વાપી મહાપાલિકા ચૂંટણી: પ્રથમ દિવસે 130 ફોર્મ ઉપડ્યા:રાજકીય માહોલ ગરમાયો, 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી જંગ

Gujarat4/6/2026, 10:29:00 AM
વાપી મહાપાલિકા ચૂંટણી: પ્રથમ દિવસે 130 ફોર્મ ઉપડ્યા:રાજકીય માહોલ ગરમાયો, 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી જંગ
વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ વિતરણના પ્રથમ જ દિવસે 130 જેટલા ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા, જે દર્શાવે છે કે આ ચૂંટણી રસાકસીભરી બનશે. મહાનગરપાલિકા કચેરી ખાતે ફોર્મ વિતરણ શરૂ થતાં જ સવારથી ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. સત્તાવાર આંકડા મુજબ, યુવા ચહેરાઓથી લઈને અનુભવી રાજકીય આગેવાનો સુધીના 130 જેટલા ઉમેદવારોએ પ્રથમ દિવસે ફોર્મ ઉપાડ્યા હતા. વાપી મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ અને 52 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરેક વોર્ડમાં 4 બેઠકો હોવાથી, દરેક રાજકીય પક્ષ માટે મજબૂત પેનલ ઊભી કરવી પડકારજનક રહેશે. રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ બની છે. કોંગ્રેસે ચૂંટણી રેસમાં પહેલ કરીને એક ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. બીજી તરફ, ભાજપ અને આમ આદમી પાર્ટી હાલ ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં યાદી જાહેર કરે તેવી શક્યતા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા વાપીમાં આ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેયર કોણ બનશે તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મધ્યમ વર્ગના પ્રશ્નો આ વખતે ચૂંટણીના મુખ્ય મુદ્દા બની શકે છે. પ્રથમ દિવસે જ ફોર્મ લેવા ઉમટેલી ભીડે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે વાપીની ચૂંટણી એક જબરદસ્ત રાજકીય મુકાબલો સાબિત થશે. દરેક પક્ષ માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે, જેમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે.
Read Original Article →