વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકા માટે મલ્ટીચોઈસ EVMથી મતદાન, તંત્ર સજ્જ
વલસાડ જિલ્લામાં પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે આપેલી માહિતી મુજબ, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે જિલ્લા સ્તરે ડાયરેક્ટર DRDA ને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં આચારસંહિતાના ભંગને રોકવા માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારી (TDO) ને જવાબદારી સોંપાઈ છે. શહેરી વિસ્તારોમાં, વાપી કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (Dy.MC) અને ઉમરગામ નગરપાલિકામાં ચીફ ઓફિસર (CO) ને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત કુલ ૧૨૩૩ મતદાન મથકો પર ૧૦.૩૦ લાખ મતદારો મતદાન કરશે. તમામ મતદાન મથકો પર હવા-ઉજાસ અને પાણી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૮ હજારથી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે, દરેક તાલુકા અને નગરપાલિકાના અધિકારીઓ દરરોજ સાંજે પોતાનો રિપોર્ટ ડાયરેક્ટર DRDA ને સુપરત કરશે. આ અહેવાલ ત્યાંથી DEO (જિલ્લા ચૂંટણી અધિકારી) અને અંતે રાજ્ય ચૂંટણી પંચને મોકલવામાં આવશે. આ ચૂંટણીની એક મુખ્ય વિશેષતા એ છે કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મલ્ટીચોઈસ EVM નો ઉપયોગ કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારો વોર્ડમાં વહેંચાયેલા હોય છે, જ્યાં મતદારોએ દરેક વોર્ડમાંથી ચાર ઉમેદવારો માટે એકસાથે ચાર મત આપવાના રહેશે. આ પ્રક્રિયા સમજાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ ૧૦.૨૦ લાખથી વધુ મતદારો નોંધાયા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને મહત્તમ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →