વાપીની ઝુનઝુનવાલા સ્કૂલે 13 RTE પ્રવેશ નકાર્યા:કલેક્ટરના આદેશથી તંત્ર હરકતમાં, તાત્કાલિક પ્રવેશ આપવા સૂચના
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી આર.એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. શિક્ષણના અધિકાર કાયદા (RTE) હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે સરકાર દ્વારા ફાળવાયેલા 14 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 વિદ્યાર્થીને જ પ્રવેશ અપાયો હતો, જ્યારે બાકીના 13 વિદ્યાર્થીઓના પ્રવેશ શાળા સંચાલકોએ નકાર્યા હતા. આ મામલો જિલ્લા કલેક્ટર સુધી પહોંચતા તંત્ર સક્રિય બન્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. જેના પગલે વાપી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શાળા સંચાલકો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન શિક્ષણ વિભાગે શાળાના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. શાળા સંચાલકોએ બેઠકમાં પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, RTE હેઠળ ફાળવાયેલા વિદ્યાર્થીઓના ઘરે જઈને વ્યક્તિગત ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીમાં જાણવા મળ્યું કે 13 વિદ્યાર્થીઓના વાલીઓ આર્થિક રીતે સધ્ધર છે અને તેઓ ખાનગી શાળાની ફી ચૂકવવા સક્ષમ છે. સંચાલકોનો આરોપ છે કે આવા સંપન્ન લોકો RTEનો લાભ લઈ રહ્યા છે, જેના કારણે ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને અન્યાય થઈ રહ્યો છે. આ કારણસર જ 13 વિદ્યાર્થીઓના પ્રવેશ અટકાવવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ, શિક્ષણ વિભાગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, RTE હેઠળ ઓનલાઇન ડ્રો સિસ્ટમ દ્વારા જે વિદ્યાર્થીઓને શાળા ફાળવવામાં આવી છે, તેમને પ્રવેશ આપવો શાળાની કાનૂની ફરજ છે. કોઈપણ પ્રકારની ખાનગી તપાસના આધારે પ્રવેશ નકારવાનો અધિકાર શાળાને નથી. પ્રાંત અધિકારીએ શાળા સંચાલકોને તાકીદ કરી હતી કે RTE હેઠળ ફાળવાયેલા તમામ 14 વિદ્યાર્થીઓને ધોરણ-1માં તાત્કાલિક અસરથી પ્રવેશ આપવામાં આવે. સાથે જ ભવિષ્યમાં આવી બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
Read Original Article →