વાપીના 6 વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી અંત:મનપા દ્વારા નવી ટાંકીઓ અને પાઈપલાઈનનું કામ યુદ્ધના ધોરણે
વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના 6 વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. ચણોદ, કરવડ, છીરી અને ડુંગરા સહિતના વિસ્તારોમાં કરોડોના ખર્ચે નવી પાણીની ટાંકીઓ અને પાઈપલાઈન નાખવાનું કામ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ દ્વારા જૂની પાઈપલાઈનો બદલીને આધુનિક DI પાઈપલાઈનનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી લીકેજ અને ઓછા પ્રેશરની સમસ્યા દૂર થશે. આગામી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે વહીવટી તંત્ર દ્વારા શહેરના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, મનપાએ પીવાના પાણીની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ વોટર સપ્લાય સ્કીમ હેઠળ કામગીરી તેજ કરી છે. આ યોજના હેઠળ, ચણોદ-ચમોલાઈ વિસ્તારમાં 30 લાખ લિટરની ઊંચી ટાંકી અને 55 લાખ લિટરની ભૂગર્ભ ટાંકીનું કામ પ્રગતિમાં છે. કરવડમાં 10 લાખ લિટરની બે ઊંચી ટાંકીઓ અને 50 લાખ લિટરની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. છીરી-છરવાડામાં 20 લાખ લિટરની બે ઊંચી ટાંકીઓ અને 52 કિલોમીટર લાંબી નેટવર્ક લાઈન પ્રગતિ હેઠળ છે. નામધા-ચાંદોરમાં 10 લાખ લિટરની ટાંકી અને 3.5 કિલોમીટર નવી પાઈપલાઈનનો ફેઝ-1 કાર્યરત છે, જ્યારે કુંતા-વટાર-મોરાઈમાં 10 લાખ લિટરની એક અને 5 લાખ લિટરની બે ઊંચી ટાંકીઓ માટે ફેઝ-1 ની કામગીરી ચાલી રહી છે. મનપા દ્વારા શહેરભરમાં જૂની AC પ્રેશર, PVC અને HDPE પાઈપલાઈનના સ્થાને મજબૂત લોખંડની D.I. (Ductile Iron) પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. આનાથી પાણીના લીકેજ અને ઓછા પ્રેશર જેવી સમસ્યાઓ ભૂતકાળ બનશે. ખાસ કરીને ડુંગરા વિસ્તારમાં સેલવાસ રોડ પર વારંવાર પાઈપલાઈન ભંગાણને કારણે થતો પાણીનો બગાડ હવે કાયમી ધોરણે અટકશે. નવી લાઈનો નાગરિકોને પૂરતા પ્રેશર સાથે શુદ્ધ પાણી પૂરું પાડશે. મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલાં, મનપાએ પાણીના જટિલ પ્રશ્નને હલ કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 17 કિલોમીટરથી વધુ લાંબી નવી પાઈપલાઈનો માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે, જે આગામી સમયમાં વાપીના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Read Original Article →