ઉમરગામ કિશોરી હત્યા કેસ:વાપી કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો
ઉમરગામમાં વર્ષ 2022માં 17 વર્ષીય સગીરાની હત્યાના મુખ્ય આરોપી પંકજ યોગેન્દ્ર પાસવાનની જામીન અરજી વાપીની કોર્ટે નામંજૂર કરી છે. એડિશનલ સેશન્સ જજ પુષ્પા સૈનીએ ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. ઘટનાની વિગત મુજબ, વર્ષ 2022માં ઉમરગામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપી પંકજ પાસવાન અને મૃતક કિશોરી વચ્ચે અગાઉ મિત્રતા હતી. જોકે, કિશોરીએ વાતચીત કરવાનું બંધ કરી દેતા આરોપીએ અદાવત રાખી હતી. 25 ઓગસ્ટ 2022ના રોજ જ્યારે કિશોરી ટ્યુશન ક્લાસથી પરત ફરી રહી હતી, ત્યારે આરોપી પંકજે અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો સાથે મળીને તેનો પીછો કર્યો હતો. રસ્તામાં તેને આંતરીને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ ચકચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી પંકજ પાસવાન ગુનો આચર્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો હતો. ઉમરગામ પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ તેણે જામીન માટે અરજી કરી હતી. જામીન અરજીના વિરોધમાં સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સગીરાની નિર્મમ હત્યા કરી છે. જો તેને જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને ધાક-ધમકી આપી શકે છે અથવા પુરાવા સાથે ચેડાં કરી શકે છે. વળી, આરોપી અન્ય રાજ્યનો વતની હોવાથી ટ્રાયલ દરમિયાન હાજર ન રહે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે, તેવી દલીલ પણ સરકારી વકીલે કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપી લાંબા સમય સુધી નાસતો-ફરતો રહ્યો હતો અને ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે. સામાજિક સુરક્ષા અને ન્યાયના હિતમાં આરોપીને જામીન આપી શકાય નહીં, તેમ જણાવી જામીન અરજી ડિસમિસ કરવામાં આવી હતી.
Read Original Article →