દુષ્કર્મ કેસ: વાપી કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા:લગ્નની લાલચ આપી 22 વર્ષીય યુવતી પર 50 વર્ષીય પ્રૌઢે દુષ્કર્મ આચર્યું
વાપી કોર્ટે 22 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવાના આરોપમાં 50 વર્ષીય આરોપી પ્રશાંત વિજય અગ્રવાલની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીએ લગ્નની ખોટી લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. ડુંગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ બે વર્ષ સુધી યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી એડીશનલ સેશન્સ જજ ડૉ. એચ. એન. વકીલે આ અરજી નામંજૂર કરી હતી. કોર્ટે આરોપીને કોઈ રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ વાપીમાં પરિવાર સાથે રહેતી 22 વર્ષીય પીડિત યુવતી મુંબઈની એક કંપનીના કોલ સેન્ટરમાં નોકરી કરે છે. વર્ષ 2022માં તેની મુલાકાત વાપીમાં રહેતા 50 વર્ષીય પ્રશાંત વિજય અગ્રવાલ સાથે થઈ હતી. આ મુલાકાત ધીમે-ધીમે પ્રેમ સંબંધમાં બદલાઈ હતી. પીડિતાની ફરિયાદ અનુસાર, 2 મે 2022ના રોજ જ્યારે તે તેની સહેલીની સોસાયટી સ્થિત ભાડાના ફ્લેટ પર ગઈ હતી, ત્યારે આરોપી પ્રશાંત ત્યાં પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પ્રથમ વખત તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પણ લગ્નનું કહીને આરોપી અવારનવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો. તા. 5 ફેબ્રુઆરી 2025ના રોજ આરોપી તેને સેલવાસના ટ્રીટ રિસોર્ટ ખાતે પણ લઈ ગયો હતો અને ત્યાં પણ તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા. જ્યારે પીડિતાએ પ્રશાંત પર લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે તેને જાણવા મળ્યું કે પ્રશાંત અગ્રવાલ અગાઉથી જ પરણિત છે અને તેને બે બાળકો પણ છે. પોતાની સાથે વિશ્વાસઘાત અને બળાત્કાર થયો હોવાનું જણાતા આખરે પીડિતાએ તેની માતા સાથે ડુંગરા પોલીસ સ્ટેશન પહોંચી ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 64(2)(M) મુજબ ગુનો નોંધાવ્યો હતો. કોર્ટે જામીન અરજી કેમ ફગાવી?
પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી પ્રશાંત અગ્રવાલે વાપીની અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્નની ખોટી લાલચ આપી વિશ્વાસઘાત કર્યો છે અને ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. ગુનાની ગંભીરતા જોતા આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. વાપીના એડીશનલ સેશન્સ જજ ડૉક્ટર એચ. એન. વકીલે સરકારી વકીલની દલીલો તેમજ પોલીસ ડાયરીના પુરાવા ધ્યાને રાખીને આરોપી પ્રશાંત વિજય અગ્રવાલની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. અદાલતના આ કડક વલણ બાદ હવે ડુંગરા પોલીસ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →