વાપી લૂંટ કેસ: જમ્મુ-કાશ્મીર ગેંગનું રિકન્સ્ટ્રક્શન, ઓળખ પરેડ:રિમાન્ડ પૂરા થતાં આરોપીઓ જુડીશ્યલ કસ્ટડીમાં
વાપીના કરવડ વિસ્તારમાં વેપારી પર જીવલેણ હુમલો કરી રૂ. 1.50 લાખની લૂંટ ચલાવનાર જમ્મુ-કાશ્મીરની ગેંગ સામે ડુંગરા પોલીસે કાર્યવાહી કરી છે. વલસાડ LCB દ્વારા ઝડપાયેલા આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું અને મામલતદાર સમક્ષ ઓળખ પરેડ યોજાઈ હતી. રિમાન્ડ પૂરા થતા ત્રણેય આરોપીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ઘટના ગત 8મી મેની રાત્રે કરવડ સ્થિત પુનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે બની હતી. વેપારી પોતાનો વેપાર આટોપી રોકડ ભરેલી બેગ સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા. તે સમયે બે શખ્સોએ તેમને આંતરી લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં વેપારી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. આરોપીઓ તેમની પાસેથી રૂ. 1.50 લાખની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ડુંગરા પોલીસ સ્ટેશનના PSI કે. આર. ચોટલીયા અને તેમની ટીમે ગુનાની કડીઓ જોડવા માટે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. ત્યાર બાદ, વાપી મામલતદારની હાજરીમાં આરોપીઓની ઓળખ પરેડ યોજવામાં આવી હતી. આ ઓળખ પરેડ દરમિયાન 15 વ્યક્તિઓની વચ્ચે ઊભા રાખવામાં આવેલા શખ્સોમાંથી ફરિયાદી વેપારીએ ત્રણેય લૂંટારુને સચોટ રીતે ઓળખી બતાવ્યા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા ત્રણેય આરોપી જમ્મુ-કાશ્મીરના વતની છે. તેઓ છેલ્લા બે વર્ષથી જે-તે ગોડાઉનમાં મજૂરી કામ કરતા હતા. ગુટખા અને પાન મસાલાના વેપારમાં મોટી માત્રામાં રોકડ આવતી હોવાનું જોઈ તેમની દાનત બગડી હતી. લૂંટ કરીને સીધા જમ્મુ-કાશ્મીર ભાગી જવાની તેઓએ પૂરી તૈયારી કરી હતી, પરંતુ તે પહેલા જ વલસાડ LCBએ તેમને દબોચી લીધા હતા. ડુંગરા પોલીસે આરોપીઓના નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરાયો છે.
Read Original Article →