વાપીમાં વહીવટી તંત્રની ભૂલ સામે યુવકનો વિજય:વોર્ડ-5માંથી નામ નોટિફાઈડ એરિયામાં નાખી દીધું, હાઈકોર્ટે મતાધિકાર પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો
લોકશાહીમાં મતાધિકાર એ નાગરિકનું સૌથી મોટું શસ્ત્ર છે, અને જ્યારે આ અધિકાર છીનવાય ત્યારે ન્યાયતંત્ર જ આશાનું કિરણ બને છે. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાર યાદીમાં થયેલી એક ગંભીર વહીવટી ભૂલ સામે શશાંત મિશ્રા નામના યુવકે ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની લડાઈ લડી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. શું હતો સમગ્ર વિવાદ?
વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 માં રહેતા શશાંત મિશ્રાનું નામ તંત્ર દ્વારા કોઈ પણ જાણ વગર પાલિકાની યાદીમાંથી હટાવીને નોટિફાઈડ એરિયા (SIR)ની યાદીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે શશાંત જે એપાર્ટમેન્ટમાં રહે છે, તેના પહેલા, બીજા અને ત્રીજા માળના તમામ રહીશોના નામ પાલિકાની યાદીમાં યથાવત હતા. માત્ર શશાંતનું જ નામ અચાનક બદલી દેવાતા અનેક સવાલો ઊભા થયા હતા. તંત્રની ઉદાસીનતા બાદ હાઈકોર્ટમાં પિટિશન કરી
પોતાનું નામ કપાયું હોવાની જાણ થતા જ શશાંતે સ્થાનિક અધિકારીઓ અને કલેક્ટર સમક્ષ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. જોકે, સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નહોતો. અંતે, પોતાના બંધારણીય હક માટે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લીધા બાદ તંત્રની ભૂલ સ્વીકારી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે યુવકનું નામ તાત્કાલિક અસરથી ફરી વાપી મહાનગરપાલિકાની મતદાર યાદીમાં સામેલ કરવું. શશાંત મિશ્રાને વોર્ડ નંબર 5 માં મતાધિકાર અને જરૂર પડે તો ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો પણ પૂરેપૂરો હક છે. પીડિત યુવક અને કોંગ્રેસની પ્રતિક્રિયા
પીડિત યુવક શશાંત મિશ્રાએ કહ્યું, "મને અંદાજે 2 કે 3 તારીખે આ ભૂલની ખબર પડી હતી. આખા બિલ્ડિંગમાં માત્ર મારું જ નામ કઈ રીતે કપાયું તે મોટો પ્રશ્ન હતો. અધિકારીઓએ સાંભળ્યું નહીં એટલે મારે કોર્ટ જવું પડ્યું. આ મારી અને લોકશાહીની જીત છે." વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શાહે કહ્યું, "શશાંતભાઈ સતત અન્યાય સામે અવાજ ઉઠાવતા રહ્યા છે, એટલે જ કદાચ તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. આખા બિલ્ડિંગમાં બધાના નામ હોય અને એક જ વ્યક્તિનું નામ નીકળી જાય તે તંત્રની બેદરકારી ખુલ્લી પાડે છે." આ કિસ્સો વહીવટી તંત્રની બેદરકારી સામે લાલબત્તી સમાન છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ હવે શશાંત મિશ્રા આગામી પાલિકા ચૂંટણીમાં પોતાનો મત આપી શકશે. આ જીતે સાબિત કર્યું છે કે સામાન્ય નાગરિક જો મક્કમ હોય તો તે ન્યાયતંત્રના સહારે તંત્રની ભૂલ સુધરાવી શકે છે.
Read Original Article →