વાપીમાં પિતા-પુત્રના આગોતરા જામીન નામંજૂર:ચાર વર્ષ જૂની અદાવતમાં તલવાર-લાકડાથી જીવલેણ હુમલો કર્યો હતો

Gujarat5/21/2026, 3:40:14 PM
વાપીમાં પિતા-પુત્રના આગોતરા જામીન નામંજૂર:ચાર વર્ષ જૂની અદાવતમાં તલવાર-લાકડાથી જીવલેણ હુમલો કર્યો હતો
વાપીના ડુંગરા નવી નગરી વિસ્તારમાં ચાર વર્ષ જૂની અદાવતમાં એક યુવક પર તલવાર અને લાકડા વડે જીવલેણ હુમલો કરનાર પિતા-પુત્રની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. વાપીના એડિશનલ સેશન્સ જજ ડૉક્ટર એચ. જી. પંડ્યાની કોર્ટે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આ હુકમ કર્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, હરિયાપાર્ક વૃંદાવન સોસાયટીમાં રહેતા નીતિનભાઈ રઘુનાથ ફાલે 8 મેના રોજ રાત્રે ડુંગરા નવી નગરી ખાતે મિત્ર અંકિત પટેલના ઘરે લગ્નપ્રસંગમાં ગયા હતા. 9 મેના રોજ વહેલી સવારે પ્રસંગ પૂર્ણ થતાં તેઓ પોતાની મોટરસાયકલ લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પિતા-પુત્ર સહિત ત્રણ ઇસમોએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. ભોગ બનનાર નીતિનભાઈએ પાછળ ફરીને જોતાં ડુંગરા નવી નગરીના વિક્રમ વિષ્ણુ હળપતિના હાથમાં તલવાર હતી, જ્યારે તેના પિતા વિષ્ણુ હળપતિ અને એક અન્ય અજાણ્યો ઇસમ લાકડાના ફટકા સાથે ઊભા હતા. વિક્રમે તલવાર વડે નીતિનભાઈની પીઠ, ડાબા હાથની કોણી અને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેના પિતા વિષ્ણુએ માથાના ભાગે લાકડાનો ફટકો માર્યો હતો. આ હુમલા પાછળનું કારણ એ હતું કે, આરોપી વિક્રમ હળપતિને પોતાની પત્ની સાથે નીતિનભાઈના આડા સંબંધ હોવાનો ચાર વર્ષ જૂનો વહેમ હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સેલ્બી અને ત્યારબાદ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ડુંગરા પોલીસ મથકે ગુનો નોંધાતાં ધરપકડથી બચવા માટે આરોપી પિતા-પુત્ર, વિષ્ણુ બાલુભાઇ હળપતિ અને વિક્રમ વિષ્ણુભાઈ હળપતિએ વાપીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આ કેસમાં ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ગુનાહિત માનસ અને ગંભીર હથિયારો વડે હુમલો કરવાનો ગંભીર ગુનો છે, જેથી તેમને આગોતરા જામીન આપી શકાય નહીં. અદાલતે આ દલીલો માન્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે.
Read Original Article →