વાપી રેલવે સ્ટેશન પર RPFની કાર્યવાહી:'ઓપરેશન યાત્રી સુરક્ષા' હેઠળ બે મોબાઈલ ચોર પકડાયા

Gujarat4/9/2026, 4:59:14 AM
વાપી રેલવે સ્ટેશન પર RPFની કાર્યવાહી:'ઓપરેશન યાત્રી સુરક્ષા' હેઠળ બે મોબાઈલ ચોર પકડાયા
વાપી રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન યાત્રી સુરક્ષા' અંતર્ગત વાપી રેલવે સ્ટેશન પરથી મોબાઈલ ચોરી કરતા બે શખ્સોને અલગ-અલગ ઘટનાઓમાં ઝડપી પાડવામાં આવ્યા છે. RPFની CPDS ટીમે ગુપ્ત દેખરેખ અને ત્વરિત કાર્યવાહી દ્વારા મુસાફરોના ચોરાયેલા મોબાઈલ પરત અપાવ્યા હતા. પ્રથમ ઘટના 5 એપ્રિલના રોજ વાપી સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બની હતી. CPDS સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે એક શખ્સ ઊંઘી રહેલા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ભાગતો જોવા મળ્યો હતો. સતર્ક સ્ટાફે તેને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. પકડાયેલા શખ્સનું નામ અમિત કુશવાહ (રહે. દમણ) હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી ₹8,000ની કિંમતનો POCO 5G મોબાઈલ મળી આવ્યો હતો. મુસાફર ધર્મેન્દ્ર થપાઈ (રહે. કચીગામ, દમણ) એ પોતાના ફોનની ઓળખ કરી હતી. આ મામલે GRP વાપીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી એક ઘટનામાં, 8 એપ્રિલના રોજ સ્ટેશનના પૂર્વ મુખ્ય દ્વાર પાસે ટિકિટ બુકિંગ ઓફિસ નજીકથી રાજેશ લોંડે (રહે. ગીતાનગર, વાપી) નામના શખ્સને રંગેહાથ પકડવામાં આવ્યો હતો. તે ઊંઘતા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી રહ્યો હતો. તેની પાસેથી ₹10,000ની કિંમતનો VIVO Y19S 5G ફોન રિકવર કરવામાં આવ્યો હતો. આ બંને કેસમાં RPF દ્વારા આરોપીઓ અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે GRP (રેલવે પોલીસ) વાપીને સોંપવામાં આવ્યા છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(2) મુજબ ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે. આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ સંદીપ બાગુલ, કોન્સ્ટેબલ સંજુ રાજપૂત, નિશિગંધા, રાજેશ કુમાર, અનિત મીના અને ભગીરથ સહિતના જવાનો જોડાયા હતા.
Read Original Article →