નકલી નોટ રેકેટ: મુખ્ય આરોપી સંજય પવારની જામીન અરજી ફગાવી:વાપી કોર્ટે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ગુનામાં જામીન નામંજૂર કર્યાં

Gujarat5/16/2026, 10:02:58 AM
નકલી નોટ રેકેટ: મુખ્ય આરોપી સંજય પવારની જામીન અરજી ફગાવી:વાપી કોર્ટે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ગુનામાં જામીન નામંજૂર કર્યાં
નકલી ચલણી નોટો છાપવાના હાઈપ્રોફાઈલ રેકેટમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સંજય સોમનાથ પવારની નિયમિત જામીન અરજી વાપીના એડિશનલ સેશન્સ જજ પુષ્પા સૈનીએ નામંજૂર કરી છે. કોર્ટે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ડુંગરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી સંજય પવાર અને તેની મહિલા સહ-આરોપી છાયાદેવી મંડલને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપી સંજયના કબજામાંથી રૂ. 500 ના દરની 144 બનાવટી નોટો (કિંમત ₹72,000) મળી આવી હતી. જ્યારે છાયાદેવીના ફ્લેટમાંથી ₹500 ના દરની 4716 બનાવટી નોટો (કિંમત ₹23,58,000) મળી હતી. પોલીસે કુલ ₹24.30 લાખની 4850 બનાવટી નોટો, કલર પ્રિન્ટર, કટર, સ્ટીલની ફૂટપટ્ટી અને નોટો છાપવાના અન્ય સાધનો સહિત કુલ ₹17.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપીએ જામીન પર મુક્ત થવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જામીન અરજીનો સખત વિરોધ કરતા કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપીઓએ આર્થિક ફાયદો મેળવવાના બદઈરાદાથી પૂર્વઆયોજિત કાવતરું રચીને નકલી નોટો બજારમાં અસલી તરીકે વટાવવાનું કૌભાંડ આચર્યું છે. આ ગુનો દેશના અર્થતંત્રને સીધું અને ગંભીર નુકસાન પહોંચાડનારો રાષ્ટ્રવિરોધી કૃત્ય સમાન છે. વધુમાં, તપાસ કરનાર ડુંગરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચૌટલીયાએ સોગંદનામામાં જણાવ્યું હતું કે, આરોપી અન્ય રાજ્યનો વતની હોવાથી જામીન મુક્ત થયા બાદ તે નાસી જાય અથવા કોર્ટમાં હાજર ન રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ કેસમાં હજુ પણ દિલીપ ત્રાંબક કાપસે સહિતના અન્ય આરોપીઓ વોન્ટેડ છે, જેમને આ આરોપી મદદ કરી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ પુષ્પા સૈનીએ ગુનાની ગંભીરતાને પ્રાધાન્ય આપ્યું હતું. કોર્ટે નોંધ્યું કે, આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને ગુનામાં તેમની સક્રિય સંડોવણી હોવાના પૂરતા પુરાવા છે. આવા ગંભીર આર્થિક ગુનામાં સંડોવાયેલા આરોપીને જામીન આપવાથી સમાજ અને અર્થતંત્ર પર વિપરીત અસર પડી શકે છે, તેમ જણાવી કોર્ટે આરોપી સંજય પવારની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.
Read Original Article →