'છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજનો પ્રોજેક્ટ લટકી રહ્યો છે':​'અમારો વેપાર ઠપ્પ થઈ ગયો, બચત પણ વપરાઈ ગઈ'; વોર્ડ નં. 6-7ની સૌથી મોટી સમસ્યા વાપી ઇસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ

Gujarat4/4/2026, 12:35:00 AM
'છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજનો પ્રોજેક્ટ લટકી રહ્યો છે':​'અમારો વેપાર ઠપ્પ થઈ ગયો, બચત પણ વપરાઈ ગઈ'; વોર્ડ નં. 6-7ની સૌથી મોટી સમસ્યા વાપી ઇસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ
​વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી સામાન્ય ચૂંટણીનો માહોલ હાલ ગરમાયો છે. ત્યારે વાપીના મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વાપીના વોર્ડ નંબર 6 અને 7માં પહોંચી હતી. આ વખતે ચૂંટણીનો માહોલ જનતાની હાલાકી અને વેપારીઓના રોષથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાપીના હાર્દ સમાન આ બન્ને વોર્ડના મતદારો બ્રીજની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી ખુબ હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે ઓવરબ્રિજના કામને લઈ જનતાનો આક્રોશ વોર્ડ નં. 6 અને 7ની સૌથી મોટી અને સળગતી સમસ્યા વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતો બ્રિજ છે. છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી આ બ્રિજ નિર્માણાધીન અવસ્થામાં છે. આ વિલંબને કારણે માત્ર ટ્રાફિકની સમસ્યા જ નથી સર્જાઈ, પરંતુ શહેરના બે ભાગ વચ્ચેનું સામાજિક અને આર્થિક અંતર વધી ગયું છે. સ્થાનિકોનો આરોપ છે કે, વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અથવા બેદરકારીને કારણે કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. ​બ્રિજની કામગીરીને કારણે વાપીનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ હાઈવે પર શિફ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણયની સૌથી માઠી અસર ઝંડા ચોક અને આસપાસના બજાર પર પડી છે. બસ સ્ટેન્ડ ખસતા ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે, જેના કારણે વર્ષો જૂના વેપારીઓનો ધંધો 50% થી 60% સુધી પડી ભાંગ્યો છે. નાના ફેરિયાઓ અને દુકાનદારો અત્યારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. “સરકાર જમીનદારોના ફાયદા માટે બ્રિજ નથી બનાવતી” વાપીના વર્ષો જૂના રહેવાસી ઉમાશંકર યાદવે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “મેં વાપીનો વિકાસ જોયો છે, પણ આ બ્રિજનું કામ કેમ અટકેલું છે તે સમજાતું નથી. અહીં કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી જવાબ આપવા તૈયાર નથી. મંત્રી કનુ દેસાઈ વારંવાર પેપરમાં નિવેદન આપે છે કે, કામ જોરશોરમાં ચાલુ થશે, પણ જમીન પર કંઈ દેખાતું નથી. મને લાગે છે કે સરકાર મોટા જમીનદારોને ફાયદો કરાવવા માટે આ બ્રિજ નથી બનાવતી. જનતા હેરાન થાય છે, લોકોના ધંધા તૂટી ગયા છે, પણ તંત્રને પડી નથી. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતા આનો જવાબ ચોક્કસ આપશે.” બસ ડેપો શિફ્ટ થવાથી વેપાર પડી ભાંગ્યો સ્થાનિક વેપારી સંજય ભાવસારે બ્રિજને કારણે થતી આર્થિક નુકસાની અંગે જણાવ્યું કે, “વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા માટે સૌથી મોટો મુદ્દો આ ઓવરબ્રિજ જ છે. છેલ્લા ચાર વર્ષથી આ પ્રોજેક્ટ લટકી રહ્યો છે. જેથી અમારી રોજીરોટી પણ ખુબ જ અસર થઈ છે. બ્રિજનું કામ અને બસ ડેપો શિફ્ટ થવાને કારણે ઝંડા ચોક વિસ્તારનો આખો વેપાર પડી ભાંગ્યો છે. ગ્રાહકોની અવરજવર ઓછી થઈ ગઈ છે. મારી પોતાની હાલત એવી થઈ છે કે ઘર ચલાવવા માટે વર્ષોની બચત પણ વપરાઈ ગઈ છે. જે લોકોએ આ પ્રોજેક્ટમાં મોડું કર્યું છે, તેમને મત આપતા પહેલા અમે સો વાર વિચારીશું.” ‘લોકો ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે’ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ બોગાએ જમાવ્યું કે, વાપી મહાનગરપાલિકાની આગામી જે ચૂંટણી આવી રહી છે, એમાં સૌથી મુખ્ય મુદ્દો જો વાપીનો હોય તો એ બ્રિજનો મુદ્દો છે. ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ જ્યારે તોડી પાડવામાં આવ્યો છે ત્યારથી લોકોને ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે ઘણા દુકાનદારોને પણ એનું નુકસાન થઈ રહ્યું છે. ઈસ્ટથી વેસ્ટ હોય કે વેસ્ટથી ઈસ્ટ જવાનું હોય, લોકો ગભરાય છે કે કલાક-બે કલાક ટ્રાફિકમાં નીકળી જાય છે, એના લીધે લોકોનો રોજગાર પણ તૂટી ગયો છે. લોકો હવે આવવાનું એવોઈડ કરે છે. ‘ઠેર-ઠેર જગ્યાઓ પર રસ્તા પર ખાડા જોવા મળે છે’ બીજો મુદ્દો વાપીમાં પાણીની સમસ્યા છે. હવે ગરમીની સીઝન શરૂ થશે એટલે બધાની બોરિંગો સુકાઈ જાય છે, જેથી સંપૂર્ણ ડિપેન્ડન્ટ બધાનું નગરપાલિકાની પાણીની સપ્લાય પર રહે છે. એ સપ્લાય સ્લો થઈ જાય છે અને લોકોને સમયસર પાણી ઓછું મળે છે, એટલે પાણીની સમસ્યા પણ વધી જાય છે. ઠેર-ઠેર જગ્યાઓ પર રસ્તા પર ખાડા જોવા મળે છે. ઘણા ડામરના રસ્તાઓ પીગળી ગયા, તો એ સારી ગુણવત્તાના રસ્તા બનાવવામાં આવ્યા નથી. મતદારો સ્થાનિક ઉમેદવારને પસંદ કરશે જે લોકોની વચ્ચે રહીને લોકોનું કામ કરે, ના કે કોઈ પાર્ટીમાંથી આવીને પાર્ટીના સિમ્બોલ પર મત માંગીને જીતી ગયા પછી ગાયબ થઈ જાય. પહેલા પણ એવું જોવા મળ્યું છે કે ઘણા એવા ઉમેદવાર હતા જે જીતીને આવ્યા પછી વિસ્તારમાં જોવા મળ્યા નથી. એટલે લોકો ઈચ્છે છે કે, એવા કેન્ડિડેટ હોય જે લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે. લોકોમાં ઉત્સાહની સાથે સાથે રોષ પણ છે. વાપીમાં ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ હવે "નિયતિ" બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલની લાઈનો નાખવામાં આવી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. નિકાલની વ્યવસ્થા હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાય છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર દેખાડો સાબિત થતી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.
Read Original Article →