વાપી મનપાની પ્રથમ સામાન્ય સભા 28 મેના રોજ:પછાત વર્ગ (સ્ત્રી) કેટેગરીના પ્રથમ મેયરની પસંદગી થશે

Gujarat5/26/2026, 3:48:20 PM
વાપી મનપાની પ્રથમ સામાન્ય સભા 28 મેના રોજ:પછાત વર્ગ (સ્ત્રી) કેટેગરીના પ્રથમ મેયરની પસંદગી થશે
વલસાડ જિલ્લાની નવરચિત વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા 28મી મેના રોજ યોજાશે. આ સભામાં પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક કરવામાં આવશે. ચૂંટણી પરિણામો બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મનપા કમિશનર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર એજન્ડા મુજબ, આ ઐતિહાસિક બોર્ડ બેઠક ગુરુવાર, 28-05-2026ના રોજ સવારે 11:30 કલાકે નામધા રોડ સ્થિત પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરીયમ હોલ ખાતે યોજાશે. કાયદાકીય જોગવાઈઓ અને રોસ્ટર શિડ્યુલ અનુસાર, વાપી મહાનગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયરનું પદ "પછાત વર્ગ (સ્ત્રી)" કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું છે. આ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ ઉપરાંત, મનપાના વહીવટી અને નાણાકીય માળખાના સુચારુ સંચાલન માટે અત્યંત ચાવીરૂપ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણૂક પણ આ જ બોર્ડમાં કરવામાં આવશે. ભાજપ પાસે ૩૭ બેઠકોનું સ્પષ્ટ સંખ્યાબળ હોવાથી, વાપી મનપાના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર ભાજપના જ બનશે તે નિશ્ચિત છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સમયસર પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રો જમા કરાવવાની સમયમર્યાદા જાહેર કરાઈ છે. મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી લડવા ઈચ્છતા કાઉન્સિલરોએ મંગળવાર, ૨૬-૦૫-૨૦૨૬ સુધીમાં ઓફિસ સમય દરમિયાન મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસથી નામનિયુક્તિ પત્રો મેળવી લેવાના રહેશે. વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈએ ભાજપના ઉમેદવાર વતી મેયર પદ માટેનું પ્રથમ ફોર્મ મેળવ્યું હતું. ભાજપના ઉમેદવાર આગામી દિવસોમાં સત્તાવાર ઉમેદવારી નોંધાવશે. મનપા કમિશનરના જણાવ્યા અનુસાર, ૨૮મી મેના રોજ સભાના દિવસે નિયુક્ત પ્રમુખ સત્તાધિકારી (Presiding Officer) દ્વારા હોદ્દાઓ માટે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરાશે. આ જાહેરાત થયાની ૧૫ મિનિટની અંદર જ યોગ્ય રીતે ભરેલા નામનિયુક્તિ પત્રો તેમને સુપ્રત કરવાના રહેશે, ત્યારબાદ તુરંત જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ સભાને લઈને તમામ વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
Read Original Article →