ઓફબીટ:આવતીકાલ અને ગઈકાલ જેને મળે છે તે આજ છે
S erious વાત ચાલતી હોય ત્યારે, બહુ અગત્યની વાત થતી હોય ત્યારે, કેટલાંક લોકોને અકારણ કોઈની પરવા કર્યા વગર બગાસું ખાવાની ટેવ હોય છે. આ બગાસું બહુ અદભુત વસ્તુ છે, જેને આવે એને ખબર નથી હોતી, પણ જેની સામે આવે એને તરત ખબર પડે કે આપણી વાતને ignore કરવા માટે આણે શબ્દ સિવાય પોતાની જીભ અને હોઠ સાથે હવાનું અનુસંધાન સાંધ્યું છે.
આળસ કરવી જ જોઈએ, ખૂબ જરૂરી છે. આળસનો સદુપયોગ ખૂબ જરૂરી છે. કેટલાંક કામો આપણાથી અધૂરાં રહ્યાં હોય છે એની પણ મજા છે, પણ આ બધાં કામોની વચ્ચે આળસ આવે તો એને enjoy કરવી, પણ યાદ રાખવું બગાસા પછીનું વાક્ય એ હંમેશાં એક તકેદારી અને તત્પરતા સાથે આવે છે; સાંભળનાર માટે અને બોલનાર માટે. પ્રત્યેક આળસ એટલી આળસ ન હોવી જોઈએ કે કામની કદર ઉપર એની અસર થાય.
આપણા કામની કદર ત્યારે જ થાય જ્યારે આપણી વાતમાં દમ હોય અને આપણી વાતમાં દમ ત્યારે જ હોય જ્યારે આપણી પાસે આપણા હૃદયની મોસમ હોય. બગાસું આજુબાજુમાં ખાનારાં કેટલાં છે? એને ગણવા ના બેસતાં, તમે બગાસું નથી ખાતાં ને એ વાતને ગણગણવા જરૂર બેસજો.
* * *
મળીએ એટલે તરત Observe કરે. પાછા તરત જ Observe કર્યા પછી એમનું Observation આપણને કહે. જાણે આપણી વાત કરતા એમનું Observation વધુ અગત્યનું હોય એવું સાબિત કરાવે. આપણી આસપાસ ઘણા માણસો એવા હોય છે જેમના Observationને આપણે સાંભળવું જ પડે, સહન કરવું પડે. વાત તો એટલી જ છે અને એ છે કે દરેક માણસ પોતાના Observation સાથે જીવતો જ હોય છે, પણ સામેવાળાને એ Observation ગમે છે કે નહીં એની ક્યારેય પડી જ નથી હોતી.
આપણે આપણને ગમીએ છીએ તો આ દુનિયા સારી જ છે. Observe કરવાથી, સરખામણી કરવાથી, વિકલ્પો વિશે વિચારવાથી સમસ્યાઓના ઉકેલ ક્યારેય નથી આવતા. ઝંપલાવવું પડે છે. તરવાનાં પુસ્તકોથી Swimming આવડતું નથી.
ડૂબતાં પહેલાં હાથ અને પગ હલવા માંડે અને પાણી પાસેથી હોઇએ એટલી આપણા શરીરના વજનની શક્યતાઓ આપણા હાથ અને પગ ઉઠાવતા થઈ જાય એટલા સંઘર્ષમાંથી પસાર થવું જ પડે છે. કોઈ વ્યક્તિ એવો નથી જે સંઘર્ષ નહીં કરતો હોય અને કોઈ વ્યક્તિ એવો નથી જેની પાસે હર્ષ નહીં હોય. નામ-રૂપ જૂજવા, બાકી બધું સ્નેહસભર!
* * *
મને ખબર જ હતી. આવું વાક્ય દરેક બોલે છે અને છતાંય પાછળથી પસ્તાય છે. આપણને ખબર જ હતી કે આ થવાનું છે, તો પછી દુઃખી શેના માટે થઈએ છીએ? જગતમાં દુઃખી થવા જેટલી મોંઘી વસ્તુ બીજી એક પણ નથી. દુઃખી આપણે આપણી જાતે જ થઈ શકીએ છીએ, બીજું કોઈ આપણને દુઃખી કરી શકતું જ નથી. પરિસ્થિતિ જે આવવાની છે, જે નિયતિએ લખી છે, જે destiny છે એને સ્વીકારવાની જ છે. આપણને પહેલેથી ખબર જ છે કે આવું થવાનું જ હતું, તો એના દુઃખનાં કારણોમાં આપણે શું કામ પડીએ છીએ?
એક વ્યક્તિ જીવનમાં ખાસ હોવી જોઈએ, જેને આપણે સુખ, દુઃખ, આનંદ, પીડા, વ્યથા, અજંપો આ બધી જ વાત કરતા હોઇએ, પણ યાદ રાખો એ વ્યક્તિ પાસેથી સાચી જ સલાહ મળે એવું શક્ય નથી. ક્યારેક ઠલવાઈ જવું એનો આનંદ જુદો હોય છે. અને હા, સમજણ એ બહુ અગત્યની વાત છે. સમજાય એટલું સુખ, પમાય એટલો આનંદ.
* * *
ફોન આવવાનો જ નથી છતાંય રાહ જોઈએ છીએ. WhatsAppનું notification silent mode પર હોય અને વાગવાનું જ નથી છતાંય વારેઘડીએ ચેક કરીએ છીએ. આંખોને ખબર જ છે કે જેનાથી આપણી આંખોને ટાઢક થવાની છે એ વ્યક્તિ આંખો સામે છે જ નહીં છતાં એની રાહ જોઈએ છીએ. અને હા, આ બધી જ વાતો આપણને ખબર ન પડે એમ આપણી આસપાસ આપણામાં થયા કરે છે, ભજવાયા કરે છે અને છતાંય આપણે એવું માનીએ છીએ કે જગત સ્વાર્થી થઈ ગયું છે.
* * *
Happiness of silence, મૌનની મજા, એકાંતનો આનંદ. મૌન એટલે આપણે ચૂપ રહીએ એટલું જ નહીં, આપણી ક્રિયાઓ પણ ચૂપ રહેવી જોઈએ. વિચારશૂન્ય... કશું વિચારવાનું પણ નહીં, કોઈ ક્રિયા કરવાની જ નહીં. દિવસના અમુક કલાકો, અમુક સેકન્ડો એવી રાખવી, જેમાં આપણે Gadgetsથી, મોબાઈલથી દૂર હોઇએ. ઘણીવાર આપણે ચૂપ હોઇએ છીએ, પણ મોબાઈલમાં મથેલાં રહીએ છીએ. એને કારણે આપણને આપણું એકાંત નથી મળતું. મોબાઈલમાં તો જેને આપણે નથી બોલાવવા, જે આપણને નથી ગમતા, એને પણ જવાબ આપવા પડે છે અને મનગમતાના જવાબની રાહ જોવી પડતી હોય છે.
એકાંત એ છે કે આ બધું સ્થિર કરી દેવું. આપણા શરીરને સાંભળવું, એની એક ભાષા છે. એ જે જવાબ આપશે ને ત્યાંથી સફળતાનું કિરણ કૂંપળ થઈને ફૂટતું હોય છે, જે પછી આકાશને આંબે એવું બની જાય છે. કેટલાંક એકાંત આપણને એકલતા તરફ નથી લઈ જતાં, કેટલાંક એકાંત આપણને આપણામાં રસ્તો બતાવતા હોય છે.
ઑન ધ બીટ્સ
યે જીના હૈ, અંગૂર કા દાના, કુછ કચ્ચા હૈ, કુછ પક્કા હૈ,
અરે, જીતના ખાયા મીઠા થા, જો હાથ ન આયા ખટ્ટા હૈ.
- ગુલઝાર
Read Original Article →