વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોર ઝડપાયો:બે મુસાફરોના ₹39,500ના ફોન સાથે GRPને સોંપાયો
વાપી રેલવે સ્ટેશન પર ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ અંતર્ગત RPFને મોટી સફળતા મળી છે. પ્લેટફોર્મ નંબર-2 પર સૂતેલા બે મુસાફરોના મોબાઈલ ફોન ચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી ચોરી કરાયેલા બંને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. પ્લેટફોર્મ નંબર-2 પર યાત્રી સૂતો હતો ત્યારે ફોન ચોરાયો
શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના 16 વર્ષીય રાસૂ વનવાસીએ RPF કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી કે પ્લેટફોર્મ નંબર-2 પર સૂતી વખતે તેમનો ₹26,000ની કિંમતનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. થોડા સમય બાદ જામનગરના રણજીતકુમાર ગોંડે પણ ₹13,500ની કિંમતનો તેમનો મોબાઈલ ફોન ચોરાયાની ફરિયાદ કરી હતી. CCTV ફૂટેજમાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ
આ ફરિયાદોના આધારે RPFના ASI ગોવિંદ સહાય મીના, હેડ કોન્સ્ટેબલ અનિતકુમાર મીના અને કોન્સ્ટેબલ વિનોદકુમાર મીનાએ સ્ટેશનના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં એક શખ્સ સૂતેલા મુસાફરો પાસેથી મોબાઈલ ચોરી કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ RPFની ટીમે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. ચોરી કરનાર મધ્ય પ્રદેશના ચોરને ઝડપી લેવાયો
ટીમે શંકાસ્પદ વ્યક્તિને સ્ટેશનની વેસ્ટ સાઈડ પાર્કિંગ નજીકથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ જંગ બહાદુર યાદવ (ઉંમર 40), મૂળ છતરપુર, મધ્ય પ્રદેશનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે બંને મોબાઈલ ફોન ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને તેની પાસેથી કુલ ₹39,500ની કિંમતના બંને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી, કબજે કરાયેલા મોબાઈલ ફોન અને બંને ફરિયાદીઓને આગળની કાર્યવાહી માટે GRP વાપીને સોંપવામાં આવ્યા હતા. GRPએ આરોપી વિરુદ્ધ BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →