શેરબજાર છેતરપિંડી કેસ:વાપી કોર્ટે રૂ.1.46 કરોડની છેતરપિંડીના આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો
વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.46 કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી નરેન્દ્ર મહેશભાઈ માલીની જામીન અરજી નામંજૂર કરી છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરિયાદી ખુશરુ ડાલી પેટીગરાને ‘WealthyIN Broking Private Limited’ નામની નકલી કંપનીમાં શેરબજારના IPOમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. ફરિયાદીને બલ્ક ટ્રેડિંગમાં મોટા નફાનું વચન આપી કુલ રૂ. 1,46,75,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગુનામાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ડીસા, બનાસકાંઠાના રહેવાસી નરેન્દ્ર મહેશભાઈ માલીની ધરપકડ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ, આરોપીએ નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. સુનાવણી દરમિયાન, સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી થઈ છે. તેમણે જણાવ્યું કે નરેન્દ્રના ખાતામાં રૂ. 6.50 લાખ જમા થયા હતા, જેમાંથી તેણે રૂ. 3.70 લાખ ઉપાડી સહ-આરોપીઓને આપ્યા હતા અને પોતે કમિશન મેળવ્યું હતું. પોલીસે આરોપીના બેંકમાંથી નાણાં ઉપાડતા હોવાના CCTV ફૂટેજ પણ પુરાવા તરીકે રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, વાપીના એડિશનલ સેશન્સ જજ પુષ્પા સૈનીએ અવલોકન કર્યું હતું કે સાયબર ફ્રોડના આ ગંભીર ગુનામાં આરોપીની સક્રિય ભૂમિકા સ્પષ્ટ જણાઈ આવે છે. કોર્ટે નોંધ્યું કે જો આરોપીને જામીન આપવામાં આવે તો અન્ય ફરાર આરોપીઓને પકડવાની તપાસમાં અવરોધ ઊભો થવાની શક્યતા છે. આથી, કોર્ટે આરોપીની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો.
Read Original Article →