વાપી પાલિકાના વોર્ડ નં. 8માં વેપારીઓની હાલત કફોડી:ના સમયસર પાણી, ના સફાઈ, સ્ટ્રીટ લાઈટોનો પણ અભાવ, ગટરની સમસ્યાએ માઝા મૂકી; મતદારોએ રોષ ઠાલવ્યો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન તેમજ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા વાપીમાં કેવો છે માહોલ તેમજ મતદારોને મિજાજ શું છે તે જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ વાપીના વોર્ડ નંબર 8માં પહોંચી હતી. જ્યાં મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા શાકભાજી માર્કેટના વેપારીઓ અને રહીશો હાલ અનેક પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 'સ્વચ્છ ભારત'ના નારા વચ્ચે વાપીના આ ધમધમતા વિસ્તારમાં ગંદકી અને ગટરની સમસ્યાએ માઝા મૂકી છે. વેપારીઓએ પોતાની વેદના ઠાલવતા પાલિકા તંત્ર અને સ્થાનિક નેતાગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ‘સુવિધાના નામે માત્ર આશ્વાસનો જ મળે છે’
સ્થાનિક વેપારી અગ્રણી વરુણ ઠાકુરે વેપારીઓના પક્ષે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અહિં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહિંયા બે ટાઈમ પાણી આવે છે, પાણી આપવાનો સમય એક કલાકનો છે પણ પાણી માત્ર 20 મિનિટ જ આવે છે. વોર્ડ નંબર 8ના આ વિસ્તારમાં વેપારીઓ પાસે નિયમિત ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ વળતરમાં સુવિધાના નામે માત્ર આશ્વાસનો જ મળે છે. વધુમાં જણાવ્યું કે, અમે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઈને આ રજૂઆતો પાછી આવે છે. માર્કેટમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ નથી, છત્તા ડ્રેનેજ વેરો રૂ. 1200 વસુલવામાં આવે છે. સ્ટ્રીટ લાઈટોનો અભાવ છે અને કચરાના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. મહાનગર પાલિકાના 2 બજેટ જાહેર થયા એકપણ બજેટમાં ટેક્સનો કોઈ વધારો કર્યો નથી. જે સારું કહેવાય પરંતુ સ્થાનિક લોકોને પાયાની સુવિધા પણ પુરી પાડતી નથી પાથરણા વાળાઓને વારંવાર ઉઠાવી શાકભાજી જપ્ત કરવામાં આવે છે. ‘રસ્તાઓ પર કચરાના ઢગલા પડ્યા રહે છે’
માર્કેટમાં વર્ષોથી વેપાર કરતી મહિલા વેપારીઓએ જણાવ્યું હતું કે, અહીં સફાઈના નામે શૂન્ય કામગીરી છે. રસ્તાઓ પર કચરાના ઢગલા પડ્યા રહે છે અને ગટર ઉભરાવવાના કારણે દુર્ગંધનો સામનો કરવો પડે છે. ‘શાકભાજીનો અમારો માલ પાલિકા વાળા ટ્રેક્ટરમાં ભરી જતા રહે છે’
મહિલાઓએ રોષે ભરાઈને કહ્યું કે, અમે અહીં પરસેવો પાડીને વેપાર કરીએ છીએ, પણ પાલિકા અમને એક ડસ્ટબિન સુધ્ધાં આપતી નથી. ગંદકીમાં બેસીને શાકભાજી વેચવા મજબૂર છીએ, જેના કારણે અમારા સ્વાસ્થ્ય પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. વર્ષોથી અમે આ શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચી પરિવારનું સંચાલન કર્યું હવે અમને અહીંથી ઉઠી જવા કહેવામાં આવે છે. શાકમાર્કેટમાં ફક્ત 3 કલાક વેપાર કરવાની માંગ કરીએ છીએ, શાકભાજીનો અમારો માલ પાલિકા વાળા ટ્રેક્ટરમાં ભરી જતા રહે છે. એક મહિલા વેપારીના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોને શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચવા નથી દેતા અમે સ્થાનિક લોકો વેપાર નહીં કરીશું તો કોણ વેપાર કરશે. ‘ગ્રાહકો ગંદકી જોઈને માર્કેટમાં આવવાનું ટાળે છે’
અન્ય એક વેપારીએ ઉમેર્યું કે, "ચોમાસામાં તો અહીંની સ્થિતિ નરકાગાર જેવી થઈ જાય છે. ગ્રાહકો ગંદકી જોઈને માર્કેટમાં આવવાનું ટાળે છે, જેની સીધી અસર અમારા ધંધા પર પડી રહી છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં સફાઈ અને ગટરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તેઓ પાલિકા કચેરીએ જઈ ઉગ્ર આંદોલન કરશે અને ટેક્સ ભરવાનું પણ બંધ કરી શકે છે. ગંદકી અને કચરાના કારણે રખડતા ઢોરનો ત્રાસ
વોર્ડ નંબર 8ની મુખ્ય સમસ્યા વિશે વાત કરીએ તો અહિં સફાઈનો અભાવ છે. માર્કેટ વિસ્તારમાં સફાઈ કામદારો અનિયમિત છે, જેના કારણે કચરો રસ્તા પર જ સડે છે. ગટરની પણ સમસ્યા છે. જૂની ગટર લાઈનો ચોક-અપ થઈ જવાથી ગંદુ પાણી રસ્તા પર ફેલાય છે. ગંદકી અને કચરાના કારણે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, જે અવારનવાર અકસ્માત સર્જે છે. વાપીને 'સ્માર્ટ સિટી' બનાવવાની વાતો વચ્ચે વોર્ડ નંબર 8ના વેપારીઓની આ સ્થિતિ પાલિકાની કામગીરી પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે.
Read Original Article →