11 વર્ષની ભત્રીજી સાથે છેડતીનો કેસ:વાપી પોક્સો કોર્ટે હવસખોર કાકાની જામીન અરજી ફગાવી

Gujarat5/22/2026, 11:11:17 AM
11 વર્ષની ભત્રીજી સાથે છેડતીનો કેસ:વાપી પોક્સો કોર્ટે હવસખોર કાકાની જામીન અરજી ફગાવી
વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 11 વર્ષની સગીર ભત્રીજી સાથે છેડતી કરવાના આરોપી કાકાની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના 6 મે, 2026ના રોજ વાપીના ડુંગરા વિસ્તારમાં બની હતી. 36 વર્ષીય આરોપીએ તેની 11 વર્ષની સગીર ભત્રીજી સાથે છેડતી કરી હતી. બાળકી તેના નાનાના ઘરે ગઈ હતી ત્યારે આરોપીએ તેને રૂમમાં એકલી જોઈને તેનો હાથ પકડ્યો હતો. આરોપી બાળકીને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં ખેંચી ગયો હતો. ત્યાં તેણે બાળકીના શરીર પર અયોગ્ય સ્પર્શ કર્યો અને પોતાના કપડાં ઉતારી બાળકી પાસે તેલ માલિશ કરાવી હતી. રાત્રે લગભગ 8:30 વાગ્યે ગભરાયેલી બાળકી ઘરે પરત ફરી અને તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું. શરૂઆતમાં બદનામીના ડરથી પરિવારે મૌન રાખ્યું હતું, પરંતુ બાદમાં પીડિતાની માતા સમા પરવિને ડુંગરા પોલીસ સ્ટેશનમાં આરોપી જેઠ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો. ડુંગરા પોલીસે આરોપી ઇમત્યાઝ ખાનની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. જેલમાંથી મુક્ત થવા માટે આરોપીએ વાપીની ખાસ અદાલતમાં નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન, જિલ્લા સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે આરોપીએ પોતાના જ ભાઈની સગીર પુત્રી સાથે ગંભીર કૃત્ય આચર્યું છે. આવા ગંભીર ગુનાના આરોપીને જામીન પર મુક્ત કરવાથી સમાજમાં ખોટો સંદેશ જઈ શકે છે અને સાક્ષીઓ પર દબાણ આવી શકે છે. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને, વાપીના પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ ડૉ. એચ. એન. વકીલે આરોપીની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો. કોર્ટે આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લીધી હતી.
Read Original Article →