વિનોદ પટેલની ભાજપ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી:વાપી વોર્ડ 4માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, ભાજપ પર વિશ્વાસઘાતનો આરોપ

Gujarat4/11/2026, 11:21:12 AM
વિનોદ પટેલની ભાજપ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી:વાપી વોર્ડ 4માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, ભાજપ પર વિશ્વાસઘાતનો આરોપ
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વોર્ડ નંબર 4ના કદાવર નેતા વિનોદભાઈ પટેલે ભાજપ છોડી કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે. તેમણે આજે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને ભાજપ પર વિશ્વાસઘાતનો ગંભીર આરોપ લગાવ્યો છે. વિનોદભાઈ પટેલ લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. જોકે, ભાજપના સ્થાનિક નેતાઓ અને નાણામંત્રી દ્વારા તેમને ભાજપમાં જોડાવા અને વોર્ડ નંબર 4માંથી ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ ખાતરીના આધારે વિનોદભાઈએ ભાજપમાંથી દાવેદારી કરી હતી. પરંતુ, જ્યારે ભાજપની ટિકિટ વહેંચણી થઈ ત્યારે વિનોદભાઈનું નામ કપાઈ ગયું હતું. આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા વિનોદભાઈએ જણાવ્યું કે, 'મેં સામેથી ટિકિટ માંગી નહોતી, પણ પરેશભાઈ દેસાઈ અને કનુભાઈએ મને ટિકિટ આપવાનો વાયદો કરીને પક્ષમાં બોલાવ્યો હતો. મારી સાથે અને પરેશભાઈ સાથે પણ વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.' ભાજપે ટિકિટ ન આપતા, વિનોદભાઈએ પોતાની જૂની પાર્ટી કોંગ્રેસમાં પરત ફરવાનો નિર્ણય કર્યો. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે તેમને કોઈ પણ શરત વગર સ્વીકાર્યા છે. 'ઘરના છોકરા ભૂલા પડે તો પણ પરિવાર સ્વીકારી લે છે' તેમ કહીને કોંગ્રેસે તેમને વોર્ડ નંબર 4 માંથી મેદાનમાં ઉતાર્યા છે. ગત ટર્મમાં આ વોર્ડમાંથી કોંગ્રેસની 3 સીટ જીતી હતી, અને આ વખતે વિનોદભાઈએ ચારેય સીટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિનોદભાઈની કોંગ્રેસમાં 'ઘરવાપસી'થી વાપીના વોર્ડ નંબર 4 માં ભાજપ માટે મુશ્કેલીઓ વધી શકે છે. હવે આ વોર્ડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
Read Original Article →