સાયબર સિક્યુરિટી:આધાર પર ડીપફેકનો પ્રહાર

Magazine5/20/2026, 12:35:01 AM
સાયબર સિક્યુરિટી:આધાર પર ડીપફેકનો પ્રહાર
કેવલ ઉમરેટિયા દરેક જગ્યાએ તમારો અસલી 12 આંકડાનો આધાર નંબર શેર કરવાનું ટાળો. જ્યાં જરૂરી ન હોય, ત્યાં ‘માસ્ક્ડ આધાર’ જ આપો આ ધાર કાર્ડ’ આપણી ઓળખનો સૌથી મજબૂત અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને સિમ કાર્ડ ખરીદવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધીનું બધું જ તેના પર નિર્ભર છે. જોકે તાજેતરની એક ઘટનાએ આખા દેશ અને સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. સાયબર ગઠિયાઓએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક ટેક્નોલોજીની મદદથી આધાર વેરિફિકેશન સિસ્ટમમાં જ મોટું ગાબડું પાડ્યું છે. શું છે સમગ્ર મામલો? અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ખતરનાક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. પોલીસે આ કેસમાં એવા ઘણા આરોપીઓની ધરપકડ કરી, જેઓ દેશના અલગ અલગ ખૂણે બેસીને AI અને ડીપફેકની મદદથી ‘આધાર લોન ફ્રોડ’ કરતા હતા. કલ્પના કરો કે તમે ઘરમાં શાંતિથી બેઠાં છો અને અચાનક કોઈ ફાઇનાન્સ કંપની કે રિકવરી એજન્ટનો ફોન આવે છે કે તમારી લાખો રૂપિયાની લોન બાકી છે! આવું સાંભળતા જ કોઈના પણ પગ નીચેથી જમીન સરકી જાય. કારણ કે તમે તો ક્યારેય કોઈ લોન લીધી જ નથી. બસ, અનેક નિર્દોષ લોકો સાથે પણ આવું જ થયું છે. કેવી રીતે થાય છે આ હાઇ-ટેક ફ્રોડ? જ્યારે આપણે કોઈ બેંક કે મોબાઈલ એપ દ્વારા લોન લઈએ છીએ, ત્યારે ઈ-કેવાયસી માટે આધાર વેરિફિકેશન ફરજિયાત હોય છે. આ પ્રક્રિયામાં ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાની ઓળખ દ્વારા ‘લાઇવનેસ ચેક’ કરવામાં આવે છે, જેથી એ સાબિત થઈ શકે કે કેમેરા સામે ઊભેલી વ્યક્તિ અસલી અને જીવિત છે. બસ, અહીં જ આ ભેજાબાજ ગઠિયાઓએ તેમનું દિમાગ દોડાવ્યું. સૌથી પહેલાં તો તેમણે ડાર્ક વેબ કે અન્ય ગેરકાયદેસર રસ્તાઓ પરથી લોકોનો આધાર ડેટા (નામ, જન્મતારીખ વગેરે) ચોરી કર્યો અથવા ખરીદ્યો. ત્યાર પછી AI અને ડીપફેક ટૂલ્સનો ઉપયોગ કરીને અસલી વ્યક્તિના ચહેરા સાથે આબેહૂબ મળતા આવતા એનિમેટેડ કે નકલી 3D વીડિયો બનાવ્યા. આ ડીપફેક વીડિયોનો ઉપયોગ સિસ્ટમના ‘લાઇવનેસ ચેક’ને થાપ આપવા માટે કરવામાં આવ્યો. સિસ્ટમને તો એમ જ લાગ્યું કે કેમેરા સામે અસલી વ્યક્તિ જ આંખો પટપટાવી રહી છે અથવા માથું હલાવી રહી છે. બસ પછી તો તરત જ લોન પાસ થઈ ગઈ! લોનના પૈસા સીધા ગઠિયાઓનાં ખાતાંમાં ગયા અને ત્યાંથી બીજાં કેટલાંય એકાઉન્ટમાં. ડીપફેકનો વધતો જતો ખતરો ડીપફેક એક એવી ટેક્નોલોજી છે જેમાં AIની મદદથી કોઈપણ વ્યક્તિનો ચહેરો, તેના હાવભાવ અને અવાજની આબેહૂબ નકલ કરી શકાય છે. આ વીડિયો એટલા બધા અસલી લાગે છે કે નરી આંખે અથવા જૂની ટેક્નોલોજીવાળા કેમેરાથી અસલી નકલીનો તફાવત પકડવો લગભગ અશક્ય છે. આ ફ્રોડથી કઇ રીતે સુરક્ષિત રહેવું? બાયોમેટ્રિક્સ લૉક કરો: આ સૌથી અગત્યનું પગલું છે. UIDAIની સત્તાવાર વેબસાઇટ અથવા ‘mAadhaar’ એપ પર જઈને તમારા આધારના બાયોમેટ્રિક્સને હંમેશાં ‘લૉક’ (Lock) રાખો. જ્યારે તમને વેરિફિકેશનની જરૂર હોય, ત્યારે જ તેને થોડા સમય માટે ‘અનલૉક’ કરો. માસ્ક્ડ આધારનો ઉપયોગ: દરેક જગ્યાએ તમારો અસલી 12 આંકડાનો આધાર નંબર શેર કરવાનું ટાળો. જ્યાં જરૂરી ન હોય, ત્યાં ‘માસ્ક્ડ આધાર’ જ આપો, જેમાં માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાય છે. જે તમે UIDAIની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. CIBIL સ્કોર પર નજર રાખો: સમયાંતરે તમારો ક્રેડિટ રિપોર્ટ (CIBIL/Experian) ચેક કરતા રહો. જો તેમાં એવી કોઈ લોન દેખાય જે તમે નથી લીધી, તો તરત જ બેંક અને પોલીસને જાણ કરો. ફરિયાદ નોંધાવો: જો તમારી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થાય છે, તો તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે, પરંતુ આ ઘટના આપણા સૌ માટે એક મોટી લાલબત્તી સમાન છે. જેમ-જેમ ટેક્નોલોજી વિકસી રહી છે, તેમ-તેમ સાયબર ગુનેગારો પણ નવા અને ખતરનાક હથિયારો શોધી રહ્યા છે. નાણાકીય સંસ્થાઓએ પણ પોતાની વેરિફિકેશન સિસ્ટમને વધુ મજબૂત કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. સાથે જ, એક જાગૃત નાગરિક તરીકે તમારી સતર્કતા જ તમારી સૌથી મોટી ઢાલ છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરો, પરંતુ હંમેશાં આંખ-કાન ખુલ્લાં રાખો!
Read Original Article →