વાપી સ્ટેશન પર RPF જવાનોએ મુસાફરનો જીવ બચાવ્યો:ચાલુ ટ્રેને ઉતરતા પ્લેટફોર્મ ગેપમાં ફસાયેલા વ્યક્તિનો આબાદ બચાવ

Gujarat4/5/2026, 4:54:22 PM
વાપી સ્ટેશન પર RPF જવાનોએ મુસાફરનો જીવ બચાવ્યો:ચાલુ ટ્રેને ઉતરતા પ્લેટફોર્મ ગેપમાં ફસાયેલા વ્યક્તિનો આબાદ બચાવ
વાપી રેલવે સ્ટેશન પર રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળતા RPFના બે જવાનોની સતર્કતાએ એક મુસાફરનો જીવ બચાવ્યો હતો. ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના જીવલેણ ગેપમાં ફસાઈ ગયો હતો. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10:24 કલાકે બની હતી. ટ્રેન નંબર 09058 પ્લેટફોર્મ નંબર-1 પરથી ઉપડી રહી હતી. જનરલ કોચમાં સવાર એક મુસાફરને ટ્રેન ખોટી હોવાનું જણાતા તેણે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન ગતિ પકડી રહી હોવાથી મુસાફરનું સંતુલન બગડ્યું હતું. તે સીધો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ખાડામાં પડવાની અણી પર હતો, જે જીવલેણ સાબિત થઈ શક્યું હોત. પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા RPF કોન્સ્ટેબલ મહેશ કુમાર અને સુરેશ કસ્વાએ આ દ્રશ્ય જોયું હતું. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના, બંને જવાનોએ ઝડપથી દોડીને મુસાફરને ખેંચી લીધો અને તેને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લાવ્યા. બચાવવામાં આવેલા મુસાફરનું નામ લક્ષ્મણલાલ અચલારામ (ઉંમર 46, રહેવાસી શિરોહી, રાજસ્થાન) છે. તેને અમદાવાદ જવું હતું, પરંતુ અન્ય મુસાફરોએ ટ્રેન ઉધના જશે તેમ કહેતા તે ગભરાઈને ચાલુ ટ્રેને ઉતરવા ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જવાનોની બહાદુરી સ્પષ્ટ દેખાઈ રહી છે. લક્ષ્મણ લાલે રડતી આંખે RPF વાપીનો આભાર માન્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ પણ બંને કોન્સ્ટેબલોની આ કામગીરીને બિરદાવી છે.
Read Original Article →