક સ્વાસ્થ્ય નિષ્ક્રિયતા, હતાશા, ચિંતા, ભય જેવા
કારણોથી નબળું પડે છે અને માનસિક ઘરડાપણું લઈ આવે છે. ઉત્તરોત્તર મન નબળું પડે છે, પરાવલંબી બને છે, નિર્ણયો અને જવાબદારી લેવાની તૈયારી અને ક્ષમતા ઘટે છે.’
સમાપનમાં મેહુલભાઈ સલાહ આપે છે કે: નિર્વ્યાજ પ્રેમ આપો, પડઘો પડશે જ. વિશ્વાસ રાખો.
ટૂંકમાં: 50ની ઉંમરે તૈયારી શરૂ કરો, 60ની ઉંમરે અગ્રતાઓ બદલો અને
70ની ઉંમરે માનસિક શાંતિને ટોચની અગ્રતા બનાવો. પછી જે વર્ષો મળે તેમાં અહંકાર, પૂર્વગ્રહ, પ્રેમ, નફરત, અપેક્ષા, ઈચ્છા—બધું શાંત કરી પ્રેમને જીવનધ્યેય બનાવો.
આવું જ એક બીજું પુસ્તક ‘જીવન સંધ્યાનું સ્વાગત’ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના એક સમયના વડા પ્રો. અશ્વિન અનસારી અને એસ. વી. આર્ટ્સ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રો. મુકેશ પ્રજાપતિ દ્વારા સંપાદિત છે, જે વૃદ્ધાવસ્થાનાં મનોસામાજિક પાસાંઓને હકારાત્મક રીતે રજૂ કરતું સંશોધનપત્રો અને લેખોનું સંપુટ છે.
આ પુસ્તકમાં વિદ્યાર્થીઓના નિબંધો અને પ્રવીણભાઈ લહેરી સહિત અન્ય શિક્ષણવિદ્ તેમજ વિવિધ ક્ષેત્રનાં નિવડેલ વ્યક્તિત્વોના લેખો દ્વારા વૃદ્ધાવસ્થાનું પ્રેરણાત્મક ચિત્ર ઊપસાવવામાં આવ્યું છે. સંપાદકોએ જીવનના અંતિમ પડાવને ડૂબતા સૂર્યના સૌંદર્ય અને સંધ્યાકાળની શાંતિ સાથે સરખાવીને તેને માણવાની પ્રેરણા આપી છે.
ઘડપણ આવવાનું જ છે, તેને કોઈ રોકી શકતું નથી, તો પછી એની સાથે દોસ્તી કરી એને માણી લેવું જોઈએ. આજની આ ઘડી એ જ સત્ય છે, એને ભોગવી લઈએ.
Read Original Article →