વાપીની નિર્મલ સોસાયટીમાં લિફ્ટમાં પડી માળીનું મોત:CCTV ફૂટેજ સામે આવ્યા, મેઈન્ટેનન્સ પર સવાલ

Gujarat4/13/2026, 1:35:18 AM
વાપીની નિર્મલ સોસાયટીમાં લિફ્ટમાં પડી માળીનું મોત:CCTV ફૂટેજ સામે આવ્યા, મેઈન્ટેનન્સ પર સવાલ
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી નિર્મલ સોસાયટીમાં લિફ્ટમાં પડી જવાથી એક માળીનું કરુણ મોત થયું છે. લિફ્ટનો દરવાજો અચાનક ખુલી જતાં માળી ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિર્મલ સોસાયટીમાં કામ કરતો માળી ત્રીજા માળે લિફ્ટ પાસે ઊભો હતો. લિફ્ટ નીચે હોવા છતાં, ટેકનિકલ ખામી કે જાળવણીના અભાવે લિફ્ટનો સેફ્ટી દરવાજો અચાનક ખુલી ગયો હતો. અંધારામાં કંઈ સમજાય તે પહેલાં જ માળી લિફ્ટના શાફ્ટમાં ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. આ અકસ્માત એટલો શાંતિથી થયો કે શરૂઆતમાં કોઈને તેની જાણ ન થઈ. બીજા દિવસે સોસાયટીમાં દુર્ગંધ આવતા શંકા જાગી. લોકોએ લિફ્ટની તપાસ કરી અને CCTV ફૂટેજ જોયા, જેમાં માળી લિફ્ટના શાફ્ટમાં પડતો સ્પષ્ટ દેખાયો હતો. આ ઘટના બાદ સોસાયટીની લિફ્ટની જાળવણી કરતી કંપની સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લિફ્ટ હાજર ન હોવા છતાં દરવાજો કેવી રીતે ખુલ્યો અને તેનું સમયાંતરે ચેકિંગ થતું હતું કે કેમ, તે મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે માળીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે લિફ્ટ મેઈન્ટેનન્સના દસ્તાવેજો અને CCTV ફૂટેજના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરશે. આ ઘટનાએ વાપી અને વલસાડની અનેક હાઈરાઈઝ સોસાયટીઓમાં લિફ્ટની સુરક્ષા અંગે ચિંતા જગાવી છે. જાળવણીના નામે માત્ર સહીઓ કરી જતી એજન્સીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
Read Original Article →