રેલવે રિલે રૂમમાંથી કોપર વાયર ચોરતી ગેંગ ઝડપાઈ:વાપી RPFએ ત્રણ આરોપીઓને રૂ. 13,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
વાપી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ રેલવેની મિલકત ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ વાપી-ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચેના બલીઠા ફાટક નજીકના રેલવે રિલે રૂમમાંથી કોપર વાયરની ચોરી કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂ. 13,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ રિલે રૂમનું તાળું તોડી અર્થિંગ માટેનો કોપર વાયર ચોર્યો હતો. RPFએ તેમની પાસેથી 15 કિલો છોલેલો તાંબાનો વાયર, કટર, ટી-પાના અને ગુનામાં વપરાયેલી હીરો સ્પ્લેન્ડર બાઇક જપ્ત કરી છે. ગત 8 મેના રોજ બલીઠા ફાટક નજીકથી કોપર વાયર ચોરીની ઘટના નોંધાઈ હતી. RPF ઇન્સ્પેક્ટર આશિષ તિવારીના માર્ગદર્શન હેઠળ ASI નીતિનકુમાર ટંડેલ, ASI અશોક કુમાર અને CPDSની ટીમે તપાસ શરૂ કરી હતી. 18 મેના રોજ બલીઠા ફાટક નજીકથી બે શંકાસ્પદ યુવકોને પકડી પૂછપરછ કરતા તેમણે ચોરીની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં અમિત ગુલાબ ચૌહાણ (રહે. બલીઠા ફાટક, વાપી), હિતેન્દ્રસિંહ જસવંતસિંહ રાણા અને ભંગાર વેપારી વિજયકુમાર રામલોચન ગુપ્તાનો સમાવેશ થાય છે. આરોપીઓએ દારૂ અને અન્ય નશાની લત પૂરી કરવા માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તેઓ ચોરી કરેલો વાયર છોલીને ભંગાર વેપારીને વેચી દેતા હતા. આ કેસમાં સંડોવાયેલો અન્ય એક આરોપી અજીત હાલ ફરાર છે, જેને RPFએ વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. નામદાર કોર્ટના આદેશ અનુસાર, પકડાયેલા ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
Read Original Article →