વાપી GIDCની શાહ પેપર મિલમાં આગ લાગી:ફાયરકર્મીઓએ કલાકો જહેમત કાબૂ મેળવ્યો, કૂલિંગ પ્રોસેસ ચાલુ

Gujarat4/7/2026, 10:09:51 AM
વાપી GIDCની શાહ પેપર મિલમાં આગ લાગી:ફાયરકર્મીઓએ કલાકો જહેમત કાબૂ મેળવ્યો, કૂલિંગ પ્રોસેસ ચાલુ
વાપીની ઔદ્યોગિક વસાહતમાં આવેલી શાહ પેપર મિલમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર મિલ પરિસર તેની ઝપેટમાં આવી ગયું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મિલના કર્મચારીઓએ શરૂઆતમાં જાતે જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઝડપથી ફેલાઈ જતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગની તીવ્રતા વધુ હોવાને કારણે ફાયરકર્મીઓને કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. લાંબી મથામણ બાદ આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ કૂલિંગ કામગીરી હજુ પણ ચાલુ છે. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમયસર તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. જોકે, આગના કારણે મિલને કરોડો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થયું છે. મશીનરી, કાચો માલ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. હાલ પ્રશાસન અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
Read Original Article →