વાપી પાલિકાએ પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતું રોકવા તંત્ર સજ્જ

Gujarat5/19/2026, 1:44:51 PM
વાપી પાલિકાએ પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતું રોકવા તંત્ર સજ્જ
વાપી મહાનગરપાલિકાએ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ટાળવા અને નાગરિકોને હાલાકી ન પડે તે માટે આ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના કમિશનરે તમામ ઝોનલ અને એન્જિનિયરિંગ સ્ટાફને પ્રી-મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. ચોમાસામાં પાણી ભરાવાની મુખ્ય સમસ્યા ધરાવતા વિસ્તારોને ઓળખી કાઢીને ત્યાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ કામગીરી અંતર્ગત શહેરના નાના-મોટા નાળા, કાંસ અને ભૂગર્ભ ગટરોમાં જમા થયેલો કચરો તથા કાદવ હટાવવામાં આવી રહ્યો છે. આનાથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકશે. વાપીના જે નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે, ત્યાં પાણીના નિકાલ માટે વધારાના પંપ મૂકવા અને ડ્રેનેજ લાઈનો સાફ કરવાની કામગીરીને પ્રાથમિકતા અપાઈ રહી છે. આ ઉપરાંત, ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ રોકવા માટે રોડ લાઇનને નડતરરૂપ અને જોખમી ડાળીઓ કાપવાની કામગીરી પણ ચાલી રહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, "ચોમાસા દરમિયાન શહેરમાં ક્યાંય પણ પાણી ભરાવાની મોટી સમસ્યા ન સર્જાય તે માટે માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તમામ નીચાણવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને ચોમાસું બેસે તે પહેલાં જ મુખ્ય કામગીરીઓ પૂર્ણ કરી લેવામાં આવશે." આ પ્રી-મોન્સૂન કામગીરીને કારણે વાપીના સ્થાનિક રહીશોએ રાહત અનુભવી છે. જોકે, આ કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે.
Read Original Article →