વાપી રેલવે પોલીસે ગુમ થયેલા બે સગીર બાળક શોધી કાઢ્યા:જમ્મુ-કાશ્મીરના બાળકોને તેમના પરિવારને સુરક્ષિત પરત સોંપ્યા

Gujarat5/16/2026, 2:56:02 AM
વાપી રેલવે પોલીસે ગુમ થયેલા બે સગીર બાળક શોધી કાઢ્યા:જમ્મુ-કાશ્મીરના બાળકોને તેમના પરિવારને સુરક્ષિત પરત સોંપ્યા
વાપી રેલવે પોલીસની સતર્કતાને કારણે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના બે સગીર બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. આ બંને બાળકો વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યા હતા, ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને પિતાના હવાલે કર્યા. ગત 15 મે, 2026ના રોજ વાપી રેલવે સ્ટેશન પર ફરજ બજાવતી પોલીસ ટીમને બે સગીર વયના બાળકો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બંને બાળકો જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ઘાટ તાલુકાના રહેવાસી છે. પોલીસે બાળકો પાસેથી મળેલા મોબાઈલ નંબર પર સંપર્ક સાધ્યો હતો. બાળકોના પિતા સાથે વાતચીત કરીને તેમને વાપી બોલાવવામાં આવ્યા હતા. બાળકો મળ્યાની જાણ થતાં જ પિતા જમ્મુથી દિલ્હી આવ્યા અને ત્યાંથી પ્લેન મારફતે અમદાવાદ પહોંચ્યા. ત્યાર બાદ અમદાવાદથી ટ્રેન પકડી તેઓ વાપી રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. વાપી રેલવે પોલીસ સ્ટેશન ખાતે પિતાએ પોતાના પુત્ર અને ભત્રીજાને ઓળખી બતાવ્યા. પોલીસે જરૂરી દસ્તાવેજો અને આધારકાર્ડની ચકાસણી કર્યા બાદ બંને બાળકોને સત્તાવાર રીતે તેમના પિતાને સોંપ્યા. પોતાના ખોવાયેલા બાળકો પરત મળતા પિતાએ પોલીસનો આભાર માન્યો હતો. આ સમગ્ર મામલે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી આગળની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
Read Original Article →