વાપી રેલવે સ્ટેશન પર CCTVથી મોબાઈલ ચોર ઝડપાયો:બિહારનો યુવક બે મોબાઈલ સાથે પકડાયો

Gujarat6/8/2026, 4:43:33 PM
વાપી રેલવે સ્ટેશન પર CCTVથી મોબાઈલ ચોર ઝડપાયો:બિહારનો યુવક બે મોબાઈલ સાથે પકડાયો
વાપી રેલવે સ્ટેશન પર CCTV કેમેરાની મદદથી મોબાઈલ ચોર ઝડપાયો છે. RPF અને CPDS સ્ટાફે બિહારના એક યુવકને બે મોબાઈલ ફોન સાથે ગણતરીની મિનિટોમાં પકડી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 8 જૂનના રોજ વાપી રેલવે સ્ટેશનના રિઝર્વેશન હોલમાં એક મહિલા મુસાફર સૂઈ રહી હતી. આ દરમિયાન એક શખ્સ તેમનો મોબાઈલ ચોરી કરીને પ્લેટફોર્મ નંબર-1 તરફ ભાગી રહ્યો હતો. CCTV કંટ્રોલ રૂમમાં ફરજ પર રહેલા RPF હેડ કોન્સ્ટેબલ રાજેશે આ ઘટના જોઈ હતી. તેમણે તાત્કાલિક ASI ઈસરાર અહેમદ અને કોન્સ્ટેબલ ભાગીરથને જાણ કરી હતી. બંને અધિકારીઓએ સતર્કતા દાખવી પ્લેટફોર્મ નંબર-1 પરથી શંકાસ્પદ યુવકને ઝડપી લીધો હતો. પકડાયેલા યુવકની ઓળખ બિહારના ભોજપુર જિલ્લાના ડુમરિયા ગામના 21 વર્ષીય ભીમ કુમાર રુદલ રામ તરીકે થઈ છે. RPF ઓફિસમાં CCTV ફૂટેજના આધારે પૂછપરછ કરતાં તેણે ચોરીનો ગુનો કબૂલી લીધો હતો. તેની તલાશી દરમિયાન બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગાઝીપુરના ફરિયાદી સંજય ગુપ્તા RPF ઓફિસે પહોંચ્યા હતા અને તેમની પત્નીનો રૂ. 14,500 કિંમતનો ટેકનો પોવા મોબાઈલ ચોરી થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે જપ્ત કરાયેલ મોબાઈલ ઓળખી કાઢ્યો હતો. આરોપી પાસેથી કુલ રૂ. 29,500 કિંમતના બે મોબાઈલ ફોન, જેમાં ટેકનો પોવા અને ટેકનો કેમન 17 પ્રોનો સમાવેશ થાય છે, જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી, મુદ્દામાલ અને ફરિયાદીને આગળની કાર્યવાહી માટે વાપી GRPને સોંપવામાં આવ્યા છે. GRPએ BNS Act કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →