શ્રમ કોન્ટ્રાક્ટરની જામીન અરજી નામંજૂર:નજીવી બાબતે હત્યા કેસમાં વાપી સેશન્સ કોર્ટનો ચુકાદો

Gujarat6/3/2026, 3:37:54 PM
શ્રમ કોન્ટ્રાક્ટરની જામીન અરજી નામંજૂર:નજીવી બાબતે હત્યા કેસમાં વાપી સેશન્સ કોર્ટનો ચુકાદો
વાપી સેશન્સ કોર્ટે નજીવી બાબતે થયેલી હત્યાના કેસમાં શ્રમ કોન્ટ્રાક્ટર દીપક સિકંદર મંડલની જામીન અરજી નામંજૂર કરી છે. બીજા એડિશનલ સેશન્સ જજ એચ. જી. પંડ્યાની કોર્ટે ગુનાની ગંભીરતા અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં રાખી આ મહત્વનો ચુકાદો આપ્યો છે. કેસની વિગત મુજબ, મૂળ ઝારખંડનો અને હાલ વાપીના ભડકમોરા ખાતે રહેતો આરોપી દીપક મંડલ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેણે મૃતક સમાધાન અશોક પાટીલને એક કંપનીમાં જૂના વાયરો કાઢવા માટે મજૂરો પૂરા પાડ્યા હતા, જેના ત્રણ દિવસના પૈસા બાકી હતા. આ દરમિયાન, મૃતક સમાધાને આરોપીના મજૂરોનો સીધો સંપર્ક કરીને તેમને કામ પર બોલાવી લેતા દીપક ઉશ્કેરાયો હતો. ગત તા. ૦૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ રાત્રે વાપી GIDC સેકન્ડ ફેઇસમાં LIC સેક્ટર પાસે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન દીપકે ઉશ્કેરાઈને સમાધાનના પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. પોલીસે ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ આરોપી દીપક મંડલે જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. આ સુનાવણી દરમિયાન સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે ગુનાનો મજબૂત મેડિકલ અને નજરે જોનાર સાક્ષીઓનો પુરાવો છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તે નજીકમાં જ રહેતા હોવાથી સાક્ષીઓને ડરાવી-ધમકાવી શકે છે અને પુરાવા સાથે ચેડાં થવાની પૂરેપૂરી શક્યતા છે. કોર્ટે સરકારી પક્ષની દલીલો અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલના સોગંદનામાને ગ્રાહ્ય રાખી, ન્યાયના હિતમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ કર્યો છે.
Read Original Article →